અમેરિકામાં ગુજરાતી મહિલાની ગોળી મારી હત્યા કરનાર 21 વર્ષીય આરોપી ઝડપાયો, હુમલાનું કારણ સામે આવ્યું
અમેરિકાના સાઉથ કેરોલીનામાં ગુજરાતી મહિલા કિરણ પટેલની હત્યાની ઘટનામાં 21 વર્ષના શંકાસ્પદની ધરપકડ

અમેરિકાના સાઉથ કેરોલીનામાં ગુજરાતી મહિલા કિરણ પટેલની હત્યાની ઘટનામાં 21 વર્ષના શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ જાયેદાન મૈક હિલ છે. મહત્ત્વપૂર્ણ છે કે 16 સપ્ટેમ્બરે કિરણ પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આરોપીએ એક દિવસમાં જ બે લોકોને ગોળી મારી હતી.
પોલીસે જણાવ્યું કે 16 સપ્ટેમ્બરે સાઉથ માઉન્ટેન સ્ટ્રીટમાં એક શખ્સ પર ગોળી ચલાવવામાં આવી હતી.રિપોર્ટ અનુસાર તે દિવસે આરોપી કિરણ પટેલ પર પણ હુમલો કર્યો હતો. તે એક ફૂડ માર્ટની પાર્કિંગમાં હતી. જાણકારી અનુસાર તે ગેસ સ્ટેશનની મેનેજર હતી અને હુમલા સમયે કેશ ગણતી હતી. આરોપી કેશ લૂંટવાના ઇરાદે આવ્યો હતો. કિરણ પટેલે તેના પર પ્લાસ્ટિકની કોઇ વસ્તુ ફેકી હતી અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. કિરણ પટેલ પાર્કિંગ તરફ જતી હતી ત્યારે જ આરોપીએ ગોળી મારી હતી. તે જમીન પર પડી ગઇ અને મોત થયું હતું.
પોલીસે ઘટનાની તપાસ શરૂ કરતા જ આસાનીથી આરોપી હિલની ઓળખ કરી લીધી હતી. તે બાદ પોલીસ સાઉથ ચર્ચ સ્ટ્રીટમાં તેના ઘર સુધી પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. હત્યાના આરોપમાં તેને જેલમાં મોકલવામાં આવ્યો છે.
મહત્ત્વપૂર્ણ છે કે અમેરિકામાં ભારતીયોની હત્યાની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. આ પહેલા એક ભારતીય હોટલ મેનેજરનું માથુ કાપીને હત્યા કરવામાં આવી હતી.તે પહેલા અમેરિકામાં જ એક ભારતીય એન્જિનિયરનું પોલીસની ગોળી લાગતા મોત થયું હતું.






