અફઘાનિસ્તાનમાં 24 કલાકમાં બીજો ભૂકંપ: ભારતે મદદ મોકલી; અત્યાર સુધી 1400નાં મોત
અફઘાનિસ્તાનમાં 24 કલાકની અંદર જ બીજી વખત ભૂકંપ આવ્યો છે. દેશના દક્ષિણ-પૂર્વ ભા

અફઘાનિસ્તાનમાં 24 કલાકની અંદર જ બીજી વખત ભૂકંપ આવ્યો છે. દેશના દક્ષિણ-પૂર્વ ભાગમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રવિવારે આવેલા 6.0ની તીવ્રતાના ભૂકંપને કારણે ભારે નુકસાન થયું છે. અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપને કારણે 1400થી વધુ લોકોનાં મોત થયા છે જ્યારે 3000થી વધુ ઇજાગ્રસ્ત થયા છે.
અફઘાનિસ્તાનમાં ભૂકંપને કારણે ભારે નુકસાન, મૃત્યુઆંક 1400ને પાર
તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદના જણાવ્યા મુજબ, રવિવારે આવેલા 6.0ની તીવ્રતાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1411 થયો છે, અને 3124થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. સૌથી વધુ અસરગ્રસ્ત કુનાર પ્રાંતમાં 5000થી વધુ ઘરો નષ્ટ થઇ ગયા છે. અહીં મોટાભાગના કાચા મકાનો હોવાથી ધરાશાયી થયા છે, જેના કારણે હજારો લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે.
ભારતે કાબુલ મદદ પહોંચાડી
આ મુશ્કેલ સમયમાં ભારતે અફઘાનિસ્તાનને સહાય મોકલી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ગઈકાલે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સાથે વાત કરીને સંવેદના વ્યક્ત કરી અને 1000 ફેમિલી ટેન્ટ અને 15 ટન ખાદ્ય સામગ્રી મોકલી છે. આગામી દિવસોમાં વધુ રાહત સામગ્રી મોકલવામાં આવશે. આ ઉપરાંત, ઈરાન, ચીન અને અન્ય દેશોએ પણ મદદનું આશ્વાસન આપ્યું છે.
ભૂકંપ બાદ અનેક લોકો સંકટમાં
ભૂકંપ બાદ અહીં અનેક લોકો સંકટમાં મૂકાયા છે. લોકો પાસે ખાવા-પીવાની અને રહેવાની કોઈ વ્યવસ્થા નથી. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોની હાલત ગંભીર છે. ખરાબ હવામાન અને તૂટેલા રસ્તાઓને કારણે રાહત અને બચાવ કાર્યમાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. તૂટેલા રસ્તાઓના કારણે રાહત અને બચાવ કામગીરીમાં અનેક મુશ્કેલી આવી રહી છે. તાલિબાન સત્તાવાળાઓએ ઈજાગ્રસ્તોને બહાર કાઢવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો છે, પરંતુ અનેક વિસ્તારોમાં હેલિકોપ્ટર પણ ઉતરી શકે તેવી સ્થિતિ નથી. યુએન અને અન્ય સંસ્થાઓ સતત મદદ માટે પ્રયાસ કરી રહી છે, પરંતુ સંસાધનોની અછતને કારણે આ કામગીરી ધીમી પડી રહી છે.







