મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

'ગ્રીનલેન્ડ યુરોપની સુરક્ષા અને અખંડિતતાનો મહત્ત્વનો ભાગ' , EUના ડિફેન્સ ચીફની અમેરિકાને સખ્ત ચેતવણી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડને ખરીદવા અથવા તેના પર કબજો કરવાની ચર્ચાઓએ

'ગ્રીનલેન્ડ યુરોપની સુરક્ષા અને અખંડિતતાનો મહત્ત્વનો ભાગ' , EUના ડિફેન્સ ચીફની અમેરિકાને સખ્ત ચેતવણી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડને ખરીદવા અથવા તેના પર કબજો કરવાની ચર્ચાઓએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. આ મામલે હવે યુરોપિયન યુનિયન (EU) ના ડિફેન્સ ચીફે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો અમેરિકા ગ્રીનલેન્ડ પર કબજો કરવાનો પ્રયાસ કરશે, તો તે NATO અને ટ્રાન્સ-એટલાન્ટિક જોડાણનો અંત થઇ શકે છે.

શું છે સમગ્ર વિવાદ?

તાજેતરના અહેવાલો મુજબ, યુરોપિયન યુનિયનના ટોચના સંરક્ષણ અધિકારીએ જણાવ્યું છે કે ગ્રીનલેન્ડ એ માત્ર એક જમીનનો ટુકડો નથી, પરંતુ યુરોપની સુરક્ષા અને અખંડિતતાનો મહત્ત્વનો ભાગ છે. જો અમેરિકા ગ્રીનલેન્ડની સાર્વભૌમત્વ પર તરાપ મારશે, તો તે યુરોપિયન દેશો અને અમેરિકા વચ્ચેના દાયકાઓ જૂના સૈન્ય સંબંધોનો તાત્કાલિક ધોરણે જ અંત આવશે. 

NATO માટે જોખમ 

NATO (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન) માં અમેરિકા અને યુરોપના દેશો એકબીજાની સુરક્ષા માટે એક સંગઠન તરીકે કામ કરે છે. જો કે, ગ્રીનલેન્ડ જે ડેનમાર્કનો સ્વાયત્ત હિસ્સો છે, તેના પર અમેરિકાની નજર છે. યુરોપિયન દેશો અમેરિકાની આ ચેષ્ટાને કારણે અસહજ અનુભવી રહ્યા છે. સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે, આ પ્રકારનું પગલું NATO ના પાયા હચમચાવી નાખશે.
 
કેમ ગ્રીનલેન્ડ પર છે અમેરિકાની નજર?

વ્યૂહાત્મક સ્થાન: ગ્રીનલેન્ડ આર્કટિક ક્ષેત્રમાં આવેલું છે, જે રશિયા અને ચીન સામે સૈન્ય નજર રાખવા માટે ખૂબ જ મહત્ત્વનું છે.
કુદરતી સંસાધનો: અહીં મોટા પ્રમાણમાં તેલ, ગેસ અને દુર્લભ ખનિજો (Rare Earth Minerals) હોવાની શક્યતા છે.
સુરક્ષા: અમેરિકા અહીં પોતાનો મજબૂત સૈન્ય બેઝ સ્થાપવા માંગે છે જેથી ઉત્તર ગોળાર્ધમાં તેની પકડ મજબૂત રહે.

ડેનમાર્કે પહેલાથી જ સ્થિતિ સ્પષ્ટ કરી

ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ અંગેનું વલણ ડેનમાર્ક સરકારે આ અગાઉ પણ સ્પષ્ટ કર્યું છે કે ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી. ગ્રીનલેન્ડના સ્થાનિક નેતાઓએ પણ અમેરિકાના આ પ્રસ્તાવને તર્કહીન ગણાવી ચૂક્યાં છે. જો કે ટ્રમ્પ એરામાં અમેરિકા કંઇપણ પગલું ભરી શકે તેવી સ્થિતિને જોતા યુરોપિયન દેશો પહેલાથી જ ચોક્કસ છે. અમેરિકાની અણઘડ ટેરિફ નીતિના કારણે યુરોપિયન દેશો પહેલાથી જ પરેશાન છે તેવામાં ગ્રીનલેન્ડનો મામલો બળતામાં ઘી હોમવાનું કામ કરી શકે છે.

યુરોપિયન સંરક્ષણ વડાએ ચેતવણી આપી છે કે, જો ટ્રમ્પ પ્રશાસન ગ્રીનલેન્ડ મામલે આક્રમક વલણ અપનાવશે, તો વિશ્વના બે સૌથી મોટા સૈન્ય સાથીઓ (અમેરિકા અને યુરોપ) વચ્ચે મોટી તિરાડ પડી શકે છે. નાટોનો પણ અંત આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ પહેલા જ નાટોને સૈન્ય મદદ અને ફંડ જેવા મામલે યુરોપિયન દેશોને અસહજ કરી ચૂક્યાં છે.

આ સમાચાર શેર કરો