પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે કેમ તણાવ વધ્યો? સાઉદી અરબની શાંતિની અપીલ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનન

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર હવાઈ હુમલો કરવામાં આવ્યા બાદ ડ્યુરન્ડ લાઈન (Durand Line) પર ભારે ગોળીબાર શરૂ થઈ ગયો છે. અફઘાન સેનાએ પાકિસ્તાન સરહદ પર મોરચો ખોલી દીધો છે.ખાસ કરીને કુનાર અને હેલમંડ પ્રાંતોમાં બંને સેનાઓ વચ્ચે જોરદાર લડાઈ ચાલુ છે.
અફઘાન સરકારના પ્રવક્તા મૌલવી મોહમ્મદ કાસિમ રિયાઝે દાવો કર્યો કે, 'ડ્યુરન્ડ લાઈન પર અફઘાન સેનાનું ઓપરેશન ચાલુ છે. અફઘાન દળોએ સરહદ પાર કરી અને અનેક પાકિસ્તાની ચોકીઓ કબજે કરી. મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે.'
અફઘાનિસ્તાની સેનાએ મોડી રાતે હુમલો કર્યો
શનિવારે (11મી ઓક્ટોબર) રાતે પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર લડાઈ શરૂ થઈ. અંગૂર અડ્ડા, બાજૌર, કુર્રમ, દીર, ચિત્રાલ અને બલૂચિસ્તાન સહિત અનેક ચોકીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો. આ દરમિયાન, અફઘાન દળોએ ડ્યુરન્ડ લાઈન (પાક-અફઘાન સરહદ) પાર કરી અને અનેક પાકિસ્તાની ચોકીઓ કબજે કરી.
પાકિસ્તાનને વળતો હુમલો
અહેવાલો અનુસાર, પાકિસ્તાને પણ વળતો પ્રહાર કર્યો, જેમાં અનેક અફઘાન ચોકીઓનો નાશ કરવામાં આવ્યો અને ઘણાં સૈનિકો માર્યા ગયા.
પાકિસ્તાને શું તર્ક આપ્યો?
પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ જણાવ્યું હતું કે, 'પાકિસ્તાની સેના આ હુમલાનો જવાબ આપી રહ્યું છે. અફઘાનિસ્તાન રહેણાંક વિસ્તારોમાં ગોળીબાર કરી રહ્યું છે, જે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. આવી કાર્યવાહી સહન કરવામાં આવશે નહીં.'
અફઘાનિસ્તાને ચેતવણી આપી
અફઘાન સરકારના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઈનાયત ખોવરઝમના જણાવ્યા અનુસાર, 'પાકિસ્તાન સામે કાર્યવાહી ગઈકાલે રાતે સમાપ્ત થઈ ગઈ. જો પાકિસ્તાન ફરીથી સરહદનું ઉલ્લંઘન કરશે તો સખત જવાબ આપશે.'
પાકિસ્તાને કાબુલ પર હવાઈ હુમલો કેમ કર્યો?
પાકિસ્તાને હુમલાનું કારણ આપતા કહ્યું કે, 'અફઘાનિસ્તાને કાબુલમાં પાકિસ્તાન વિરોધી બળવાખોર જૂથ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ને આશ્રય આપ્યો છે. પાકિસ્તાને આ પગલું તેના લોકોના જાન અને માલની સુરક્ષા માટે લીધું છે અને જો જરૂર પડશે તો ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખશે.' નોંધનીય છે કે, સમગ્ર ક્ષેત્રમાં તણાવની સ્થિતિ યથાવત છે અને બંને દેશોના ટોચના નેતાઓ તરફથી આક્રમક નિવેદનો આવી રહ્યા છે.
સાઉદી અરબની શાંતિની અપીલ
સાઉદી અરબે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને શાંતિની અપીલ કરી છે. સાઉદી અરબના વિદેશ મંત્રાલયે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ પર હિંસક અથડામણને લઇને એક નિવેદન જાહેર કરતા કહ્યું કે, બન્ને પક્ષોએ તણાવ ઓછો કરવા માટે સંયમ રાખવો જોઇએ. સાઉદી અરબે ઇસ્લામિક ગણરાજ્ય પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદી વિસ્તારમાં તણાવ અને અથડામણ પર ચિંતા વ્યક્ત કરી છે.








