ડિંગુચાના પરિવારને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર આરોપી ફેનિલ પટેલ ઝડપાયો, માનવતસ્કરીનો લાગી ચુક્યો છે આરોપ
ત્રણ વર્ષ પહેલા ગુજરાતના ડિંગુચાનો પટેલ પરિવાર કેનેડાની સરહદેથી ગેરકાયદે

ત્રણ વર્ષ પહેલા ગુજરાતના ડિંગુચાનો પટેલ પરિવાર કેનેડાની સરહદેથી ગેરકાયદે અમેરિકામાં બોર્ડર પાર કરવા જતા ઠંડીમાં ઠૂંઠવાઇને મૃત્યુ પામ્યું હતું.હવે આ પરિવારને સરહદ પાર કરાવનાર આરોપી ફેનિલ પટેલની ધરપકડ કરવામાં આવી છે.
માનવ તસ્કરીના આ કેસમાં આ પહેલા ગુજરાતી મૂળના કથિત રિંગ લીડર હર્ષકુમાર રમણલાલ પટેલ તેમજ ડ્રાઇવર સ્ટીવ એન્થની શેન્ડની ટ્રાયલ દરમિયાન ફેનિલ પટેલનું નામ સામે આવ્યું હતું. હવે કેનેડિયન પોલીસે ફેનિલ પટેલની ધરપકડ કરી છે.
અમેરિકામાં લોકોને ગેરકાયદે ઘુસાડવાનો કરતા હતા પ્રયાસ
ગુજરાતી મૂળનો અમેરિકન તથા ડર્ટી હેરીના નામથી જાણીતા હર્ષ પટેલ ભારતથી લોકોને સ્ટુડન્ટ વિઝા પર કેનેડા લાવતા હતા અને પછી ત્યાંથી અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસણખોરી કરાવતા હતા. આમ તેઓ ભારતીયોને કેનેડા લાવે ત્યાં સુધીની બધી જ પ્રક્રિયા કાયદેસરની રહેતી હતી. કેનેડાથી અમેરિકા જ ગેરકાયદે ઘૂસણખોરી કરવામાં આવતી હતી. હર્ષ પટેલના માનવ તસ્કરીના આ કાવતરાનો ભોગ ગુજરાતના ડીંગુચાના 39 વર્ષીય જગદીશ પટેલ 35 વર્ષીય પત્ની વૈશાલી પટેલ, 11 વર્ષની પુત્રી વિહંગી અને ત્રણ વર્ષનો પુત્ર ધાર્મિક બન્યા હતા. આ તમામના ઠંડીથી ઠૂંઠવાઈને મોત થયા હતા.
રોયલ કેનેડિયન પોલીસને 19 જાન્યુઆરી 2022ના રોજ મેનિટોબા અને મિનેસોટા વચ્ચે તેમના થીજી ગયેલા મૃતદેહ મળ્યા હતા. આ દંપતિ શાળામાં શિક્ષક તરીકે કામ કરતું હતું. બીજા ગામવાસીઓની જેમ તે પણ સારા જીવનની તલાશમાં વિદેશ જવા નીકળ્યા હતા, પરંતુ તેમને અધવચ્ચે જ મૃત્યુ મળ્યું. વકીલ માઇકલ મેકબ્રાઈટે તેની નોંધમાં જણાવ્યું હતું કે, ધાર્મિકના ચહેરાને કાતિલ બરફીલા પવનથી બચાવવા જતાં જગદીશભાઈનું મોત થયું હતું. વિહંગીએ નાના બાળક માટે કાતિલ ઠંડીનો સામનો કરવા માટે અપૂરતા કહી શકાય તેવા બૂટ અને ગ્લોવ્સ પહેર્યા હતા. જ્યારે માતા વૈશાલી વાડ પર મૃત્યુ પામેલી સ્થિતિમાં મળી આવી હતી, તે ચોક્કસપણે ઠંડીથી બચવા ત્યાં ગઈ હશે. આ સમયે નજીકનું વેધર સ્ટેશન -38 ડિગ્રી તાપમાન બતાવતું હતું.








