ઈકોનોમી મોરચે ભારતનો વાગ્યો ડંકો, જાપાનને પછાડીને બન્યું વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર
ભારતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સરકારે જાહેરાત કરી છે કે ભારત વિશ્વનું ચોથું સૌથી

ભારતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સરકારે જાહેરાત કરી છે કે ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બનવા સાથે જાપાનને પાછળ છોડી દીધું છે. ભારતનું અર્થતંત્ર 4.18 ટ્રિલિયન યુએસ ડોલરે પહોંચ્યું છે. સરકારે જણાવ્યું છે કે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર છે અને 2030 સુધીમાં જર્મનીને પાછળ છોડીને વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાની તૈયારીમાં છે.
વર્ષ 2025માં દેશના સુધારાઓ અંગેની એક સરકારી જાહેરાતમાં જણાવાયું છે કે, 4.18 ટ્રિલિયન યુએસ ડોલરના કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) સાથે, ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે. આ સાથે વર્ષ 2030 સુધીમાં 7.3 ટ્રિલિયન યુએસ ડોલરના અંદાજિત GDP સાથે આગામી અઢીથી 3 વર્ષમાં જર્મનીથી આગળ નીકળી છે.
વિશ્વની પાંચ સૌથી મોટી અર્થવ્યવસ્થાવા ધરાવતા દેશો
અમેરિકા
ચીન
જર્મની
ભારત
જાપાન
વૃદ્ધિની ગતિ આશ્ચર્યજનક
સરકારી પ્રકાશનમાં જણાવાયું છે કે, 2025-26 ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી છ ક્વાર્ટરના ઉચ્ચ સ્તરે પહોંચવાની સાથે વૃદ્ધિ અપેક્ષાઓ કરતાં વધુ સારી રહી છે. આ વૈશ્વિક વેપારમાં સતત અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતની સ્થિતિસ્થાપકતાને દર્શાવે છે. જાહેરાત પ્રકાશન મુજબ મજબૂત ખાનગી વપરાશના નેતૃત્વમાં સ્થાનિક પરિબળોએ આ વિસ્તરણમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
વૈશ્વિક સંસ્થાઓને પણ ભારત ઉપર વિશ્વાસ
વિશ્વ બેંકે 2026 માં ભારત માટે 6.5 ટકા વૃદ્ધિનો અંદાજ લગાવ્યો છે. મૂડીઝની અપેક્ષા છે કે ભારત 2026માં 6.4 ટકા અને 2027માં 6.5 ટકાના દરે વૃદ્ધિ સાથે સૌથી ઝડપથી વિકસતું G20 અર્થતંત્ર રહેશે. IMF એ 2025 માટે તેના અંદાજો વધારીને 6.6 ટકા અને 2026 માટે 6.2 ટકા કર્યા છે. OECDએ 2025માં 6.7 ટકા અને 2026માં 6.2 ટકા વૃદ્ધિનો અંદાજ લગાવ્યો છે. એશિયન વિકાસ બેંકે 2025માટે તેનો અંદાજ વધારીને 7.2 ટકા કર્યો છે જ્યારે ફિચે મજબૂત ગ્રાહક માંગને કારણે તેનો FY2026નો અંદાજ 7.4 ટકા કર્યો છે.
ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંની એક
સરકારે કહ્યું, "ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંની એક છે. તે હાલની ગતિને જાળવી રાખવા માટે સક્ષમ છે. વર્ષ 2047 સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ સુધીમાં ઉચ્ચ મધ્યમ આવકના લક્ષ્ય સાથે દેશ આર્થિક વિકાસ, માળખાકીય સુધારાઓ અને સામાજિક પ્રગતિના મજબૂત પાયા પરઆગળ વધી રહ્યો છે.








