પુતિને ટ્રમ્પનું ટેન્શન વધાર્યું, અમેરિકા સાથેનો પ્લુટોનિયમ નિકાલ કરાર રદ કર્યો
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકા સાથે થયેલો પ્લુટોનિયમ નિકાલ કરાર (Plutonium Disposal Agreement) રદ

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકા સાથે થયેલો પ્લુટોનિયમ નિકાલ કરાર (Plutonium Disposal Agreement) રદ કરી દીધો છે. 27 ઑક્ટોબર, 2025ના રોજ એટલે કે સોમવારે, તેમણે આ કરારને ઔપચારિક રીતે સમાપ્ત કરનારા કાયદા પર સહી કરી દીધી. આ ડીલનો મુખ્ય હેતુ બંને દેશોને વધુ પરમાણુ શસ્ત્રો બનાવતા અટકાવવાનો હતો. પુતિનનું આ પગલું અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે લીધું છે.
પ્લુટોનિયમ કરાર શું છે?
પ્લુટોનિયમ કરાર હેઠળ, અમેરિકા અને રશિયા બંને દેશો લશ્કરી ઉપયોગ માટે બિનજરૂરી એવા 34 ટન હથિયાર-ગ્રેડ પ્લુટોનિયમને નષ્ટ કરવા માટે બંધાયેલા હતા. આ સમજૂતી સપ્ટેમ્બર 2000માં થઈ હતી અને 2010માં તેમાં સુધારો કરાયો હતો. તેનો હેતુ કોલ્ડ વોરના સમયના પરમાણુ શસ્ત્રોના જથ્થાને ઘટાડવાનો હતો. અમેરિકન અધિકારીઓ અનુસાર, આ કરારથી લગભગ 17,000 પરમાણુ હથિયારો બનાવવા માટેની સામગ્રીનો નિકાલ થઈ શક્યો હોત.
કરાર શા માટે નિલંબિત થયો?
રશિયાએ અગાઉ જ ઑક્ટોબર 2016માં આ કરારને સ્થગિત કરી દીધો હતો. ત્યારે રશિયાએ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો અને નાટો (NATO)ની પૂર્વીય સીમા પર વધતી ગતિવિધિઓને 'શત્રુતાપૂર્ણ કાર્યવાહી' ગણાવી હતી.
આ નિર્ણયની સાથે જ રશિયાએ એક નવી પરમાણુ શક્તિ સંચાલિત ક્રૂઝ મિસાઈલ 'બુરેવેસ્ટનિક' (Burevestnik)નું સફળ પરીક્ષણ પણ કર્યું. રાષ્ટ્રપતિ પુતિને દાવો કર્યો કે આ મિસાઈલ દુનિયામાં સૌથી અનોખી છે અને તેની ઉડાન ક્ષમતા (ફ્લાઇટ રેન્જ) લગભગ અનંત છે. આ મિસાઈલ 15 કલાક સુધી હવામાં રહીને લગભગ 14,000 કિલોમીટરનું અંતર કાપી શકે છે.
રશિયા-અમેરિકામાં તણાવ વધ્યો
આ ઘટનાક્રમને કારણે અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ વધુ વધી ગયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવામાં ધીમી પ્રગતિ પર નારાજગી વ્યક્ત કરી છે. તાજેતરમાં જ અમેરિકાએ રશિયાની 2 મુખ્ય તેલ કંપનીઓ પર નવા પ્રતિબંધો લાદ્યા છે, જેને યુદ્ધ સમાપ્ત કરવા માટે 'યોગ્ય અને આવશ્યક પગલાં' ગણાવાયા છે. આ વિશે વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે કહ્યું, 'પ્રમુખ ટ્રમ્પે હંમેશા કહ્યું છે કે જ્યારે તેમને યોગ્ય લાગશે ત્યારે તેઓ રશિયા પર પ્રતિબંધો લગાવશે અને ગઈકાલનો દિવસ તે જ હતો.'








