મુખ્ય સામગ્રી પર જાઓ

'... નસબંધી કરાવવાના છે!' ચોથું બાળક હજુ ત્રણ મહિનાનું છે ત્યાં પાંચમાની વાત! ઉષાએ જેડી વેન્સના પ્લાન પર ફેરવી દીધું પાણી!

'...  નસબંધી કરાવવાના છે!' ચોથું બાળક હજુ ત્રણ મહિનાનું છે ત્યાં પાંચમાની વાત! ઉષાએ જેડી વેન્સના પ્લાન પર ફેરવી દીધું પાણી!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સે પત્ની ઉષા વેન્સ સાથેની મજેદાર વાતચીતનો ખુલાસો કર્યો છે. વેન્સે પાંચમા બાળકની ઈચ્છા વ્યક્ત કરતાં ઉષાએ મજાકમાં એવી ચેતવણી આપી કે પતિએ તરત જ પોતાનો વિચાર પડતો મૂક્યો. આ કિસ્સો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ (JD Vance) અને તેમનાં પત્ની ઉષા વેન્સ (Usha Vance) વચ્ચે થયેલી એક અંગત વાતચીત હાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. વેન્સે પાંચમા બાળકની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ પત્ની ઉષાએ એવો જવાબ આપ્યો કે તેમની આ ઈચ્છા પર તરત જ બ્રેક લાગી ગઈ. વેન્સે પોતે જ એક ઇન્ટરવ્યૂમાં આ રમૂજી કિસ્સો સંભળાવ્યો હતો.

પાંચમા બાળકની વાત કરતાં ઉષાએ આપી ચેતવણી

ફોક્સ ન્યૂઝ (Fox News)ને આપેલા ઇન્ટરવ્યૂમાં જેડી વેન્સે જણાવ્યું કે થોડા દિવસ પહેલાં તેમણે પત્ની ઉષા સાથે મજાકમાં પાંચમા બાળકની વાત કરી હતી. વેન્સે કહ્યું હતું કે તેમને તો છ બાળકોની ઈચ્છા છે અને તેમણે ઉષાને મજાકમાં કહ્યું કે ચાલો, પાંચમું બાળક પણ કરી લઈએ.

પરંતુ ઉષાએ પતિની આ વાતનો જવાબ પણ મજાકિયા અંદાજમાં આપ્યો હતો. વેન્સના જણાવ્યા પ્રમાણે, ઉષાએ કહ્યું કે જો ત્રણ મહિનાના બાળકની સંભાળ રાખવાની વચ્ચે તેઓ ફરીથી વધુ બાળકોની વાત કરશે, તો તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેર કરી દેશે કે જેડી વેન્સ નસબંધી (Vasectomy) કરાવવાના છે.

ઉષાની આ ચેતવણી બાદ વેન્સે હસતાં હસતાં કહ્યું કે હવે તેઓ આવી વાત નહીં કરે. તેમની આ વાતચીતનો વીડિયો અને અહેવાલ સોશિયલ મીડિયા પર ઝડપથી ચર્ચામાં આવ્યા છે.

સોશિયલ મીડિયા પર મજાક પણ, ટીકા પણ

આ કિસ્સો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક યુઝર્સે વેન્સ દંપતીની વાતચીતને રમૂજી અને સામાન્ય પરિવાર જેવી ગણાવી હતી. એક યુઝરે કહ્યું કે રાજકારણીઓની ગંભીર છબીથી અલગ આવો હળવો અંદાજ લોકોને પસંદ આવે છે.

બીજી તરફ, કેટલાક લોકોએ આ મજાકની ટીકા પણ કરી હતી. એક યુઝરે સવાલ કર્યો હતો કે વધુ બાળક કરવાની વાતને મજાક તરીકે કેમ રજૂ કરવામાં આવી રહી છે? જ્યારે અન્ય એક યુઝરે બાળકોના ઉછેર સાથે જોડાયેલા વધતા આર્થિક ખર્ચ તરફ ધ્યાન દોર્યું હતું.

જેડી અને ઉષા વેન્સને છે ચાર બાળકો

જેડી વેન્સ અને ઉષા વેન્સનો પરિવાર હાલમાં છ સભ્યોનો છે. તેમને ચાર બાળકો છે, જેમનાં નામ ઇવાન (Ewan), વિવેક (Vivek), મિરાબેલ (Mirabel) અને એલેક (Alec) છે. સૌથી નાનું બાળક એલેક ત્રણ મહિનાનું હતું ત્યારે આ વાતચીત થઈ હતી.

આ સમગ્ર ઘટનામાં ખાસ વાત એ છે કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેવા મોટા રાજકીય હોદ્દા પર રહેલા વ્યક્તિના પારિવારિક જીવનની એક સામાન્ય અને રમૂજી ક્ષણ ચર્ચામાં આવી છે. જોકે, પાંચમા બાળક અંગેની વાત માત્ર મજાકમાં થઈ હતી કે નહીં, તે અંગે વેન્સે ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટતા કરી નહોતી.

આ સમાચાર શેર કરો