દુકાનો-રસ્તા બંધ, ઇન્ટરનેટ પણ ઠપ્પ; PoKમાં લોકોના આક્રોશથી પાકિસ્તાન સરકારના પેટમાં ફાળ
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં મોટા પાયે વિરોધ પ્રદર્શન થઇ રહ્

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં મોટા પાયે વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. આવામી એક્શન કમિટી (ACC)એ PoKના કેટલાક વિસ્તારમાં પ્રદર્શન કર્યું છે. કેટલીક જગ્યાએ બંધનું આયોજન કરવામાં આવ્યું છે તો કેટલીક જગ્યાએ ચક્કાજામ કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (PoK)માં લોકોના ગુસ્સો અને દેખાવોથી તણાવ સતત વધી રહ્યો છે. નીલમ વેલી પબ્લિક એક્શન કમિટિના નેતા શૌકત નવાઝ મીરે સ્વાસ્થ્ય, શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્વચ્છ પાણી જેવી મૂળભૂત સુવિધાઓ અંગે જનતાની લાંબા સમયથી પેન્ડિંગ માગો પૂર્ણ કરવા માટે સંપૂર્ણ ક્ષેત્રમાં સોમવારથી લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. બીજી બાજુ પાકિસ્તાનની સરકાર અને આર્મીએ આ આંદોલન બળપૂર્વક કચડી નાંખવાની તૈયારી કરી છે.સ્થિતિ પર કાબુ મેળવવા માટે ઇસ્લામાબાદે મોટી સંખ્યામાં સુરક્ષાદળો PoKમાં તૈનાત કર્યા છે. પ્રભાવિત વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઠપ્પ કરવામાં આવી છે.
38 પોઇન્ટની માંગ
AAC એક સિવિલ સોસાયટી છે, જે છેલ્લા ઘણા સમયથી PoKમાં સુધારાની માંગ કરી રહી છે. PoK દાયકાઓથી રાજકીય ભેદભાવ અને આર્થિક ઉપેક્ષાનો શિકાર બની રહ્યું છે. AACએ હવે તેના વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો છે. AACએ પાકિસ્તાન સરકાર સામે 38 પોઇન્ટની માંગ કરી છે.
શું છે લોકોની માંગ?
PoKની વિધાનસભામાં 12 બેઠક પાકિસ્તાનમાં રહેતા કાશ્મીરી શરણાર્થીઓ માટે અનામત છે. AACએ આ જોગવાઇને પણ સમાપ્ત કરવાની માંગ કરી છે. આ સિવાય સબસિડી, મંગલા હાઇડ્રોપાવર પ્રોજેક્ટથી બનનારી વિજળીના ભાવ ઓછા કરવા અને ઇસ્લામાબાદના જૂના વચન પૂર્ણ કરવાની માંગ ઉઠી રહી છે.
AACના નેતા શૌકત નવાઝ મીર અનુસાર, 'અમારૂ અભિયાન કોઇ સંસ્થા વિરૂદ્ધ નથી. છેલ્લા 70 વર્ષથી PoKના લોકોના મૌલિક અધિકાર મળ્યા નથી. અમને અમારા અધિકાર આપો અથવા પછી લોકોના ગુસ્સાનો સામનો કરો.'
13 કલાકની વાતચીત ફેલ
પાકિસ્તાન સરકારે લગભગ 1000 સુરક્ષાદળોની ટીમ ઇસ્લામાબાદથી PoK માટે રવાના કરી છે.બીજી તરફ AAC સાથે વાતચીત ચાલી રહી છે. 13 કલાકની બેઠક બાદ આ વાતચીત નિષ્ફળ ગઇ હતી. પાકિસ્તાને કાશ્મીરી શરણાર્થીઓની અનામત બેઠકો સમાપ્ત કરવાનો ઇનકાર કર્યો છે.








