શા માટે રસ્તા પર ઉતર્યા ફ્રાન્સના લોકો? ડગમગતું અર્થતંત્ર કે નીતિઓની નિષ્ફળતા?

ફ્રાન્સમાં છેલ્લા કેટલાક વર્ષોની સૌથી ગંભીર અશાંતિ જોવા મળી રહી છે. એક મહિનાથી ચાલી રહેલું વિદ્યાર્થીઓનું આંદોલન હવે મોંઘવારી (Inflation) અને જાહેર સેવાઓની કથળતી સ્થિતિ સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોમાં ફેરવાઈ રહ્યું છે.
દેશભરમાં પાંચ લાખથી વધુ લોકો વિરોધ માર્ચમાં જોડાયા છે. આ દરમિયાન કેટલાક હિંસક જૂથો પોલીસ સાથે અથડાયા, દુકાનોમાં લૂંટફાટ કરી અને જાહેર ઇમારતોને આગ ચાંપી હતી. દેશભરમાં આશરે 1,800 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ અશાંતિને કારણે 2027ની રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંની સરકાર પર દબાણ વધ્યું છે. આ સંકટ પાછળ બે મુખ્ય કારણો છે—રાજકીય વિભાજન અને આર્થિક દબાણ.
ફ્રાન્સની રાજકીય સમસ્યા
ફ્રાન્સમાં જમણેરી અને ડાબેરી રાજકીય પક્ષો વચ્ચે ઊંડા મતભેદ છે. જમણેરી પક્ષો ઇમિગ્રેશન પર કડક નિયંત્રણ, રાષ્ટ્રીય ઓળખ અને કલ્યાણકારી યોજનાઓ પર નિયંત્રણ મૂકવાની વાત કરે છે. બીજી તરફ, ડાબેરી પક્ષો જાહેર સેવાઓને મજબૂત બનાવવા, સંપત્તિનું પુનર્વિતરણ અને કામદારોના અધિકારોનું રક્ષણ કરવાની માગ કરે છે.
ઇમિગ્રેશન, ધર્મનિરપેક્ષતા અને લઘુમતીઓના અધિકારો જેવા મુદ્દાઓએ આ વિભાજન વધુ ઘેરું બનાવ્યું છે. મેક્રોંના મધ્યમ માર્ગના રાજકીય જૂથે સંસદમાં બહુમતી ગુમાવી છે. તેના કારણે સરકારને બજેટ અને સુધારાઓ પસાર કરવામાં મુશ્કેલી પડી રહી છે. દેશની સમસ્યાઓનો ખર્ચ કોણ ઉઠાવશે અને કયા ખર્ચમાં ઘટાડો કરવો જોઈએ તે અંગે રાજકીય સહમતી બની શકતી નથી.
આવક કરતાં વધુ ખર્ચ ફ્રાન્સની મુખ્ય આર્થિક સમસ્યા
ફ્રાન્સમાં પેન્શન, આરોગ્યસેવા, શિક્ષણ અને સામાજિક સુરક્ષા માટે સરકાર વ્યાપક ખર્ચ કરે છે. આ સેવાઓનો ખર્ચ મુખ્યત્વે કરવેરા અને સામાજિક યોગદાન (Social Contributions) દ્વારા પૂરો કરવામાં આવે છે. સમસ્યા માત્ર વધુ ખર્ચની નથી, પરંતુ સરકારની આવક કરતાં ખર્ચ સતત વધારે રહેવાની છે.
આર્થિક સહકાર અને વિકાસ સંગઠન (OECD) અનુસાર, 2025માં ફ્રાન્સની બજેટ ખાધ (Budget Deficit) કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)ના 5.1 ટકા હતી, જ્યારે જાહેર દેવું (Public Debt) GDPના 115.5 ટકા સુધી પહોંચ્યું હતું.
જ્યારે સરકારની આવક કરતાં ખર્ચ વધારે થાય છે, ત્યારે તફાવત પૂરો કરવા માટે તેણે ઉધાર લેવું પડે છે. સતત ઉધાર લેતાં દેવું વધે છે અને તેના પર વ્યાજ ચૂકવવાનો બોજ પણ વધે છે.
ફ્રાન્સનો આર્થિક વિકાસ ચાલુ છે, પરંતુ તેની ગતિ ધીમી છે. OECD અનુસાર, 2023થી સરેરાશ વિકાસદર આશરે 1.4 ટકા રહ્યો છે. ધીમા વિકાસને કારણે કરવેરાની આવક ઝડપથી વધતી નથી અને દેવાનો બોજ ઘટાડવો મુશ્કેલ બને છે.
