મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

રશિયાએ યુક્રેન પર ઈસ્કંદર મિસાઈલથી કર્યો મોટો હુમલો, કિવના ઊર્જા અને રેલવે માળખાને કર્યું ધ્વસ્ત

રશિયા-યુક્રેન યુદ્ધ હજુ પણ સમે તેવા કોઈ એંધાણ દેખાતા નથી. રશિયન સૈન્યે શુક્રવારે મોડી ર

રશિયાએ યુક્રેન પર ઈસ્કંદર મિસાઈલથી કર્યો મોટો હુમલો, કિવના ઊર્જા અને રેલવે માળખાને કર્યું ધ્વસ્ત

રશિયા-યુક્રેન યુદ્ધ હજુ પણ સમે તેવા કોઈ એંધાણ દેખાતા નથી. રશિયન સૈન્યે  શુક્રવારે મોડી રાત્રે ઇસ્કંદર બેલિસ્ટિક મિસાઇલોથી યુક્રેનની રાજધાની કિવ પર મોટો હુમલો કરતાં શહેરનું ઊર્જા માળખું તેમજ રેલવે સિસ્ટમને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ હુમલામાં 4 નાગરિકોના મોત થયા છે અને અનેક ઘાયલ થયા છે. યુક્રેન પર મોટો હુમલો રાત્રે 11 વાગ્યાની આસપાસ શરૂ થયો જ્યારે રશિયન મિસાઇલોએ કિવની બહારના મુખ્ય પાવર પ્લાન્ટ અને રેલ્વે જંકશનને ટાર્ગેટ કરીને કર્યો હતો. ઇસ્કંદર મિસાઇલો કે જેની રેન્જ 500 કિલોમીટર છે અને 700 કિલોગ્રામ વિસ્ફોટકો વહન કરી શકે છે, તેણે શહેરના પાવર ગ્રીડને ખોરવી નાખ્યું.

કિવના મેયર વિટાલી ક્લિટ્શ્કોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું કે, આપણી ઉર્જા સિસ્ટમનો 40 ટકા ભાગ નાશ પામ્યો છે. હજારો ઘરો વીજળી વિના છે, અને હોસ્પિટલો જનરેટર પર આધાર રાખી રહી છે. રેલ્વે સિસ્ટમ પણ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. મુખ્ય સ્ટેશન પરના પાટા ઉખડી જતાં અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે.

યુક્રેનની રેલ સિસ્ટમ ખોરવાઈ

રશિયન મિસાઈલોથી એટલો વિનાશક હુમલો થયો હતો કે, યુક્રેનિયન રેલ્વેના વડાએ કહ્યું હતું કે, હુમલા બાદ સમારકામમાં ઓછામાં ઓછો એક અઠવાડિયા જેટલો સમય લાગશે, જેના કારણે લશ્કરી પુરવઠો અને નાગરિક મુસાફરી પર ગંભીર અસર પડી છે. મૃતકોમાં 65 વર્ષીય મહિલા અને બે યુવાન મજૂરોનો સમાવેશ થાય છે.  જેઓ હુમલા સમયે રેલ્વે ટ્રેક પાસે કામ કરી રહ્યા હતા. ઘાયલોને કિવની મુખ્ય હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં ડોક્ટરોએ ચેતવણી આપી હતી કે ઠંડા હવામાન દરમિયાન વીજળીનો અભાવ આરોગ્ય સંકટને વધુ ખરાબ કરી શકે છે. 

યુક્રેનિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ એક વિડિઓ સંદેશ બહાર પાડી કહ્યું હતું કે, આ હુમલો આપણા લોકોની હત્યા કરવાનો પ્રયાસ છે. અમારા તરફથી તેનો પ્રતિકાર કરવામાં આવશે. પરંતુ વિશ્વએ રશિયાના આક્રમણને રોકવું જોઈએ." તેમણે નાટો દેશોને શસ્ત્ર પુરવઠો ઝડપી બનાવવા અપીલ કરી હતી.

રશિયાએ યુક્રેન પર હુમલાની જવાબદારી સ્વીકારી

રશિયા તરફતી ક્રેમલિને હુમલાની જવાબદારી સ્વીકારતા કહ્યું કે, સૈન્ય ટાર્ગેટ હતું. પરંતુ યુક્રેને પુરાવા રજૂ કર્યા કે, તેણે ઇરાદાપૂર્વક નાગરિક માળખાગત સુવિધાઓને નિશાન બનાવી હતી. સંયુક્ત રાષ્ટ્રએ બંને બાજુથી સંયમ રાખવાની હાકલ કરી છે. નિષ્ણાતો માને છે કે આ હુમલો રશિયાની રણનીતિનો ભાગ છે જે યુક્રેનના શિયાળાને મુશ્કેલ બનાવવા પર કેન્દ્રીત છે. ગયા મહિને પણ આવા જ હુમલાઓમાં ડઝનેક લોકોના મોત થયા હતા. આ ઘટના વૈશ્વિક ઊર્જા બજારને હચમચાવી રહી છે, જ્યાં યુરોપિયન યુનિયને કટોકટીની બેઠક બોલાવી છે.

આ સમાચાર શેર કરો