મુખ્ય સામગ્રી પર જાઓ

મિડ-ટર્મ ચૂંટણી પહેલાં ટ્રમ્પનો ઇરાન પર હુમલો: કેશમ દ્વીપ પાસે બે નૌકાઓ નિશાન બની

મિડ-ટર્મ ચૂંટણી પહેલાં ટ્રમ્પનો ઇરાન પર હુમલો: કેશમ દ્વીપ પાસે બે નૌકાઓ નિશાન બની
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

 ટ્રમ્પે અંતે ત્રીજી નવેમ્બરની મિડ ટર્મ ચૂંટણી પહેલા ઇરાન પર નાનો હુમલો કરી દીધો. ઇરાને દાવો કર્યો છે કે અમેરિકાએ કેશમ દ્વીપ પાસે હુમલો કર્યો છે. આ હુમલાનો ભોગ જો કે બે નૌકાઓ બની હતી. જેના પગલે ઇરાનના વડા મોજતબા ખામેનેઈએ જણાવ્યું હતું હતું કે અમેરિકાએ યુદ્ધ શરુ કર્યુ છે, પરંતુ હવે યુદ્ધ અમે પૂરુ કરીશું. તેની સામે ટ્રમ્પે પણ જણાવ્યું હતું કે અમને ઇરાન યુદ્ધ પૂરુ કરવાની કોઈ ઉતાવળ નથી.

મોજતબા ખામેનેઈએ આદેશ આપ્યો છે કે દુશ્મનના કોઈપણ હુમલાનો આકરામાં આકરો જવાબ આપવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે હવે અમારા હુમલાની કોઈપણ ભૌગોલિક સીમા નહીં હોય. તેની સાથે ઇરાને આ જંગ હિંદ મહાસાગર સુધી ફેલાવવાની ધમકી આપી હતી. હવે દુશ્મન ફરીથી હુમલો કરે છે તો ઇરાન નવા સંઘર્ષને ખતમ કરવાનો સમય અને શરતો પોતે જ નક્કી કરશે.

જાહેરાત

ખામેનેઈએ બધા જ અમેરિકન લશ્કરી થાણા અને ઇઝરાયેલી લશ્કરી થાણા તથા સંસાધનોની યાદી બનાવીને તેના માટે ઇરાનના મિસાઇલો તૈયાર રાખવા આદેશ આપ્યો છે. તેની સાથે દારુગોળાનું ઉત્પાદન વધારવા, લશ્કરી ક્ષમતાઓ મજબૂત કરવા અને સ્થાનિક સુરક્ષા વધુ મજબૂત બનાવવા જણાવ્યું છે.

આ હુમલો અમેરિકામાં ત્રીજી નવેમ્બરે યોજાનારી ચૂંટણી પૂર્વે થયો છે. અમેરિકામાં ચૂંટણી પછી ઇરાન પર મોટા હુમલાની તૈયારી થઈ રહી હોવાના અહેવાલ છે. અમેરિકાના ટોચના લશ્કરી અધિકારીઓએ ટ્રમ્પ સમક્ષ ઇરાન સામે લશ્કરી કાર્યવાહીના સંભવિત વિકલ્પો મૂક્યા છે.

અગ્રણી વેબસાઇટે અમેરિકાના વરિષ્ઠ અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે જો મિડ ટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની આગેવાની હેઠળના રિપબ્લિકને આકરા પરાજયનો સામનો કરવો પડે તો ટ્રમ્પ ઇરાન સામે વધુ આક્રમક કાર્યવાહી કરી શકે છે. ટ્રમ્પે તાજેતરમાં જ યોજેલી રેલીઓમાં સંકેત આપ્યા છે કે ઇરાન સાથેનો સંઘર્ષ ટૂંક સમયમાં નિર્ણાયક મોડ પર પહોંચી શકે છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે ઇરાન સામે એક નાનું ઓપરેશન કરી શકીએ છીએ. ઇરાન પોતે માની જાય અને જો તે સમજદાર હશે તો ડીલ કરી શકે છે. પરંતુ મને શંકા છે કે તેઓ આમ કરશે, કારણ કે તેઓ સમજદાર નથી.

ટ્રમ્પે પણ ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તેમને ઇરાન સાથેનું યુદ્ધ પૂરુ કરવાની કોઈ ઉતાવળ નથી. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાનની સ્થિતિ ખરાબ છે. તે પોતાની પોલીસ અને સૈનિકોને વેતન આપી શકતા નથી. તેઓ ભારે મુસીબતમાં છે. અમારી પાસે તો સમય જ સમય છે. ટ્રમ્પે સ્વીકાર્યુ કે બંને પક્ષો વચ્ચે વાતચીતના પ્રયત્નો પણ જારી છે.

એકબાજુએ આ પ્રકારની તીખી નિવેદનબાજી જારી છે તો બીજી બાજુએ પડદા પાછળ કૂટનીતિક સંવાદ પણ તેજ થઈ ગયો છે. અલ અરબિયા ઇંગ્લિશના રિપોર્ટ મુજબ અમેરિકા-ઇરાન વચ્ચે સંભવિત સમજૂતીનો ડ્રાફ્ટ સામે આવ્યો છે. તેના હેઠળ ઇરાન પોતાના અત્યંત સંવર્ધિત યુરેનિયમના સ્ટોકને કોઈ ત્રીજા દેશને સોંપી શકે છે અથવા તો તેના સંવર્ધનના સ્તરને ઘટાડી શકે છે. આ સફળતા પછી બંને વચ્ચે આગામી બેઠક દોહામાં થઈ શકે છે.

યમનમાં સાઉદી સમર્થિત સરકારે જણાવ્યું હતું કે હુથી લડાકુઓએ રાજધાની એડન સ્થિત પ્રમુખના મહેલ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બેલિસ્ટિક મિસાઇલો વડે હુમલો કર્યો હતો. સરકારે આ હુમલા અંગે જાનમાલના નુકસાનની કોઈ જાણકારી આપી નથી, પરંતુ એમ્બ્યુલન્સોને મહેલ તરફ જતી જોઈ શકાઈ છે. આ દરમિયાન સાઉદી અરેબિયાએ દાવો કર્યો છે કે તેમની એર ડિફેન્સ સિસ્ટમે હુથી લડાકુઓએ મક્કા પર છોડેલા નાના ડ્રોનને તોડી પાડયું છે. જો કે હુથીઓએ મક્કા પર હુમલાનો ઇન્કાર કર્યો છે.

સાઉદી અરેબિયાના વિદેશપ્રધાને જણાવ્યું હતું કે આ વિસ્તાર શાંતિના પથ પર પરત ફરે તે ઇચ્છનીય છે. તેમણે જણાવ્યું હતું કે દેશો એકબીજા સામેની લશ્કરી કાર્યવાહીનો અંત લાવીને સ્થિતિ બગડતી અટકાવે તથા ઇરાન સાથે કરાર કરી યુદ્ધનો અંત કરે.

આ સમાચાર શેર કરો

જાહેરાત