મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ગાઝામાં ભૂખમરાની સ્થિતિ વચ્ચે ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ પણ ઝુંકવુ પડ્યું

ગાઝા પર ઈઝરાયેલના સતત 21 મહિનાથી ચાલી રહેલા હવાઈ અને જમીની હુમલાઓના

ગાઝામાં ભૂખમરાની સ્થિતિ વચ્ચે ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ પણ ઝુંકવુ પડ્યું

ગાઝા પર ઈઝરાયેલના સતત 21 મહિનાથી ચાલી રહેલા હવાઈ અને જમીની હુમલાઓના પગલે સ્થાનિક લોકોમાં ભૂખમરા જેવી સ્થિતિ સર્જાઈ છે. આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સહિત સમગ્ર વિશ્વમાં ભારે હોબાળો મચ્યો છે ત્યારે દુનિયાના દબાણ સામે ઝુકી જતાં આખરે ઈઝરાયેલે ગાઝા પટ્ટીની અત્યંત ગીચ વસ્તીવાળા 3 વિસ્તારોમાં દૈનિક 10 કલાકના રણનીતિક વિરામની જાહેરાત કરી છે. બીજીબાજુ આ જાહેરાત છતાં ગાઝામાં ઈઝરાયેલના હવાઈ હુમલા અને ગોળીબારમાં 53 લોકો માર્યા ગયા છે.

ઈઝરાયલે ગાઝાના અમુક વિસ્તારોને યુદ્ધમાં આપ્યો ટેક્ટિકલ વિરામ

ઈઝરાયેલ સૈન્યે જણાવ્યું કે, તેનો આગામી આદેશ ના થાય ત્યાં સુધી ગાઝામાં હવે દરરોજ સવારે 10થી રાતે 8 વાગ્યા સુધી અલ-માવાસી, ડેર અલ-બલાહ અને ગાઝા સિટી જેવા ગીચવસ્તીવાળા વિસ્તારોમાં ટેકટિકલ વિરામ લાગુ કરાશે.ગાઝામાં માનવીય સહાયતા વધારવાના આશયથી આ પગલું લેવાયું છે. IDFએ કહ્યું કે, રાજકીય નેતૃત્વના નિર્દેશો મુજબ અને COGAT દ્વારા સંચાલિત માનવીય પ્રયાસો હેઠળ આ નિર્ણય લેવાયો છે. જેમાં ખાદ્ય ચીજ-વસ્તુઓના ટ્રકને અને વાહનોને પરવાનગી આપવામાં આવશે.

આ નિર્ણય સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સંકલન કરીને લેવાયો છે. ગાઝાના લોકો સુધી માનવીય સહાય પહોંચાડવા માટે સુરક્ષિત રસ્તા બનાવાશે, જે સવારે 6થી રાતે 11 સુધી ખુલ્લા રહેશે. આ રસ્તે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય માનવીય સંસ્થાઓ ગાઝામાં ખાદ્ય સામગ્રી, દવા, ઈંધણ જેવી વસ્તુઓ લઈ જઈ શકશે.

રાહત આપી પરંતુ સૈન્ય અભિયાનો અટકાશે નહીં: ઈઝરાયેલ

ઈઝરાયેલના સૈન્યે સ્પષ્ટ કર્યું છે કે, આ માનવીય રાહત છતાં તેના સૈન્ય અભિયાનો અટકાશે નહીં. આતંકી સંગઠનો વિરુદ્ધ તેના અભિયાનો ચાલુ જ રહેશે અને જરૂર પડશે તો માનવીય મદદનો વિસ્તાર વધારવામાં આવશે. જોકે, આ ટેક્ટિકલ વિરામ અંગે ઈઝરાયેલ કેટલું ગંભીર છે તે એ બાબત પરથી ખ્યાલ આવે છે કે વિરામ જાહેર કર્યાના થોડા જ કલાકો પછી ઈઝરાયેલના સૈન્યે ગાઝા સિટીમાં એક એપાર્ટમેન્ટ પર હવાઈ હુમલો કર્યો હતો, જેમાં એક મહિલા અને ચાર બાળકોના મોત નીપજ્યાં હતાં. પૂર્વીય ઝાયટોનમાં અન્ય એક હવાઈ હુમલામાં એક બાળક, તેની માતા અને દાદી સહિત ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. ઈઝરાયેલ સૈન્યે આ હુમલાઓ અંગે કોઈ પણ જાતની ટીપ્પણી કરવાનું ટાળ્યું હતું.

હમાસ સાથે યુદ્ધ શરૂ થયા પછી ઈઝરાયેલે ગાઝામાં માનવીય સહાયો અટકાવી દીધી છે, જેના કારણે દુનિયાના સૌથી ગીચ વસતીવાળા વિસ્તારમાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ છે. ખાદ્ય નિષ્ણાતો અનેક મહિનાઓથી આ બાબતે ગંભીર ચેતવણી આપી રહ્યા છે. સૈન્ય નિયંત્રણો હળવા કરવાના ભાગરૂપે ઈઝરાયેલના સૈન્યે કહ્યું કે, તે પેલેસ્ટાઈનના લોકોને નાગરિક સહાય પૂરી પાડવા માટે સુરક્ષિત માર્ગ બનાવશે. ઉપરાંત ગાઝામાં હવાઈ માર્ગે પણ માનવીય સહાય પૂરી પાડી શકાશે, જેમાં ઘઉંનો લોટ, ખાંડ અને ડબ્બા બંધ ફૂડના પેકેજ હવામાંથી ડ્રોપ કરી શકાશે.

આ સમાચાર શેર કરો