મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવરાત્રી છે કે ડાન્સ પાર્ટી? રાજકોટની ક્લબના આયોજકોએ શરમ નેવે મૂકી ગરબામાં વગાડ્યા DJ Songs

રાજકોટનું નીલ સિટી ક્લબ ફરી વિવાદમાં આવ્યું છે. નવરાત્રીના રસોત્સવમાં નીલ સિટી ક્લબના આયોજકોએ ગરબા નેવે મ

રાજકોટનું નીલ સિટી ક્લબ ફરી વિવાદમાં આવ્યું છે. નવરાત્રીના રસોત્સવમાં નીલ સિટી ક્લબના આયોજકોએ ગરબા નેવે મૂકીને શકીરાના અને ફિલ્મી ગીતો વગાડ્યા હતા. નવરાત્રીના પવિત્ર પર્વમાં રાસ-ગરબાને બદલે ડીજે પાર્ટીમાં વાગતા ગીતો વગાડ્યા હતા.

ક્લબમાં હિન્દી ફિલ્મો અને હોલિવુડ ગીતો વાગ્યા

રાજકોટમાં નવરાત્રી દરમિયાન હિન્દી ફિલ્મો અને હોલીવૂડ અભિનેત્રી શકીરાના ગીત વગાડવા બદલ વિવાદ સર્જાયો છે. આ મુદ્દે સંત સમાજના જ્યોર્તિનાથ મહારાજે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જો ગરબાની મંજૂરી લીધી હોય, તો ત્યાં ગરબા જ થવા જોઈએ.ગરબામાં જો આ પ્રકારના ગીતો વગાડવામાં આવે, તો એ ટીકાને પાત્ર છે.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું સરકારે આ મામલે કાર્યવાહી કરી જોઈએ

પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીએ ક્લબમાં વગાડવામાં આવેલા ગીત પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું આ બાબતે પ્રશાસન અને સરકારે કાર્યવાહી કરવી જોઈએ. નવરાત્રી મહોત્સવમાં હિન્દુ સમાજની લાગણી દુભાય એવું ના થવું જોઈએ.

કાયદાકીય કાર્યવાહીની માગ

મહંત યોગી દેવરાજે આ વિશે વિરોધ કરતાં કહ્યું કે, આયોજક પોતાને હિન્દુ કહેતો હોય કે નહીં પણ તે વિધર્મી જ હોઈ શકે. નવરાત્રી માતાજીની આરાધના અને શ્રદ્ધાનો વિષય છે, ત્યાં આ પ્રકારના વિદેશી ગીતો વગાડનાર પર કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. આ આયોજકો બીજીવાર આવું ન કરી શકે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. આ હિન્દુ ધર્મને બદનામ કરવાનો પ્રયાસ છે.

વિદેશી ગીતો પર લોકોએ કર્યો વિરોધ

રાસોત્સવમાં આવા કથિત અશ્લીલ ગીતો પર ડાન્સના વીડિયોનો ઘણી જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકો નવરાત્રીના નામે આવા ગીતો પર ડાન્સ કરાવવાનો વિરોધ કરી રહ્યાં છે. જોકે, ક્લબના સંચાલકો દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આશ્ચર્યની વાત તો એ છે કે આયોજકોને ગરબાની પરવાનગી મળી હતી છતા ડીજે ડાન્સ ચાલતો હોવા છતા પોલીસ પણ મૂક પ્રેક્શક બનીને જોતી રહી.

આ સમાચાર શેર કરો