Melania એ પુતિનને લખ્યો પત્ર, ડોનાલ્ડ ટ્રમ્પે હાથોહાથ રશિયન પ્રમુખને આપ્યો; જાણો શું હતું પત્રમાં?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે (15 ઓગસ્ટ) અલ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે (15 ઓગસ્ટ) અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે બેઠક થઇ હતી. દરમિયાન ટ્રમ્પે પોતાની પત્ની અને અમેરિકાના પ્રથમ મહિલા Melania Trump દ્વારા લખાયેલો એક ખાસ પત્ર પોતાના હાથે જ પુતિનને આપ્યો હતો. આ પત્રમાં મેલાનિયાએ રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા બાળકોની વેદનાનો ઉલ્લેખ કરીને શાંતિની અપીલ કરી હતી. પત્રની વિગતો શનિવારે (16 ઓગસ્ટ) સામે આવી, જે ફોક્સ ન્યૂઝ ડિજિટલ દ્વારા સૌપ્રથમ પ્રકાશિત કરવામાં આવી અને ત્યારબાદ અમેરિકાના એટર્ની જનરલ પામ બોન્ડીએ X પર તેને શેર કર્યો.
પત્રમાં શું લખ્યું હતું?
સ્લોવેનિયામાં જન્મેલી મેલાનિયા ટ્રમ્પે પોતાના પત્રમાં બાળકોની નિર્દોષતા અને તેમના સપનાઓની રક્ષાની વાત કરી. પત્રમાં યુક્રેનનો સીધો ઉલ્લેખ નથી, પરંતુ તે રશિયા-યુક્રેન યુદ્ધના સંદર્ભમાં બાળકોની દુર્દશાને સંબોધે છે. મેલાનિયાએ લખ્યું: “દરેક બાળકના હૃદયમાં એકસમાન શાંત સપનાં હોય છે, પછી તે ગામડાંના ખેતરોમાં જન્મે કે શહેરના ભવ્ય કેન્દ્રમાં. તેઓ પ્રેમ, સંભાવનાઓ અને સુરક્ષાનું સપનું જુએ છે.”
તેમણે વધુમાં લખ્યું, “એક સરળ પરંતુ ગહન વિચાર, જેની સાથે તમે ચોક્કસ સહમત હશો, એ છે કે દરેક પેઢીના વંશજો પોતાનું જીવન શુદ્ધતા અને નિર્દોષતા સાથે શરૂ કરે છે, જે ભૂગોળ, સરકાર અને વિચારધારાથી ઉપર હોય છે.” તેમણે ઉમેર્યું કે આજના યુદ્ધગ્રસ્ત વિશ્વમાં, ઘણાં બાળકો “શાંત હાસ્ય” સાથે જીવે છે, જે આસપાસના અંધકારથી અસ્પૃશ્ય છે. મેલાનિયાએ પુતિનને અપીલ કરી કે, “ તમે એકલા હાથે તેમનું મધુર હાસ્ય પુનઃસ્થાપિત કરી શકો છો. આ બાળકોની નિર્દોષતાનું રક્ષણ કરીને, તમે ફક્ત રશિયાની નહીં, પરંતુ સમગ્ર માનવતાની સેવા કરશો.”
અલાસ્કા સમિટમાં આપ્યો હતો પત્ર
આ પત્ર ડોનાલ્ડ ટ્રમ્પે અલાસ્કાના એન્કરેજમાં જોઈન્ટ બેઝ એલ્મેન્ડોર્ફ-રિચાર્ડસન ખાતે પુતિન સાથેની લગભગ ત્રણ કલાકની બેઠક દરમિયાન આપ્યો હતો. આ બેઠકનો હેતુ રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા કરવાનો હતો, પરંતુ બંને નેતાઓ યુદ્ધવિરામ પર સહમત થઈ શક્યા નહોતા. ટ્રમ્પે બેઠકને “ખૂબ જ સારી” ગણાવી હતી, પરંતુ પત્રકારોને જણાવ્યું હતું કે, “અમે હજુ ત્યાં પહોંચ્યા નથી,” એટલે કે યુદ્ધનો અંત હજુ શક્ય નથી.
યુક્રેનના બાળકોનો મુદ્દો
આ પત્રમાં યુક્રેનના બાળકોના અપહરણનો મુદ્દો પરોક્ષ રીતે ઉઠાવવામાં આવ્યો હતો. યુક્રેનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરી 2022માં રશિયાના આક્રમણ બાદ લગભગ 20,000 યુક્રેનિયન બાળકોનું અપહરણ કરવામાં આવ્યું છે અને તેમને રશિયા અથવા રશિયન-નિયંત્રિત વિસ્તારોમાં લઈ જવામાં આવ્યા છે. ઈન્સ્ટિટ્યૂટ ફોર ધ સ્ટડી ઓફ વોરના રિપોર્ટ અનુસાર, આ સંખ્યા 19,500ની નજીક છે, પરંતુ વાસ્તવિક આંકડો એનાથી ઘણો વધુ હોઈ શકે છે. ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) એ માર્ચ 2023માં પુતિન વિરુદ્ધ આ બાળકોના અપહરણના આરોપમાં યુદ્ધ અપરાધો માટે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. રશિયાએ આ આરોપોને “આપત્તિજનક અને અસ્વીકાર્ય” ગણાવ્યા હતા અને દાવો કર્યો હતો કે બાળકોને યુદ્ધ વિસ્તારોમાંથી સુરક્ષા માટે ખસેડવામાં આવ્યા હતા.