પેન્શન ખર્ચ કેમ બની રહ્યો છે મોટો પડકાર?
ફ્રાન્સમાં વૃદ્ધોની વસ્તી વધી રહી છે અને લોકો લાંબું જીવન જીવી રહ્યા છે. પરિણામે સરકારને લાંબા સમય સુધી પેન્શન ચૂકવવું પડે છે. બીજી તરફ, કામકાજ કરતી વસ્તી પાસેથી મળતા કરવેરા અને સામાજિક યોગદાનમાં એટલો વધારો થતો નથી.
મેક્રોં સરકારે નિવૃત્તિની ઉંમર (Retirement Age) ધીમે ધીમે 62થી વધારીને 64 વર્ષ કરવાની યોજના રજૂ કરી હતી. જોકે, ડાબેરી અને જમણેરી બંને પક્ષોના વિરોધને કારણે આ સુધારો રાજકીય વિવાદમાં ફસાયો.
નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી પૉલ ક્રુગમેનના મતે, નિવૃત્તિની ઉંમર અને પેન્શન ખર્ચ અંગે વાસ્તવિક નિર્ણયો લેવામાં ફ્રાન્સની મુશ્કેલી તેની નાણાકીય સમસ્યાઓનું મહત્ત્વનું કારણ છે. તેમના મતે, પેન્શન પાછળ વધતા ખર્ચને કારણે શિક્ષણ જેવી અન્ય સેવાઓના ખર્ચમાં ઘટાડો કરવાની સ્થિતિ ઊભી થઈ શકે છે.
શાળાઓમાં ભીડ, શિક્ષકોની અછત અને જર્જરિત ઇમારતો સામે વિદ્યાર્થીઓના વિરોધને પણ આ નાણાકીય દબાણ સાથે જોડવામાં આવી રહ્યો છે. જોકે, પેન્શન ઘટાડવું કે નિવૃત્તિની ઉંમર વધારવી લોકોની આજીવિકાને અસર કરે છે, તેથી આવા સુધારા રાજકીય રીતે મુશ્કેલ બને છે.
ફ્રાન્સ વધુ ઉધાર કેમ લઈ શકતું નથી?
સરકારને નાણાં ઉધાર આપતા રોકાણકારો નક્કી કરેલા વ્યાજ સાથે નાણાં પરત મળવાની અપેક્ષા રાખે છે. જો તેમને લાગે કે સરકારનું દેવું ઝડપથી વધી રહ્યું છે, તો તેઓ વધુ વ્યાજદરની માગ કરી શકે છે. તેનાથી નવું દેવું મોંઘું બને છે અને જાહેર સેવાઓ માટે ઓછાં નાણાં ઉપલબ્ધ રહે છે.
ફ્રાન્સમાં નાણાકીય સ્થિતિ અને રાજકીય અનિશ્ચિતતાને કારણે ઉધાર લેવાનો ખર્ચ વધ્યો છે. જોકે, તેનો અર્થ એ નથી કે દેશ તાત્કાલિક દેવું ચૂકવવામાં નિષ્ફળ જશે. યુરો ચલણનો ઉપયોગ કરતો હોવાથી ફ્રાન્સ પોતાની રીતે યુરો છાપીને આર્થિક જવાબદારીઓ પૂરી કરી શકતું નથી.
ઉકેલ આર્થિક જેટલો જ રાજકીય પણ
ફ્રાન્સના અર્થતંત્રમાં મજબૂત પાસાં પણ છે. પરંતુ કરવેરા વધારવા, સરકારી ખર્ચ ઘટાડવા, પેન્શન સુધારવા અને આર્થિક વિકાસને વેગ આપવા જેવા પગલાં સામે વિરોધ ઊભો થાય છે.
એક તરફ નાગરિકો મોંઘવારીથી રાહત અને સારી જાહેર સેવાઓની માગ કરી રહ્યા છે, તો બીજી તરફ રોકાણકારો દેવા પર નિયંત્રણ માટે વિશ્વસનીય યોજના ઇચ્છે છે. વિભાજિત સંસદ અને નજીક આવતી રાષ્ટ્રપતિ ચૂંટણી વચ્ચે આર્થિક સુધારા અંગે સહમતી બનાવવી મેક્રોં સરકાર માટે મોટો પડકાર બની રહ્યો છે.











