મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

'ડાર્ક પ્રિન્સ' તારિકની બાંગ્લાદેશમાં હાજરી, ભારત માટે નવા રાજકીય સમીકરણોની શક્યતા

બાંગ્લાદેશના રાજકારણના શક્તિશાળી નેતા અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્

'ડાર્ક પ્રિન્સ' તારિકની બાંગ્લાદેશમાં હાજરી, ભારત માટે નવા રાજકીય સમીકરણોની શક્યતા

બાંગ્લાદેશના રાજકારણના શક્તિશાળી નેતા અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન આજે (25મી ડિસેમ્બર) લંડનથી ઢાકા પરત ફર્યાં છે. 17 વર્ષના લાંબા દેશનિકાલ બાદ તેમની આ વાપસી એવા સમયે થઈ છે જ્યારે બાંગ્લાદેશ ફેબ્રુઆરી 2026માં યોજાનારી સામાન્ય ચૂંટણીઓની તૈયારી કરી રહ્યું છે. તારિકની હાજરીથી વચગાળાની મોહમ્મદ યુનુસ સરકાર અને પડોશી દેશ ભારત માટે નવા રાજકીય સમીકરણો રચાય તેવી શક્યતા છે.

એરપોર્ટ પર ‘લોખંડી’ સુરક્ષા અને બુલેટપ્રૂફ કવચ

અહેવાલો અનુસાર, તારિક રહેમાનના આગમન માટે ઢાકાના હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. સુરક્ષાના કારણોસર એરપોર્ટ પર સામાન્ય લોકોના પ્રવેશ પર સાંજે 6 વાગ્યા સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. યુનુસ સરકારે તારિક રહેમાનને VIP સુરક્ષા (SSF) પૂરી પાડી છે. એરપોર્ટ પર SWAT ટીમો તહેનાત કરાઈ હતી અને તેમના માટે ખાસ બુલેટપ્રૂફ વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

એરપોર્ટની બહાર BNPના લાખો કાર્યકરો તેમના નેતાના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા, જેને પક્ષના શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવે છે.

કોણ છે તારિક રહેમાન?

તારિક રહેમાન BNPના સ્થાપક અને પૂર્વ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાન તથા ખાલિદા ઝિયાના મોટા પુત્ર છે. વર્ષમાં 2008માં ભ્રષ્ટાચારના અનેક આરોપો અને હસીના સરકારના દબાણ વચ્ચે તેઓ તબીબી સારવારના બહાને લંડન ગયા હતા અને ત્યારથી ત્યાં જ હતા. શેખ હસીનાના સત્તા પલટા બાદ બાંગ્લાદેશની અદાલતોએ તેને મોટાભાગના કેસોમાં નિર્દોષ જાહેર કર્યા છે, જેનાથી તેમની રાજકીય વાપસીનો માર્ગ મોકળો થયો છે.

ડાર્ક પ્રિન્સ કેમ કહેવાય છે? 

તારિક રહેમાન ભૂતપૂર્વ પ્રમુખ ઝિયાઉર રહેમાનના પુત્ર છે અને 2008 થી લંડનમાં રહે છે. શેખ હસીનાના શાસન દરમિયાન તેને અનેક કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જેને બીએનપી રાજકીય કાવતરું ગણાવે છે. 2007 માં ભ્રષ્ટાચારના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની અટકાયત દરમિયાન ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ અને ત્રાસના આરોપોનો સામનો કરવો પડ્યો હતો. 2008માં તેને જામીન આપવામાં આવ્યા હતા અને સારવાર માટે લંડન જવાની મંજૂરી આપવામાં આવી હતી, ત્યારથી તે ત્યાં રહે છે. 2004માં ઢાકા ગ્રેનેડ હુમલા કેસમાં પણ તેમની ગેરહાજરીમાં સજા ફટકારવામાં આવી હતી, જેમાં 24 લોકો માર્યા ગયા હતા, જ્યારે શેખ હસીના માંડ માંડ બચી ગયા હતા. 2008 માં, ઢાકા ટ્રિબ્યુન દ્વારા 2001 થી 2006 દરમિયાન બીએનપી શાસન દરમિયાન ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જેમાં તેમને "ડાર્ક પ્રિન્સ" કહેવામાં આવ્યા હતા. જો કે, છેલ્લા વર્ષમાં, અદાલતોએ તેમને તમામ મોટા કેસોમાં નિર્દોષ જાહેર કર્યા છે.

યુનુસ સરકાર અને ભારત પર શું અસર પડશે?

ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ યુનુસે તારિકની વાપસી માટે માર્ગ મોકળો કર્યો છે, પરંતુ BNP હવે વહેલી ચૂંટણી અને સત્તાના હસ્તાંતરણ માટે દબાણ વધારી શકે છે. તારિક રહેમાનને પરંપરાગત રીતે 'ભારત વિરોધી' અને 'પાકિસ્તાન તરફી' ઝુકાવ ધરાવતા નેતા માનવામાં આવે છે. તેમની વાપસીથી ભારત-બાંગ્લાદેશના વ્યૂહાત્મક સંબંધોમાં નવા વળાંકો આવી શકે છે. 12મી ફેબ્રુઆરી 2026ના રોજ યોજાનારી ચૂંટણીમાં તારિક રહેમાન વડાપ્રધાન પદના સૌથી પ્રબળ દાવેદાર તરીકે ઉભરી રહ્યા છે.

તારિક રહેમાન ઢાકા પહોંચ્યા બાદ સીધા જ હોસ્પિટલ જશે જ્યાં તેમની માતા ખાલિદા ઝિયા વેન્ટિલેટર પર છે. ત્યારબાદ તેઓ પક્ષના કાર્યકરોને સંબોધિત કરી શકે છે અને 27 ડિસેમ્બર ના રોજ પોતાનું મતદાર તરીકે રજીસ્ટ્રેશન કરાવશે.

આ સમાચાર શેર કરો