મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા: ઇઝરાયલ-ઈરાન તણાવ વચ્ચે ભારતની એડવાઈઝરી, કોઈપણ ઈમરજન્સીમાં આ નંબર પર કરો સંપર્ક
Israel US attack on Iran : અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ટેન્શનની સ્થિતિ દેખ

Israel US attack on Iran : અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ટેન્શનની સ્થિતિ દેખાતી હતી. યુદ્ધના ભણકારાં વાગી રહ્યા હતા ત્યારે ઇઝરાયલના સંરક્ષણ મંત્રીએ આપેલી માહિતી અનુસાર ઈરાનની રાજધાની તહેરાન સહિત અનેક વિસ્તારોમાં ઇઝરાયલી સેના દ્વારા મોટો હુમલો કરી દેવામાં આવ્યો છે. આ હુમલાને પગલે ભારત સહિતના સહિત વિશ્વના અનેક દેશોએ પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે.
ઇઝરાયલમાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી
ઇઝરાયલમાં વર્તમાન સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ત્યાં રહેતા તમામ ભારતીય નાગરિકો માટે મહત્ત્વની એડવાઈઝરી જાહેર કરી છે. નાગરિકોને સાવધાની રાખવા, હંમેશા સતર્ક રહેવા અને સ્થાનિક સત્તાવાળાઓ તેમજ 'હોમ ફ્રન્ટ કમાન્ડ' દ્વારા આપવામાં આવતી સુરક્ષા માર્ગદર્શિકાનું કડક પાલન કરવા જણાવાયું છે.
આ ઉપરાંત ભારતીય નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નિયુક્ત આશ્રયસ્થાનોની નજીક રહેવા અને સ્થાનિક સમાચાર તથા કટોકટીની ચેતવણીઓ પર સતત નજર રાખવાનું જણાવાયું છે. કોઈપણ કટોકટીના સમયે મદદ માટે તેલ અવીવ સ્થિત ભારતીય દૂતાવાસનો 24x7 હેલ્પલાઇન નંબર +972-54-7520711 અથવા ઈ-મેલ [email protected] દ્વારા સંપર્ક કરી શકાય છે.
ભારત બાદ યુરોપિયન દેશોએ પણ જાહેર કરી એડવાઈઝરી
ભારત સરકારે અગાઉ જ સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતી વર્તવા જણાવ્યું હતું. હવે બ્રિટન, ફ્રાન્સ, ઈટાલી અને જર્મની જેવા યુરોપિયન દેશોએ પણ પોતાના નાગરિકોને આ પ્રભાવિત વિસ્તારોની મુસાફરી ટાળવા અથવા ત્યાંથી તાત્કાલિક નીકળી જવા તાકીદ કરી છે. સરકારએ ચેતવણી આપી છે કે સ્થિતિ બગડતા ફ્લાઈટ કેન્સલ થઈ શકે છે અથવા એરસ્પેસ લાંબા સમય સુધી બંધ રહી શકે છે.
યુરોપિયન દેશોએ જાહેર કરી કડક સૂચનાઓ
બ્રિટિશ સરકારે ઈરાનમાંથી પોતાના સ્ટાફને કામચલાઉ ધોરણે પાછો બોલાવી લીધો છે અને દૂતાવાસ રિમોટલી કામ કરશે તેવી જાહેરાત કરી છે. ફ્રાન્સે પણ ઇઝરાયલ, જેરૂસલેમ અને વેસ્ટ બેંકની મુસાફરી ન કરવા સલાહ આપી છે. ઈટાલીએ પ્રવાસી તરીકે ઈરાન ગયેલા પોતાના નાગરિકોને પરત ફરવા વિનંતી કરી છે અને ઈરાક તથા લેબનોન જવાની પણ સખત મનાઈ કરી છે. પોલેન્ડ અને ડચ વિદેશ મંત્રાલયે પણ પશ્ચિમ એશિયામાં સુરક્ષાની અસ્થિર સ્થિતિને જોતા ઇઝરાયલ, ગાઝા અને લેબનોન છોડવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત સ્વીડન, ફિનલેન્ડ, સર્બિયા અને સાયપ્રસે પણ ઈરાન અને ઇઝરાયલ માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે.
અમેરિકાની સૈન્ય તૈનાતી અને યુદ્ધનો ખતરો
વિસ્તારમાં તણાવ વધતા અમેરિકાએ પણ પોતાની સૈન્ય હાજરી મજબૂત કરી છે. અમેરિકાએ બે એરક્રાફ્ટ કેરિયર અને F-35 સ્ટીલ્થ ફાઈટર સહિત 150થી વધુ લડાકુ વિમાનો તૈનાત કર્યા છે. સુરક્ષાના કારણોસર અમેરિકાએ બેરૂત સ્થિત પોતાના દૂતાવાસમાંથી પોતાના કર્મચારીઓને પાછા બોલાવી લીધા છે. હાલમાં ડ્રોન અને મિસાઇલ હુમલાનો ખતરો સતત મંડરાઈ રહ્યો છે અને સ્થિતિ ગમે ત્યારે વધુ ખરાબ થઈ શકે છે તેવી આશંકા પણ છે.








