VIDEO: અમદાવાદ: ઈસનપુરમાંથી ઝડપાયું હાઈટેક જુગારધામ, ફિંગરપ્રિન્ટ વગર ક્લબમાં કોઈ ઘૂસી પણ ના શકે
અમદાવાદના ઈસનપુરમાં ચાલતા જુગારધામ ક્લબ પર PCBએ દરોડા પાડ્યા હતા. આ દરોડા પાડીને 31 આરોપી

અમદાવાદના ઈસનપુરમાં ચાલતા જુગારધામ ક્લબ પર PCBએ દરોડા પાડ્યા હતા. આ દરોડા પાડીને 31 આરોપીઓને મુદ્દામાલ સાથે દબોચ્યા હતા. PCBએ 16 લાખ રોકડા જપ્ત કર્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ઈસનપુરમાં વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અરવિંદ ઉર્ફે ઉસ્તાદ જીવણલાલ દલાલ તથા મુળરાજસિંહ ઉર્ફે મુળુભા રાણાનું જુગારધામ ચાલતું હતું.
પોલીસ વિભાગ અને એજન્સીઓને દમ મારવા માટે થઈને અરવિંદે હાઈકોર્ટમાંથી મંજુરી મળી હોવાનું કહીને બેરોકટોક ગેમલીંગની આડમાં જુગારધામ ચલાવતો હોવાનો પર્દાફાશ પીસીબીએ કરી નાખ્યો છે. હાલ અરવિંદ ઉર્ફે ઉસ્તાદ જીવણલાલ દલાલ અને મુળરાજસિંહ ઉર્ફે મુળુભા રાણા દરોડા પહેલાં જ ફરાર થઈ ગયા છે. ગેમિંગ સેન્ટરની આડમાં જુગારધામ ઝડપાયું હોવાથી સ્થાનિક પોલીસની કામગીરી ઉપર ઘણી શંકા સેવાઇ રહી છે.
જુગારધામમાં કેવી રીતે રૂપિયા કન્વર્ટ કરવામાં આવતા હતા
એકો એટલે ૧૦૦ રૂપિયા
નવો એટલે ૯૦૦ રૂપિયા
રાણી એટલે ૩૦૦૦ રૂપિયા
બાદશાહ એટલે ૪૦૦૦ રૂપિયા
ગલ્લા એટલે ૨૦૦૦ રૂપિયા
જોકરના ૫૦૦૦ રૂપિયા
આ જુગારધામ ઈસનપુર બસ સ્ટેન્ડની બિલકુલ સામે આવેલા કોમ્પલેક્ષના બીજા માળ પર આવેલું છે. આ ક્લબના દરવાજા ફિંગરપ્રિન્ટ વાળા છે. પ્રવેશ ફક્ત ચોક્કસ લોકોને જ આપવામાં આવતો હતો.
PCBએ રોકડની લેવડ દેવડ જાહેર રોડ પર કરતા બે યુવાનોની આકરી પૂછ-પરછ કરી હતી. પૂછપરછમાં બંને યુવાનો ભાંગી પડ્યા અને હકીકત જણાવી હતી કે આ નાણા અરવિંદ ઉસ્તાદની ક્લબનાં છે, ત્યારબાદ સમય વેડફ્યા વગર બંને યુવકોને PCBએ સાથે રાખીને અરવિંદ ઉસ્તાદના ક્લબ પર પહોંચી ગઈ હતી.
બન્ને યુવાનોના ફિંગરપ્રિન્ટ ક્લબમાં પ્રવેશવાના દરવાજા પરના લોક સિસ્ટમમાં મેચ થતા હતા જેથી કરીને દરવાજો તુરંત જ ખુલી ગયો અને PCBની ટીમ ક્લબની અંદર ત્રાટકીને અને સર્ચ હાથ ધર્યું હતું.
ક્લબની અંદર ખેલીઓને તમામ સુવિધા પૂરી પાડવામાં આવતી હતી જમવાથી લઈને તમાકુ અને સિગારેટ પણ આપવામાં આવતી હતી. સાથે સાથે આ ક્લબમાં ઘડિયાળમાં અને અન્ય બીજી જગ્યાઓએ પણ ગુપ્ત કેમેરા (હીડન કેમેરા) લગાવવામાં આવ્યા હતા. PCBના દરોડા બાદ સ્થાનિક પોલીસની કામગીરી પર ઘણી શંકા સેવાઇ રહી છે. સ્થાનિક પીઆઈની બેજવાબદારીનું પરિણામ ચૂંટણી પત્યા બાદ આપવામાં આવશે તેવી અટકળો પોલીસ બેડામાં શરૂ થઈ ગઈ છે.








