મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ઈસ્લામાબાદની શાંતિ મંત્રણા ફરી નિષ્ફળ, ઈરાની વિદેશ મંત્રી વાતચીત કર્યા વગર જ પરત ફર્યા, અમેરિકાએ પણ પ્રવાસ કર્યો રદ

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને તણાવ વચ્ચે શનિવારે આશાનું એક ન

ઈસ્લામાબાદની શાંતિ મંત્રણા ફરી નિષ્ફળ, ઈરાની વિદેશ મંત્રી વાતચીત કર્યા વગર જ પરત ફર્યા, અમેરિકાએ પણ પ્રવાસ કર્યો રદ
આ સમાચાર સાંભળો

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને તણાવ વચ્ચે શનિવારે આશાનું એક નવું કિરણ ઉભરી આવ્યું હતું. જો કે, હવે તે આશા ઠગારી નીવડી છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી એક પ્રતિનિધિમંડળ સાથે, પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ આવ્યા હતા. પાકિસ્તાન બંને દેશો વચ્ચે મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવવા માટે તૈયાર હતું. જોકે, ઈરાની પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદમાં કોઈપણ અમેરિકન પ્રતિનિધિઓને મળ્યા વિના પાકિસ્તાનથી રવાના થઈ ગયું છે. પરિણામે, યુએસ પ્રતિનિધિમંડળે હવે પાકિસ્તાનની તેની આયોજિત મુલાકાત રદ કરવાની જાહેરાત કરી છે.

અરાઘચીએ પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડાર તેમજ આર્મી ચીફ જનરલ અસીમ મુનીર પણ હાજર હતા. આ બેઠક બાદ, તેહરાનથી પ્રતિનિધિમંડળ પાકિસ્તાનથી ઓમાન જવા રવાના થયું છે.

ઈરાનનો ઇનકાર અને ટ્રમ્પનો દાવો

ઈરાનના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું છે કે, તેમના અધિકારીઓ અમેરિકી પ્રતિનિધિઓને મળશે નહીં. ઈરાન પોતાની વાત મધ્યસ્થી પાકિસ્તાન મારફતે જ અમેરિકા સુધી પહોંચાડશે. બીજી તરફ, ટ્રમ્પે મીડિયાને જણાવ્યું હતું કે, ઈરાન એક ઓફર આપવાની તૈયારીમાં છે, જે અમેરિકાની શરતોને સંતોષી શકે, જોકે તે ઓફર શું છે તેની વિગતો હજુ જાહેર થઈ નથી. અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે પણ ઈરાનને ચેતવણી ભર્યા સૂરે કહ્યું છે કે, "ઈરાન પાસે સમજદારીપૂર્વક પસંદગી કરવાની તક છે. તેમણે માત્ર પ્રમાણિત કરી શકાય તે રીતે પરમાણુ હથિયારોનો ત્યાગ કરવાનો રહેશે."

વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો

આ સંઘર્ષ હવે નવમા સપ્તાહમાં પ્રવેશ્યો છે, જેના કારણે વિશ્વભરમાં મોંઘવારીનો આંકડો વધી રહ્યો છે.  શાંતિ મંત્રણામાં અનિશ્ચિતતાને કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં આ સપ્તાહે 16% નો ઉછાળો જોવા મળ્યો છે. વિશ્વના કુલ તેલ પુરવઠાનો પાંચમો ભાગ જ્યાંથી પસાર થાય છે તે હોર્મુઝ રૂટ લગભગ ઠપ્પ છે. યુદ્ધ પહેલા અહીંથી રોજની 130 શિપ પસાર થતી હતી, જે હવે ઘટીને માત્ર 5 પર પહોંચી ગઈ છે.

યુદ્ધની વર્તમાન સ્થિતિ

વ્હાઇટ હાઉસની દરમિયાનગીરીથી ઇઝરાયલ અને લેબનોન વચ્ચે યુદ્ધવિરામ 3 અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યો છે. તેમ છતાં દક્ષિણ લેબનોનમાં છૂટાછવાઈ હિંસા ચાલુ છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે લેબનોનમાં સંપૂર્ણ યુદ્ધવિરામ એ મંત્રણા માટેની પ્રથમ શરત છે. 

આ સમાચાર શેર કરો