મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO : ખાર્ગ ટાપુ સહિત અનેક સ્થળો પર ઇઝરાયલનો બોમ્બમારો, રેલવે બ્રિજ ઉડાવ્યો; બેના મોત 

ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે અત્યંત આક્રમક વલણ અપનાવી રહ્યા છે. તેઓ ઈ

ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે અત્યંત આક્રમક વલણ અપનાવી રહ્યા છે. તેઓ ઈરાનને સતત અલ્ટીમેટમ આપી રહ્યા છે અને હવે તેમના નવા અલ્ટીમેટમની સમયમર્યાદા પૂર્ણ થવા જઈ રહી છે. આ દરમિયાન  ઈરાનના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા ખાર્ગ ટાપુ સહિત અનેક સ્થળોએ અમેરિકા અને ઈઝરાયલે ઉપરા-છાપરી ભીષણ હુમલા શરૂ કર્યા છે.

ખાર્ગ ટાપુ સહિત અનેક સ્થળો નિશાને

મેહર ન્યૂઝના અહેવાલ મુજબ, ઈરાનના ઓઈલ હબ ગણાતા ખાર્ગ ટાપુ પર મંગળવારે તોબડતોડ હવાઈ હુમલા થયા છે. ખાર્ગ પર એક પછી એક અનેક હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે આખા વિસ્તારમાં તણાવ વ્યાપી ગયો છે. ઈરાની અહેવાલોમાં તેહરાન, કોમ અને લોરેસ્તાન પ્રાંતના ખોર્રમાબાદ એરપોર્ટ સહિત અન્ય કેટલાક સ્થળો પર વિસ્ફોટોનો ઉલ્લેખ છે. આ સાથે અગાઉ હમદાનના એક રહેણાંક વિસ્તાર પર થયેલા હુમલાની માહિતી પણ આપવામાં આવી છે.

ત્રણ પુલો પર હુમલો

ઈરાનના ત્રણ પુલો પર હુમલો કરવામાં આવ્યો છે. તબરેઝ-ઝાંઝન હાઈવે પર બનેલા એક બ્રિજને ઉડાવી દેવામાં આવ્યો છે. આ હાઈવે ઉત્તર-પશ્ચિમ ઈરાનમાં આવેલો છે. ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNA એ એક અધિકારીના હવાલેથી જણાવ્યું છે કે કાશાનમાં એક રેલવે બ્રિજ પર થયેલા હુમલામાં બે લોકોના મોત થયા છે. કોમ પ્રાંતના રાજકીય-સુરક્ષા બાબતોના ડેપ્યુટી ગવર્નરે જણાવ્યું હતું કે, પ્રાંતના પશ્ચિમ ભાગમાં કોમ શહેરની બહારના ભાગને જોડતા પુલો પૈકીના એકને અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં નિશાન બનાવવામાં આવ્યો હતો.

ઈઝરાયલે રેલવે બ્રિજ ઉડાવ્યો, બેના મોત

ઈઝરાયલે મધ્ય ઈરાનના કાશાનમાં એક રેલવે બ્રિજને નિશાન બનાવ્યો છે. ઈરાનની મેહર ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, કાશાન શહેરના યાહ્યા આબાદ રેલવે બ્રિજ પર થયેલા આ હુમલામાં બે લોકોના મોત થયા છે. ઈસ્ફહાનના ડેપ્યુટી ગવર્નરે પણ આ હુમલામાં જાનહાનિની ​​પુષ્ટિ કરી છે.

આર્થિક કમર તોડવાની તૈયારી?

ઈરાનની અર્થવ્યવસ્થા માટે કરોડરજ્જુ સમાન ગણાતા ખાર્ગ ટાપુ પર થયેલા આ હુમલાઓમાં રડાર સ્ટેશન, મિલિટરી બેઝ અને ડોકિંગ ફેસિલિટીને નિશાન બનાવવામાં આવી છે. જાણકારી મુજબ, આ હુમલો ઈઝરાયલ અને અમેરિકાએ સાથે મળીને કર્યો છે. IRGCએ સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા ‘રેડ લાઇન’ ઓળંગશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

IRGCની ચેતવણી, તેલ અને ગેસ સંકટ સર્જાશે

ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ ખાર્ગ ટાપુ પર થયેલા હુમલા બાદ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે હવે અમારો સંયમ ખતમ થઈ ગયો છે. IRGCએ ચેતવણી આપી છે કે જો આ રીતે હુમલા ચાલુ રહેશે તો અમેરિકા અને તેના સાથી દેશોના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવામાં આવી શકે છે. આનાથી આ ક્ષેત્રમાં વર્ષો સુધી તેલ અને ગેસના પુરવઠામાં મોટું સંકટ ઉભું થઈ શકે છે.

ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સ બાદ એક્શન

મહત્વનું છે કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે એક દિવસ પહેલા જ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરીને ઈરાનમાં ફસાયેલા અમેરિકન એરમેનના રેસ્ક્યૂ ઓપરેશનની વિગતવાર માહિતી આપી હતી. ઈરાન યુદ્ધને હવે છ અઠવાડિયાનો સમય વીતી ગયો છે. અગાઉ ગયા મહિને પણ અમેરિકાએ ખાર્ગ ટાપુ પર હુમલો કરીને ઈરાની સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હતા. તે સમયે નૌસેનાના માઈન સ્ટોરેજ અને મિસાઈલ બંકરો નાશ પામ્યા હતા, જો કે તેલના ડેપોને નુકસાન થયું ન હતું.

આ સમાચાર શેર કરો