ઈજિપ્તમાં 2 દાયકાની મહેનતે તૈયાર થયેલ વિશ્વનું સૌથી વિશાળ મ્યુઝિયમ "GEM" ખુલ્લુ મુકાયું

ઈજિપ્તમાં એક જ સભ્યતાને સમર્પિત વિશ્વના સૌથી વિશાળ મ્યુઝીયમ, ગ્રેન્ડ ઈજિપ્શિયન મ્યુઝીયમ (જીઈએમ)ના ઉદ્ઘાટન સાથે એક ઐતિહાસીક ક્ષણ આવી. ગિઝા પિરામીડો નજીક આવેલી આ એક અબજ ડોલરની સુવિધામાં પ્રાચીન ઈજિપ્તની ભવ્યતા દર્શાવતી પચાસ હજારથી વધુ કલાકૃતિઓ રાખવામાં આવી છે.
વિશ્વના અગ્રણી નેતાઓ અને દિગ્ગજોની હાજરીમાં યોજાયેલો આ કાર્યક્રમ એક સાંસ્કૃતિક સીમાચિહ્ન હોવા ઉપરાંત ઈજિપ્તના પ્રવાસન આધારીત અર્થતંત્રને વેગ આપવાનું વ્યૂહાત્મક પગલુ હતું. પ્રમુખ અબદેલ-ફતેહ-સિસીએ તેને વૈશ્વિક કદર સાથે રાષ્ટ્રીય ગૌરવને જોડતા પ્રાચીન અને આધુનિક ઈજિપ્શિયનોની કુશળતાના પ્રતીક તરીકે ગણાવ્યું.
2 દાયકાની મહેનત બાદ બન્યું આ અદ્દભુત મ્યુઝિયમ
બે દાયકાની મહેનત પછી બનેલું જીઈએમ આધુનિક સ્થાપત્યકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. કાચના બનેલા તેના ત્રિકોણીય અગ્રભાગમાં નજીકના પિરામીડોનું પ્રતિબિંબ પડે છે અને તેની 24 હજાર ચોરસ મીટરની પ્રદર્શનની જગ્યામાં ઈજિપ્તના સમૃદ્ધ ભૂતકાળ દર્શાવાયો છે. મુલાકાતીઓ મહાન રામાસેસની વિશાળ પ્રતિમા દ્વારા કરવામાં આવે છે, જે મૂર્તિઓથી સજાવેલા એક ભવ્ય પગથિયા તરફ લઈ જાય છે. આ પગથિયા બ્રિજ અને ઈલેક્ટ્રિક શટલો દ્વારા સીધા પીરામીડો સાથે જોડાયેલા છે.
મ્યુઝીયમના મુખ્ય આકર્ષણોમાં તુતનખામુનનો સંપૂર્ણ સંગ્રહ છે જે ૧૯૨૨માં થયેલી તેની શોધ પછી પ્રથમવાર સમગ્રપણે પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. આ પ્રદર્શનમાં મ્યુઝીયમના રત્ન માનવામાં આવતા યુવા રાજાનું સોનેરી સિંહાસન, રથો, તાબૂદ અને દફન માસ્ક સામેલ છે.
પ્રવાસનને આપવામાં આવ્યું પ્રોત્સાહન
આ મ્યુઝીયમ અલ-સિસીએ 2014માં સત્તા સંભાળી ત્યારથી શરૂ કરેલા અનેક મેગાપ્રોજેક્ટ્સ પૈકી એક છે, જેમાં દાયકાઓથી ચાલી આવતી વિકાસમાં સ્થગતિ અને 2011ના અરબ સ્પ્રિન્ગ બળવા પછીની અશાંતિથી પ્રભાવિત અર્થતંત્રને સજીવન કરવાના હેતુથી માળખાગત સુવિધાઓમાં મોટાપાયે રોકાણ શરૂ કરવામાં આવ્યું હતું.
જીઈએમનું ઉદ્ઘાટન ઈજિપ્તના કુલ ઘરેલુ ઉત્પાદનમાં લગભગ 8%નો ફાળો આપતા પ્રવાસનને પ્રોત્સાહન આપવાના વ્યાપક પ્રયાસો વચ્ચે થયું છે. 2024માં ઈજિપ્તમાં દોઢ કરોડ મુલાકાતીઓ આવ્યા હતા અને હવે પ્રશાસનનું લક્ષ્ય 2032 સુધીમાં આ આંકડો બમણો કરવાનું છે. મ્યુઝીયમની ભવ્ય શરૂઆત તુતનખામુનના મકબરાની શોધની વર્ષગાંઠ સાથે જોડાયેલી છે. તેનાથી હજારો રોજગારનું સર્જન થવાની અને અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ વિદેશી મુદ્રા સામેલ થવાની આશા રાખવામાં આવી રહી છે. તેમાં ઈજિપ્તના આર્થિક સુધારા સાથે વિરાસતનો સાથ લેવાનો દ્રઢ સંકલ્પ ઉજાગર થાય છે.

