અમેરિકામાં હોર્ન આઈલેન્ડના કિનારા નજીક દરિયામાં પ્લેન ક્રેશ, 6 લોકોના મોત

અમેરિકાના મિસિસિપીમાં હોર્ન આઇલેન્ડ નજીક મંગળવારે બપોરે એક નાનું વિમાન સમુદ્રમાં ખાબકતાં બે બાળકો સહિત છ લોકોનાં મોત થયાં છે. વિમાનમાં ચાર પુખ્ત વયના લોકો અને 8થી 10 વર્ષનાં બે બાળકો સવાર હતાં. અમેરિકન કોસ્ટ ગાર્ડે તમામ છ લોકોનાં મોતની પુષ્ટિ કરી છે. અકસ્માત બાદ હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન ડાઇવર્સે વિમાનના કાટમાળમાંથી તમામ મૃતદેહો બહાર કાઢ્યા હતા.
વિમાનમાં ચાર પુખ્ત વયના અને બે બાળકો સવાર હતાં
અમેરિકન કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, અકસ્માતનો ભોગ બનેલું વિમાન સેસના સેન્ટુરિયન 210 હતું. મંગળવારે બપોરે આશરે 3:45 વાગ્યે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)નો વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ કોસ્ટ ગાર્ડને જાણ કરવામાં આવી હતી અને બચાવ તથા શોધખોળ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ડાઇવર્સે વિમાનના કાટમાળમાંથી મૃતદેહો શોધ્યા
અકસમાત બાદ બચાવ ટુકડીઓને ઘટનાસ્થળેથી ત્રણ લાઇફ જેકેટ, એક લાઇફ રાફ્ટ અને વિમાનની કેબિન મળી આવી હતી. ત્યારબાદ મિસિસિપી ડિપાર્ટમેન્ટ ઓફ મરીન રિસોર્સિસ (MDMR)ના ડાઇવર્સે વિમાનના કાટમાળની અંદર શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન તમામ છ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. કોસ્ટ ગાર્ડે તમામ મૃતદેહો મળી આવ્યા બાદ શોધખોળ અભિયાન પૂર્ણ જાહેર કર્યું હતું.
ન્યૂ ઓર્લિયન્સથી ફ્લોરિડા જઈ રહ્યું હતું વિમાન
ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા મુજબ, સેસના 210 વિમાન ન્યૂ ઓર્લિયન્સથી ફ્લોરિડાના ફોર્ટ માયર્સ તરફ જઈ રહ્યું હતું. ઉડાન ભર્યાના આશરે 30 મિનિટ બાદ વિમાન મિસિસિપીના પસ્કાગૌલાના દક્ષિણમાં લગભગ 8,800 ફૂટની ઊંચાઈએ હતું. ત્યારબાદ વિમાન અચાનક સમુદ્ર તરફ નીચે પડવા લાગ્યું હતું.
પ્રતિ મિનિટ 18 હજાર ફૂટની ઝડપે નીચે પડ્યું
ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24ના ડેટા અનુસાર, અકસ્માત પહેલાં વિમાન પ્રતિ મિનિટ આશરે 18,000 ફૂટની ઝડપે નીચે આવી રહ્યું હતું. તે સમયે તેની ગતિ 200 માઇલ પ્રતિ કલાકથી વધુ હતી. ત્યારબાદ વિમાનનો ટ્રેકિંગ ડેટા મળવાનું બંધ થઈ ગયું હતું. આ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.










