જીવનની સદી સુધી સત્તામાં રહેવાનો ક્રેઝ! વિશ્વના સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિની ફરી ચૂંટણી લડવાની જાહેરાતથી વિપક્ષ બેચેન
વિશ્વના સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ કેમરૂનના રાષ્ટ્રપતિ પોલ બિયા 92 વર્ષના છે. રસપ્રદ વાત એ છે કે પોલ બિયાએ હજુ

વિશ્વના સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ કેમરૂનના રાષ્ટ્રપતિ પોલ બિયા 92 વર્ષના છે. રસપ્રદ વાત એ છે કે પોલ બિયાએ હજુ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો નથી. તેમણે ઓક્ટોબર 2025માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફરીથી ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી છે. અર્થાત 43 વર્ષની સત્તા સાત વર્ષ સુધી લંબાવી શકાય છે. આમ થાય તો તેઓ 100 વર્ષ સુધીની ઉંમર સુધી સત્તામાં રહી શકે. તેઓ 1882થી સત્તામાં છે. તેઓએ રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની ઉમેદવારીની જાહેરાત કરતા કહ્યું કે, હું 12 ઓક્ટોબર, 2025 ના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર છું. તમારી સેવા કરવાનો મારો સંકલ્પ અડગ છે.
બિયાએ તેમના નિવેદનમાં દાવો કર્યો હતો કે, તેની ઉમેદવારી લડવાનો નિર્ણય કેમરૂનના તમામ પ્રદેશો અને ડાયસ્પોરા સમુદાયો તરફથી આગ્રહી" વિનંતીઓ પછી લેવામાં આવ્યો હતો. જોકે, તેના લાંબા સમય સુધી સત્તામાં રહેવાને કારણે દેશની અંદર અને બહાર નવા નેતૃત્વની માંગણીઓ થઈ છે. ઘણા વિપક્ષી નેતાઓ અને નાગરિક સમાજ જૂથોએ બિયાના શાસનને આર્થિક અને લોકશાહી વિકાસમાં અવરોધ ગણાવ્યું છે.
બિયાની ઉમેદવાની જાહેરાત બાદ અનેક વિપક્ષી નેતાઓએ ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરી છે. 2018ના હરિફ મોરિસ કામ્ટો, જોશુઆ ઓસિહ, અકેરે મુના અને કૈબ્રેલ લિબી( કેમરુન પાર્ટી ફોર નેશનલ રિકોન્સિલિએશન) શામેલ છે. આ બધા બિયાના લાંબા શાસનકાળની આલોચના કરતા સુધારાઓ અને નિષ્પક્ષ ચૂંટણીની માગ કરી રહ્યા છે. વિપક્ષનું કહેવું છે કે બિયાના શાસનમાં ભ્રષ્ટાચાર, કુપ્રબંધન અને સુરક્ષા બાબતે વિફળતાએ દેશને સંકટમાં મુકી દીધો છે.
બિયાનું શાસન: સિદ્ધિઓ અને વિવાદો
પોલ બિયા 1982 માં તેમના પુરોગામી અહમદોઉ અહિદજોના રાજીનામા પછી સત્તા પર આવ્યા. તેમના શાસનકાળમાં કેમરૂન આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું હતું અને એકપક્ષીય શાસનથી બહુપક્ષીય પ્રણાલી તરફ આગળ વધ્યું . જો કે, તેમની સરકાર પર ભ્રષ્ટાચાર, ભંડોળના ઉચાપત અને ગેરવહીવટનો આરોપ મૂકવામાં આવ્યો છે. 2008 માં બિયાએ બંધારણમાં સુધારો કરીને કાર્યકાળ મર્યાદા નાબૂદ કરીને તેઓ અનિશ્ચિત સમય માટે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી શક્યા. 2018 ની ચૂંટણીમાં 71 ટકાથી વધુ મત મેળવ્યા પરંતુ વિપક્ષે વ્યાપક ગેરરીતિઓનો આરોપ લગાવ્યો હતો.
બિયાના સ્વાસ્થ્ય પર પણ વારંવાર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. ગયા વર્ષે છ અઠવાડિયાથી વધુ સમય સુધી તેમની જાહેર ગેરહાજરીને કારણે તેમના સ્વાસ્થ્ય અને શાસન કરવાની ક્ષમતા અંગે અટકળો શરૂ થઈ હતી, જેમાં તેમના મૃત્યુની અફવાઓનો પણ સમાવેશ થાય છે.






