લંડનમાં 1 લાખથી વધુ એન્ટી-ઈમિગ્રેશન દેખાવકારોનું ઉગ્ર પ્રદર્શન, પોલીસકર્મીઓ પર હુમલો
પહેલા નેપાળ પછી ફ્રાન્સ અને હવે બ્રિટનમાં લંડનના માર્ગો પર લાખો નાગરિકો એકસાથે મા

પહેલા નેપાળ પછી ફ્રાન્સ અને હવે બ્રિટનમાં લંડનના માર્ગો પર લાખો નાગરિકો એકસાથે માર્ગો પર ઊતરી આવીને દેખાવો કરવા લાગ્યા છે. તાજેતરના ઇતિહાસમાં જમણેરી સંગઠનોના આ સૌથી મોટા દેખાવ છે. ઇમિગ્રેશન વિરોધી કાર્યકર્તા ટોમી રોબિન્સનના નેતૃત્વમાં લગભગ 1.10 લાખ વિરોધીઓ રસ્તા પર ઉતર્યા હતા.
પોલીસ પર હુમલો
આ દરમિયાન પોલીસ અધિકારીઓ પર હુમલાના અહેવાલો પણ પ્રકાશમાં આવ્યા હતા. આ રેલીનું આયોજન યુનાઈટ ધ કિંગડમ માર્ચના નામે કરવામાં આવ્યું હતું. તેના જવાબમાં સ્ટેન્ડ અપ ટુ રેસિઝમ નામની કાઉન્ટર પ્રોટેસ્ટ પણ યોજાઈ હતી. જેમાં લગભગ 5,000 લોકોએ ભાગ લીધો હતો.
બંને જૂથને રોકવા પોલીસે ભારે મથામણ કરી
બંને જૂથો સામસામે ન આવે તે માટે મેટ્રોપોલિટન પોલીસે ઘણી વખત હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે કેટલાક દેખાવકારોએ સુરક્ષા ઘેરા તોડીને પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ઘણા પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા હતા અને માઉન્ટેડ સ્ક્વોડ પણ તૈનાત કરવામાં આવ્યા હતા.
શું કોઈ કાવતરું છે આ દેખાવો?
શનિવારે લંડનમાં અનેક મોટી ફૂટબોલ મેચો અને કોન્સર્ટ યોજાયા હતા અને પોલીસે 1,600થી વધુ અધિકારીઓને તૈનાત કર્યા હતા. અન્ય શહેરોમાંથી 500 અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. દેખાવકારોએ યુનિયન ફ્લેગ અને સેન્ટ જ્યોર્જ ક્રોસના ધ્વજ લહેરાવ્યા હતા. કેટલાકે અમેરિકન અને ઇઝરાયલી ધ્વજ પણ હાથમાં રાખ્યા હતા. "મેક અમેરિકા ગ્રેટ અગેઇન" કેપ્સ પહેરેલા ઘણા લોકો વડાપ્રધાન કીર સ્ટાર્મર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. ઘણા પોસ્ટરો પર લખ્યું હતું - "તેમને ઘરે મોકલો".








