અમેરિકાના મિનેસોટામાં ચાલુ શાળામાં આડેધડ ગોળીબાર, ત્રણનાં મોત, 20 ઇજાગ્રસ્ત
અમેરિકાના મિનેસોટા રાજ્યના મિનેયાપોલિસ શહેરમાં આવેલી એનાનુંસિએશન કેથોલિક સ્કૂલમાં ફાયરિંગ

અમેરિકાના મિનેસોટા રાજ્યના મિનેયાપોલિસ શહેરમાં આવેલી એનાનુંસિએશન કેથોલિક સ્કૂલમાં ફાયરિંગની એક દુ:ખદ ઘટના સામે આવી છે, જેમાં ત્રણનાં મોત અને 20 થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના શાળાના સત્રની શરૂઆતમાં બની હતી, જ્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વર્ગખંડોમાં હાજર હતા. પોલીસ હુમલાખોરને ઠાર કર્યો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ ફેલાયો છે.
આ અંગે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથમાં લખ્યું કે, 'મિનેસોટાના મિનેયાપોલિસમાં થયેલા દુ:ખદ ફાયરિંગ વિશે મને સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. FBIએ ઝડપથી પ્રતિક્રિયા આપી અને તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વ્હાઇટ હાઉસ આ ભયંકર પરિસ્થિતિ પર નજર રાખશે.
રાજ્યપાલે દુઃખ વ્યક્ત કર્યું
મિનેસોટાના ગવર્નર ટિમ વોલ્ઝે ફાયરિંગની માહિતી મળતાં જ ટ્વિટ કર્યું હતું કે, 'મને એનાનુંસિએશન કેથોલિક સ્કૂલમાં ફાયરિંગની જાણ કરવામાં આવી છે. જેમ જેમ અમને વધુ માહિતી મળશે તેમ તેમ હું અપડેટ્સ શેર કરતો રહીશ. હું તે બાળકો અને શિક્ષકો માટે પ્રાર્થના કરું છું, જેમની શાળાનું પહેલું અઠવાડિયું આ ભયાનક હિંસાથી પ્રભાવિત થયું છે.' ગવર્નર વોલ્ઝે એ પણ પુષ્ટિ આપી હતી કે બ્યુરો ઓફ ક્રિમિનલ એપ્રેન્શન (BCA) અને સ્ટેટ પેટ્રોલ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કેસની તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસ હાથ ધરાઈ
આ ઘટના ત્યારે બની જ્યારે શાળામાં નિયમિત વર્ગો ચાલી રહ્યા હતા. ફાયરિંગના અવાજો સંભળાતા જ શાળાને તાત્કાલિક તાળાબંધી કરી દેવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને વર્ગખંડોમાં સુરક્ષિત રાખવામાં આવ્યા હતા અને વહીવટીતંત્રે વાલીઓને જાણ કરી હતી. પોલીસ હુમલાખોરને ઠાર કર્યો છે.
શાળા વહીવટીતંત્ર અને સ્થાનિક સમુદાય આ ઘટના બાદ ઊંડા આઘાતમાં છે. શિક્ષકો અને વાલીઓ આ પ્રકારની હિંસાની સખત નિંદા કરે છે અને કહે છે કે શૈક્ષણિક સંસ્થાઓ ભય અને ભયાનકતાનું કેન્દ્ર નહીં, પણ સૌથી સુરક્ષિત સ્થાનો હોવી જોઈએ. કેથોલિક શાળા વહીવટીતંત્રે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તેઓ પોલીસ અને તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે અને બાળકોની સલામતી તેમની ટોચની પ્રાથમિકતા છે.








