'ભારત-પાકિસ્તાન સહિત 7 યુદ્ધ અટકાવ્યા, નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઇએ', UNમાં ટ્રમ્પનો મોટો દાવો
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વર્તમાન વ્હાઇ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વર્તમાન વ્હાઇટ હાઉસ રોલ અને અમેરિકાની વૈશ્વિક તાકાત પર ભાર મુકતા ભાષણ આપ્યું હતું.ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધતા ફરી એક વખત ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવ્યાનો દાવો કર્યો છે. પોતાના ભાષણમાં ટ્રમ્પે કહ્યું કે તેમણે સાત યુદ્ધ રોકાવડાવ્યા છે. ટ્રમ્પે કહ્યું, 'મેં ભારત અને પાકિસ્તાન સહિત 7 યુદ્ધોને સમાપ્ત કર્યા અને તેમાં સંયુક્ત રાષ્ટ્રે મારી કોઇ મદદ નથી કરી.'ડોનાલ્ડ ટ્રમ્પે આ સાથે જ ભારત અને ચીન પર યુક્રેન યુદ્ધમાં રશિયાને ફંડ કરવાનો આરોપ લગાવ્યો છે.
ટ્રમ્પે ક્યા 7 યુદ્ધ અટકાવ્યા હોવાનો કર્યો દાવો
ટ્રમ્પે કહ્યું કે તેમણે કંબોડિયા અને થાઇલેન્ડ, કોસોવા અને સર્બિયા, કાંગો અને રવાંડા, ભારત અને પાકિસ્તાન, ઇઝરાયેલ અને ઇરાન, ઇજિપ્ત અને ઇથિયોપિયા, આર્મેનિયા અને અજરબૈજાન વચ્ચે ચાલતા યુદ્ધને સમાપ્ત કર્યા છે.
મને નોબેલ શાંતિ પુરસ્કાર આપવો જોઇએ-ટ્રમ્પ
આ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર પર પણ નિશાન સાધ્યુ હતું. ટ્રમ્પે કહ્યું, 'હું યુદ્ધ સમાપ્ત કરાવીને લાખો લોકોનો જીવ બચાવવામાં ઘણો વ્યસ્ત હતો. અમારી પાસે ક્ષમતા છે પરંતુ તે (યુએન) માત્ર પત્રો જ લખે છે. ખોખલા શબ્દોથી યુદ્ધનું સમાધાન નથી આવતું. યુદ્ધ સમાપ્ત કરવા અને અબ્રાહમ સમજૂતિ પર વાતચીત કર્યા બાદ લોકો કહે છે કે મને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઇએ.'
પેલેસ્ટાઇનને માન્યતા આપનારા દેશો પર ભડક્યા ટ્રમ્પ
પેલેસ્ટાઇનને માન્યતા આપવાની જાહેરાત કરનારા દેશોનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું, "કેટલાક લોકો એક તરફી રીતે પેલેસ્ટાઇનને માન્યતા આપવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેનાથી હમાસના આતંકવાદીઓને તેમના અત્ચાચારોનું ઘણું મોટું ઇનામ મળશે."
ટ્રમ્પે નાટો દેશો સામે સાધ્યુ નિશાન
ટ્રમ્પે આ સાથે જ રશિયા પાસેથી કાચુ તેલ ખરીદવાને લઇને નાટો પર પણ નિશાન સાધ્યું છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, "નાટો દેશોએ પણ રશિયન ઊર્જા અને તેના ઉત્પાદનો પર વધારે રોક લગાવી નથી. તે (યુરોપિયન દેશ) પોતાના જ વિરૂદ્ધ યુદ્ધને ફંડિંગ કરી રહ્યા છે." યુરોપીયન સંઘ હજુ પણ રશિયા પાસેથી એનર્જી ખરીદી રહ્યું છે તેને લઇને ટ્રમ્પે કહ્યું, "તે રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદી રહ્યા છે જ્યારે તે રશિયા સામે લડી રહ્યા છે. આ તેમના માટે શરમજનક છે." વધુમાં ટ્રમ્પે કહ્યું કે યુદ્ધ સમાપ્ત કરવા માટે કોઇ સમજૂતિ ના થઇ તો અમેરિકા રશિયા પર ટેરિફ લગાવવા માટે તૈયાર છે.








