મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Gandhinagar / BJPના સ્થાપના દિવસે સીએમ ભૂપેન્દ્ર પટેલે વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભવ્ય ઉજવણી ક

સોર્સ: GSTV

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના દિગ્ગજ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ કાર્યકરોને શિસ્ત અને સમર્પણનો પાઠ ભણાવ્યો હતો, તો બીજી તરફ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂના દિવસો યાદ કરતા જણાવ્યું હતું કે, "પહેલા કાર્યકર્તાઓ રાત્રે 2 વાગ્યા સુધી જાતે પોસ્ટરો લગાવતા હતા, જ્યારે આજે તો આપણે માત્ર ઓર્ડર આપી દઈએ છીએ." તેમણે કાર્યકરોને ટકોર કરતા કહ્યું કે, પક્ષમાં હોદ્દાઓ મર્યાદિત હોય છે, બધાને હોદ્દા ન મળી શકે. "ક્યારેક કંઈ ન મળે ત્યારે હોહા કરવી તે બાબત ખોટી છે. આપણો વ્યવહાર એવો હોવો જોઈએ કે હોદ્દો મળ્યા પછી પણ કાર્યકર્તાને બહાર બેસાડી ન રાખવો જોઈએ."

ચૂંટણી સમયે કાર્યકરોની વધતી ભીડ પર કટાક્ષ કરતા તેમણે પૂછ્યું હતું કે, "શું આટલી જ સંખ્યામાં કાર્યકર્તાઓ દરરોજ આવે છે?" તેમણે ઉમેર્યું કે ભારત માતા કી જય બોલાવનારા ઘણા હોય છે, પણ હોદ્દો આપ્યા પછી ખબર પડે છે કે આ તો માત્ર નેતા આવે ત્યારે જ દેખાય છે.

કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા આક્ષેપો પર પ્રહાર કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, જે કામ કરે તેમાં જ ખામીઓ રહી શકે, જે કામ જ ન કરે તેમાં શું ખામી શોધવી? તેમણે વિપક્ષી ધારાસભ્યો સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, "વિપક્ષના ધારાસભ્યો મને ફરિયાદ કરવા આવ્યા હતા કે સરકાર હેરાન કરે છે. મેં તેમને પૂછ્યું કે તમારા રાજ્યમાં તમે અમારી સાથે શું કરો છો? જો તમે ૧૫-૧૭ લોકો થઈને અમને હેરાન કરો, તો અમે ૧૮૨ શું શાંતિથી બેઠા રહીશું? ભૂપેન્દ્રભાઈની ખમવાની ક્ષમતા વધુ હશે, પણ સરકાર તો સરકાર જ હોય, તે આઘું-પાછું કંઈ ચલાવી ન લે, પાડી જ દે."

પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ભાજપનો સ્થાપના દિવસ એ માત્ર જન્મદિવસ નથી, પરંતુ 17 કરોડથી વધુ કાર્યકર્તાઓના સમર્પણની ગાથા છે. તેમણે જનસંઘથી લઈને અત્યાર સુધીની યાત્રા અને કટોકટીના સમયના સંઘર્ષને યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે, "ગાંઠનું ગોપીચંદન ઘસીને કમળને સુગંધિત કરવાનું કામ ભાજપના કાર્યકરોએ કર્યું છે."

વધુમાં તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસ દ્વારા વારંવાર ગુજરાતીઓનું અપમાન કરવામાં આવે છે અને આ અપમાનનો બદલો ગુજરાતની જનતા આગામી સમયમાં ચોક્કસ લેશે. મુખ્યમંત્રીએ વિશ્વની પ્રવર્તમાન સ્થિતિમાં ભારત સુરક્ષિત હોવાનું જણાવીને ઉમેર્યું હતું કે, હાલ રાજ્યમાં ગેસ કે પેટ્રોલ અંગે કોઈ તકલીફ નથી. તેમણે પ્રાર્થના કરી હતી કે બધાને સદબુદ્ધિ આવે અને વિશ્વમાં શાંતિ સ્થપાય.

આ સમાચાર શેર કરો