શેખ હસીનાને 21 વર્ષની જેલની સજા, ભ્રષ્ટાચારના કેસોમાં કોર્ટે આપ્યો ચુકાદો
બાંગ્લાદેશની એક કોર્ટે પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ભ્રષ્ટાચારના ત્રણ આરોપોમાં 21 વર્ષની જેલની સજા ફટકારી છે.

બાંગ્લાદેશની એક કોર્ટે પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ભ્રષ્ટાચારના ત્રણ આરોપોમાં 21 વર્ષની જેલની સજા ફટકારી છે. અગાઉ કોર્ટે તેમને મૃત્યુદંડની સજા ફટકારી હતી. પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાને 2024ના વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન દરમિયાન માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. જોકે, આ ચુકાદા સાથે એક મોટી ગૂંચવણ એ છે કે હસીના બાંગ્લાદેશમાં નથી. તે એક વર્ષથી વધુ સમયથી ભારતમાં રહે છે. શેખ હસીના આ ટ્રિબ્યુનલની પહોંચથી દૂર છે જેના માટે તેણીને દોષિત ઠેરવવામાં આવેલી અને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે.
ડિસેમ્બર 2024માં બાંગ્લાદેશે ભારતને હસીનાના પ્રત્યાર્પણ માટે ઔપચારિક વિનંતી કરી. વિદ્યાર્થી વિરોધને કારણે સત્તામાં તેમનો 15 વર્ષનો કાર્યકાળ સમાપ્ત થયા પછી હસીના નવી દિલ્હી આવી ગયા હતા. ભારતના વિદેશ સચિવે બાંગ્લાદેશની મુલાકાત લીધાના બે અઠવાડિયા પછી બાંગ્લાદેશની વિનંતી આવી હતી, અને બંને દેશોએ શાંતિપૂર્ણ સંબંધોની આશા વ્યક્ત કરી હતી.
બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે 8 ઓગસ્ટે પદ સંભાળ્યું. તેમણે ભારત પાસેથી માંગ કરી છે કે હસીનાનું પ્રત્યાર્પણ કરવામાં આવે જેથી બાંગ્લાદેશ તેમના પર પ્રદર્શનકારીઓ વિરુદ્ધના ગુનાઓ તેમજ છેલ્લા 15 વર્ષમાં તેમના કાર્યકાળ દરમિયાન થયેલા ગુનાઓ માટે કાર્યવાહી કરી શકે.
અહેવાલો અનુસાર, બાંગ્લાદેશની વચગાળાની સરકારે જુલાઈમાં હસીનાના પ્રત્યાર્પણ માટે સત્તાવાર પ્રયાસો શરૂ કર્યા હતા. વચગાળાના વહીવટના વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈને પુષ્ટિ આપી હતી કે ભારતીય અધિકારીઓને ઔપચારિક વિનંતી કરાઈ છે. પ્રક્રિયામાં વિલંબ અંગેના પ્રશ્નનો જવાબ પતા હુસેને કહ્યું કે, અમે એક પત્ર મોકલ્યો છે. જો જરૂર પડી તો અમે ફોલોઅપ કરીશું.
મુહમ્મદ યુનુસના પ્રેસ સેક્રેટરી શફીકુલ આલમે કહ્યું હતું કે, અમે હવે ભારતને રિક્વેસ્ટ કરીએ છીએ કે તેઓ વિવેક અને નૈતિક સ્પષ્ટતા સાથે કાર્ય કરે. ઘણા લાંબા સમયથી ભારતે શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે બાંગ્લાદેશની કાયદેસર વિનંતી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. આ વર્ષે એપ્રિલમાં બેંગકોકમાં BIMSTEC સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતમાં યુનુસે સંકેત આપ્યો હતો કે ભારતે તેમને તેમની સરકારની ટીકા કરવાનું બંધ કરવા કહેવું જોઈએ.








