VIDEO/ અમેરિકાના લુઈસિયાનામાં પત્ની સાથેના ઝઘડામાં પિતાએ 8 બાળકોને ગોળી મારી પતાવી દીધા
Louisiana Mass Shooting : અમેરિકાના ઉત્તર-પશ્ચિમ લુઈસિયાના રાજ્યમા


Louisiana Mass Shooting : અમેરિકાના ઉત્તર-પશ્ચિમ લુઈસિયાના રાજ્યમાં ખૂબ ભયાનક અને ચોંકાવનારી ઘટના બની છે. રિપોર્ટ મુજબ રાજ્યમાં આડેધડ ગોળીબાર કરવામાં આવતા એકથી 14 વર્ષની ઉંમરના 8 બાળકોના મોત થયા છે. આ ઘટનાએ આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો છે.
રહેણાંક વિસ્તારમાં અચાનક ગોળીબાર
મીડિયા રિપોર્ટ મુજબ, લુઈસિયાના રહેણાંક વિસ્તારમાં અચાનક આડેધડ ગોળીબાર થયો હતો. ફાયરિંગનો અવાજ સંભળાતા વિસ્તારમાં ભારે અફરા-તફરી મચી હતી અને લોકો જીવ બચાવવા આમ-તેમ ભાગ્યા હતા. આ હુમલામાં જે માસૂમોના મોત થયા છે, તેમની ઉંમર ઘણી જ ઓછી હતી. મૃતકોમાં સૌથી નાનો માસૂમ બાળક માત્ર એક વર્ષનો હતો.
લુઈસિયાના રાજ્યના શ્રેવપોર્ટમાં થયેલા ભયાનક નરસંહારમાં હૃદય કંપાવી દે તેવી વિગતો સામે આવી છે. આ અંધાધૂંધ ગોળીબાર કરનાર હુમલાખોર બીજું કોઈ નહીં પણ બાળકોનો પિતા શમર એલ્કિન્સ (Shamar Elkins) હતો. માનસિક રીતે અસ્થિર મનાતા આ પિતાએ કૌટુંબિક ઝઘડામાં પોતાના જ 7 સંતાનો અને એક ભત્રીજા/ભત્રીજી સહિત કુલ 8 નિર્દોષ બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા છે.
ઊંઘમાં જ માસૂમો પર વરસાવી ગોળીઓ
પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે આશરે 6 વાગ્યે જ્યારે બાળકો ઊંઘી રહ્યા હતા, ત્યારે શમર એલ્કિન્સે આ ક્રૂરતા આચરી હતી. મોટાભાગના બાળકોને માથાના ભાગે ગોળી મારવામાં આવી હતી.
-
7 બાળકો ઘરની અંદર મૃત હાલતમાં મળી આવ્યા હતા.
-
1 બાળક જીવ બચાવવા છત પર દોડ્યું હતું, પરંતુ ત્યાં જ તેની હત્યા કરી દેવાઈ.
-
1 બાળકે છત પરથી કૂદીને જીવ બચાવ્યો છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પત્ની સાથેના ઝઘડાએ લીધો માસૂમોનો ભોગ
તપાસમાં સામે આવ્યું છે કે 31 વર્ષીય શમર એલ્કિન્સ અને તેની પત્ની વચ્ચે અલગ થવા (છૂટાછેડા) બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. સોમવારે જ તેઓ કોર્ટમાં હાજર થવાના હતા. આ બાબતના ઝઘડામાં ઉશ્કેરાઈને શમરે પહેલા એક મહિલા પર ગોળીબાર કર્યો અને ત્યારબાદ બીજા લોકેશન પર જઈને બાળકોની હત્યા કરી. આ હુમલામાં તેની પત્ની સહિત બે મહિલાઓ પણ ગંભીર રીતે ઘાયલ થઈ છે.
પોલીસે પીછે કરી હુમલાખોરને ઠાર કર્યો
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબારમાં આઠ બાળકોના મોત થયા છે. જ્યારે પોલીસ અને સુરક્ષા એજન્સીઓની ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડીને શંકાસ્પદ હુમલાખોરને ઠાર કર્યો છે. હુમલાખોરે આડેધડ ફાયરિંગ કરતા 10 લોકોને ગોળી વાગી હતી, જેમાંથી આઠ બાળકોના મોત થયા છે.
આખા વિસ્તારને ઘેરી લેવાયો
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સુરક્ષા એજન્સીઓની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સુરક્ષાને ધ્યાને રાખીને આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. કયાં કારણોસર ફાયરિંગ કરવામાં આવ્યું, તેની વિગતો હજુ સામે આવી નથી. આ ઉપરાંત ફાયરિંગ કરવા પાછળના કારણોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ફાયરિંગ કર્યા બાદ કારમાં ભાગવાનો પ્રયાસ
શ્રેવપોર્ટ પોલીસ વિભાગના ક્રિસ્ટોફર બોર્ડેલો કહ્યું કે, હુમલાખોરો ફાયરિંગ કર્યા બાદ ત્યાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેણે કથિતરીતે વાહન ચોરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે બોસિયર પેરિશના એક વિસ્તારમાં તેનો પીછો કરીને તેને ઠાર કરી દીધો છે. આ ઘટના બાદ અમેરિકામાં ગન કલ્ચરથી ફરી ચિંતા વધી ગઈ છે.
પોલીસ પણ સ્તબ્ધ
શ્રેવપોર્ટ પોલીસ ચીફ વેન સ્મિથે આ ઘટનાને અત્યંત દર્દનાક ગણાવતા કહ્યું કે, "મારા માટે આ આઘાતજનક છે, હું વિચારી પણ નથી શકતો કે કોઈ પિતા પોતાના બાળકો સાથે આવું કેવી રીતે કરી શકે." ઉલ્લેખનીય છે કે હુમલાખોર અગાઉ 2019માં હથિયારોના કેસમાં પકડાયો હતો, પરંતુ ઘરેલુ હિંસાનો કોઈ અગાઉનો રેકોર્ડ નહોતો.







