VIDEO: અમદાવાદમાં રાહુલ ગાંધીનો વિરોધ, કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ; પોસ્ટર પર કાળો કૂચડો ફેરવાયો
લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં ભાજપ પર પ્રહાર કર્યા હતા

લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં ભાજપ પર પ્રહાર કર્યા હતા જેની અસર અમદાવાદમાં પણ જોવા મળી છે. કેટલાક અસામાજિક તત્વોએ કોંગ્રેસ કાર્યાલયમાં પહોંચીને તોડફોડ કરી હતી અને પથ્થરમારો કરાયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર લાગેલા કોંગ્રેસના પોસ્ટર્સને પણ ફાડીને વિરોધ કરવામાં આવ્યો હતો.
અમદાવાદમાં રાહુલ ગાંધીનો વિરોધ
રાહુલ ગાંધીએ લોકસભામાં ભાજપ,RSS પર આપેલા એક નિવેદનનો વિરોધ અમદાવાદમાં પણ જોવા મળ્યો છે. કેટલાક અસામાજિક તત્વો અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પહોંચી ગયા હતા અને પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી તેમજ કોંગ્રેસ કાર્યાલયની બહાર લાગેલા પોસ્ટર્સ પણ ફાડી નાખ્યા હતા. કોંગ્રેસ કાર્યાલયમાં લાગેલા રાહુલ ગાંધીના પોસ્ટર પર કૂચડો પણ ફેરવવામાં આવ્યો હતો. બીજી તરફ, રાહુલ ગાંધીના ટોપી પહેરેલા હિન્દુ એટલે હિંસા જેવા બેનર લગાવેલા પોસ્ટર પણ કોંગ્રેસ કાર્યાલયમાં લગાવવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
લોકસભામાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, " ભાજપ,RSS માત્ર હિંસા હિંસા હિંસા અને નફરત નફરત નફરતની જ વાત કરે છે. બાદમાં મોદીએ રાહુલ ગાંધીને ટોકતા કહ્યું હતું કે આ હિન્દુ સમાજનું અપમાન છે, જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, હું ભાજપ, સંઘની વાત કરી રહ્યો છું અને મોદી, ભાજપ કે સંઘ જ માત્ર હિન્દુ સમાજનું પ્રતિનિધિત્વ નથી કરતા."








