ઉમરાહ અંગે સાઉદી અરબનો મોટો નિર્ણય, ભારતીય મુસ્લિમોને થશે આ મોટો ફાયદો
સાઉદી અરબમાં હજ અને ઉમરાહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. મંત્રાલયે કહ્યું કે, હવે દ

સાઉદી અરબમાં હજ અને ઉમરાહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. મંત્રાલયે કહ્યું કે, હવે દરેક પ્રકારના વિઝા ધારક સાઉદી અરબમાં ઉમરાહ કરવા માટે જઈ શકશે. એટલે કે, હવે ટૂરિસ્ટ, પર્સનલ અને વર્ક વીઝા ધરાવતા લોકો પણ ઉમરાહ કરી શકે છે. આ નિર્ણય ખાસ કરીને ભારતીય મુસલમાનો માટે રાહત આપનારો સાબિત થશે. સાઉદી અરેબિયામાં કામ કરતા વિદેશી નાગરિકોમાં ભારતીયો મોટી સંખ્યામાં છે. પરિણામે, કામ અથવા અન્ય વિઝા પર સાઉદી અરેબિયા જતા ભારતીય મુસ્લિમો પણ હવે ઉમરાહ કરી શકશે.
સાઉદી પ્રેસ એજન્સીના રિપોર્ટ પ્રમાણે, મંત્રાલયે જણાવ્યું હતું કે, આ પગલું ઉમરાહ કરનારા યાત્રાળુઓ માટે પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા અને હજ અને ઉમરાહ સિસ્ટમ અંતર્ગત સેવાઓ સુધી પહોંચ વધારવાના ચાલુ પ્રયાસોનો એક ભાગ છે. આ પગલું મોહમ્મદ બિન સલમાનના સાઉદી વિઝન 2030 ના લક્ષ્યો સુધી પહોંચવા માટે છે.
કયા વિઝાનો સમાવેશ
હજ મંત્રાલયે આપેલા નિવેદન પ્રમાણે 'ઉમરાહ વિઝામાં વ્યક્તિગત અને પારિવારિક મુલાકાત વિઝા, ઇલેક્ટ્રોનિક ટૂરિસ્ટ વિઝા, ટ્રાન્ઝિટ વિઝા, વર્ક વિઝા અને અન્ય વિઝાનો સમાવેશ થાય છે.' આ નિર્ણયથી વિશ્વભરના મુસ્લિમોને તેમની ધાર્મિક વિધિઓ સરળતાથી અને શાંતિથી કરવા સક્ષમ બનાવવા માટે સાઉદી અરેબિયાનું મહત્ત્વનું પગલું માનવામાં આવે છે.
સાઉદી હજ મંત્રાલયે એ પણ કહ્યું કે, નુસુક ઉમરાહ પ્લેટફોર્મ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ વિશ્વભરના લોકોને પેકેજો પસંદ કરીને અને ઇલેક્ટ્રોનિક રીતે પરમિટ મેળવીને સીધા ઉમરાહ કરવાની મંજૂરી આપે છે. આ પ્લેટફોર્મ લાભાર્થીઓને સેવાઓ બુક કરવા અને જ્યારે તેઓ ઈચ્છે ત્યારે લવચીક રીતે પસંદગી કરવાની સુવિધા પુરી પાડે છે.
ઉમરાહનું શું મહત્ત્વ
ઉમરાહને સામાન્ય રીતે મીની હજ તરીકે ઓળખવામાં આવે છે. ઉમરાહમાં મુસ્લિમો સાઉદી અરેબિયાના મક્કામાં ઈબાદત કરે છે. હજની જેમ તેમાં કાબાની ચારેય બાજુ પરિક્રમા સહિત અનેક ધાર્મિક વિધિઓનો સમાવેશ થાય છે. જો કે, હજ અને ઉમરાહ વચ્ચે નોંધપાત્ર તફાવત છે. હજ વર્ષમાં એકવાર થાય છે, જ્યારે ઉમરાહ કોઈપણ સમયે કરી શકાય છે.








