Video: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ; ધારાસભ્યોએ EWS આવાસ ફાળવણી, માઈક્રોટનલિંગ અને હઠીસિંગના દેરાસરના ટેક્સ વિવાદ મુદ્દે કમિશનરને કરી રજૂઆત.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મ્યુનિસિપલ કમિશનર અને શહેરના ધારાસભ્યો વચ્ચે સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ ધારાસભ્યોએ પોતપોતાના વિધાનસભા વિસ્તારના પડતર પ્રશ્નો અને નાગરિકોની સમસ્યાઓ અંગે કમિશનર સમક્ષ વિસ્તૃત રજૂઆતો કરી હતી..સંકલન સમિતિની બેઠકમાં જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ EWS આવાસ યોજનાના મકાનોની ફાળવણીને લઈને ગંભીર રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જુહાપુરા જેવા લઘુમતી વિસ્તારમાં હિન્દુ પરિવારોને મકાનો ફાળવવામાં આવ્યા છે.આંકડાકીય વિગતો આપતા ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો કે કુલ ૭,૮૦૦ મકાનોની ફાળવણીમાં લઘુમતી સમાજને માત્ર ૮ જ મકાનો ફાળવવામાં આવ્યા છે. લઘુમતી સમાજની વસ્તી વચ્ચે હિન્દુ સમાજના લોકોને મકાન ફાળવાતા ખુદ હિન્દુ સમાજના લોકોએ પણ આ અંગે ધારાસભ્યને રજૂઆત કરી છે. ત્યારે જે-તે વિસ્તારની વસ્તી મુજબ તે જ સમાજના લોકોને મકાનો ફાળવવામાં આવે તેવી માંગ ઈમરાન ખેડાવાલાએ કમિશનર સમક્ષ કરી છે.બીજી તરફ, એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહે પણ પોતાના વિસ્તારના વિકાસકામો અને ટેક્સ સંબંધિત વિવાદો અંગે કમિશનરનું ધ્યાન દોર્યું હતું.અમિત શાહે વિસ્તારમાં ચાલી રહેલા માઈક્રોટનલિંગના કામ અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે કુલ ૫ કિલોમીટરના કામ પૈકી અત્યાર સુધી માત્ર ૨.૫ કિલોમીટરનું જ કામ પૂર્ણ થયું છે. આગામી ચોમાસા પહેલા બાકી રહેલું કામ તેમજ જોડાણની કામગીરી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી.આ ઉપરાંત મધ્ય ઝોનમાં આવેલા ઐતિહાસિક હઠીસિંગના દેરાસરના પ્રોપર્ટી ટેક્સનો વિવાદ પણ બેઠકમાં ઉઠાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે દેરાસર અને ઉપાશ્રયને ટેક્સમાં રાહત મળતી હોય છે, પરંતુ હઠીસિંગના દેરાસરની આકારણી 'મ્યુઝિયમ' તરીકે કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ ગંભીર ક્ષતિ અંગે રજૂઆત થતા મ્યુનિસિપલ કમિશનરે આકારણી તાત્કાલિક સુધારી આપવાનું આશ્વાસન આપ્યું છે.














