"દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા...": CM ભૂપેન્દ્ર પટેલે દીકરીના લગ્ન માટે જામનગરના કાર્યક્રમનું સ્થળ બદલ્યું

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મૃદુ અને મક્કમ વ્યક્તિત્વ સાથે હવે તેમ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મૃદુ અને મક્કમ વ્યક્તિત્વ સાથે હવે તેમનો માનવતાવાદી અભિગમ દર્શાવતી એક અત્યંત સંવેદનશીલ ઘટના પ્રકાશમાં આવી છે. જામનગરમાં એક દીકરીના લગ્ન નિર્ધારિત સમયે અને સ્થળે શાંતિપૂર્વક યોજાય તે માટે મુખ્યમંત્રીએ પોતાના પૂર્વ નિર્ધારિત સરકારી કાર્યક્રમનું સ્થળ તત્કાળ બદલી નાખવાનો આદેશ આપ્યો હતો.

લગ્નના એક દિવસ પહેલા સિક્યોરિટીની ચિંતા

જાહેરાત

વાત વિગતવાર એ છે કે, તારીખ 23-11-2025 ના રોજ જામનગરના પરમાર પરિવારની દીકરી સંજના પરમારના લગ્ન શહેરના ટાઉનહોલ ખાતે નક્કી થયા હતા. પરિવારમાં તૈયારીઓ પૂરજોશમાં હતી. જોકે, પરિવારને જાણ થઈ કે લગ્નના માત્ર એક દિવસ પછી, 24-11-2025 ના રોજ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જાહેર કાર્યક્રમ પણ આ જ ટાઉનહોલ ખાતે નિર્ધારિત થયો હતો.

મુખ્યમંત્રીના આગમનને કારણે ટાઉનહોલની આસપાસ પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવાઈ હતી. આ સઘન સુરક્ષા વ્યવસ્થાને પગલે લગ્નવિધિમાં અવરોધ ઊભા થવાની અને મહેમાનોને મુશ્કેલી પડવાની શક્યતા ઊભી થઈ હતી, જેના કારણે પરમાર પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો.

મુખ્યમંત્રીની સંવેદનશીલતા: "દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા"

ચિંતિત પરિવારે પોતાની વાત મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. આ વાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાને આવતાં જ તેમણે સહેજ પણ ખચકાટ વિના માનવતા દાખવી. તેમણે તુરંત જ આદેશ આપ્યો: "આપણા કાર્યક્રમનું સ્થળ બદલો. દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા."

મુખ્યમંત્રીના આ સંવેદનશીલ આદેશના પગલે જામનગરમાં યોજાનારા તેમના કાર્યક્રમનું સ્થળ તાત્કાલિક બદલવામાં આવ્યું.

પરિવારની ચિંતા દૂર, રાત્રે શાંતિથી સૂઈ શક્યા

આ ઘટનાક્રમ અંગે વાત કરતા દીકરી સંજના પરમારના કાકા બ્રિજેશ પરમારએ મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, લગ્નગાળાની સીઝનમાં તાત્કાલિક નવું સ્થળ શોધવું, મહેમાનોને જાણ કરવી અને નવી વ્યવસ્થાઓ ઊભી કરવી એ તેમના માટે અઘરું હતું.
"મુખ્યમંત્રી સાહેબનો એક ફોન આવ્યો અને અમે શાંતિથી એ રાત્રે સૂઈ શક્યા. તેમણે અમને હૈયાધારણ આપી કે તમે જરાપણ ચિંતા કરશો નહીં. તમારા લગ્ન ધામધૂમથી જ્યાં નિર્ધારિત હતા, ત્યાં ટાઉનહોલ ખાતે જ કરો. અમે અમારા કાર્યક્રમનું સ્થળ બદલાવીશું."

મુખ્યમંત્રીનો આ નિર્ણય દર્શાવે છે કે તેઓ માત્ર મક્કમ પ્રશાસક જ નહીં, પરંતુ એક 'ઉત્તમ માણસ' પણ છે, જે જનતાની નાની-નાની મુશ્કેલીઓ પ્રત્યે પણ સદા સંવેદનશીલ રહે છે.

પરિવારના લગ્નનો પ્રસંગ શાંતિપૂર્ણ રીતે ટાઉનહોલ ખાતે યોજાય તે સુનિશ્ચિત કરવા માટે, મુખ્યમંત્રીના આદેશ બાદ હવે મુખ્યમંત્રીનો કાર્યક્રમ આવતીકાલે (તારીખ 24-11-2025) ટાઉનહોલના બદલે ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે યોજાશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત