મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ચીનમાં હડકંપ: ટોચના રાજદ્વારી લિયુ જિયાનચાઓની અટકાયત, વિદેશ પ્રધાન બનવાની હતી અટકળો

ચીનના રાજકીય અને રાજદ્વારી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. દેશના ટોચના રા

ચીનમાં હડકંપ: ટોચના રાજદ્વારી લિયુ જિયાનચાઓની અટકાયત, વિદેશ પ્રધાન બનવાની હતી અટકળો

ચીનના રાજકીય અને રાજદ્વારી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. દેશના ટોચના રાજદ્વારી લિયુ જિયાનચાઓની અટકાયત કરવામાં આવી છે. લિયુ જિયાનચાઓ, જેઓ ચીનના આંતરરાષ્ટ્રીય સંબંધોના મહત્ત્વના ચહેરા તરીકે ઓળખાય છે, તેમના વિદેશ પ્રધાન બનવાની અટકળો ચાલી રહી હતી. પરંતુ આ અચાનક ઘટનાએ તેમની રાજકીય કારકિર્દી અને ચીનના રાજદ્વારી નેતૃત્વ પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે.

રિપોર્ટ અનુસાર, જુલાઈના અંતમાં વિદેશ પ્રવાસથી બેઇજિંગ પરત ફર્યા બાદ 61 વર્ષીય લિયુની અટકાયત કરવામાં આવી હતી. આ માહિતી કેસ સાથે સંકળાયેલા લોકોના હવાલાથી આપવામાં આવી છે.

અટકાયતના કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી

લિયુ જિયાનચાઓ ચીનના કોમ્યુનિસ્ટ પાર્ટીના આંતરરાષ્ટ્રીય સંપર્ક વિભાગના વડા તરીકે કામ કરી રહ્યા હતા. 2022 માં આ જવાબદારી સંભાળ્યા પછી, તેમણે 20 થી વધુ દેશોની મુલાકાત લીધી છે અને 160 થી વધુ દેશોના અધિકારીઓને મળ્યા છે. તેમની નીતિઓ તેમજ વૈશ્વિક સ્તરે તેમની સક્રિય ભૂમિકાને કારણે તેઓ ચીનના આગામી વિદેશ પ્રધાન તરીકેના મજબૂત દાવેદાર મનાતા હતા. તેમની અટકાયતના કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી, પરંતુ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ ઘટના ચીનની આંતરિક રાજનીતિમાં ચાલી રહેલા શક્તિ સંઘર્ષનું પરિણામ હોઈ શકે છે.

હકીકતમાં, લિયુના વ્યસ્ત વિદેશ પ્રવાસો અને ખાસ કરીને વોશિંગ્ટનમાં ભૂતપૂર્વ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટોની બ્લિંકન સાથેની તેમની મુલાકાતોએ એવી અટકળોને વેગ આપ્યો હતો કે વિદેશ મંત્રાલયના ભૂતપૂર્વ પ્રવક્તા લિયુને આગામી વિદેશ પ્રધાન બનાવવાની તૈયારીઓ થઈ રહી છે. લિયુની અટકાયતને અત્યાર સુધીની ઉચ્ચતમ સ્તરની રાજદ્વારી તપાસ તરીકે જોવામાં આવી રહી છે.

2023 ની શરૂઆતમાં, ચીને રાષ્ટ્રપતિ શી જિનપિંગના નજીકના ગણાતા કિન ગેંગને વિદેશ પ્રધાન પદ પરથી દૂર કર્યા હતા. તે સમયે કિન ગેંગ વિશે લગ્નેત્તર સંબંધોની અફવાઓ ફેલાઈ હતી.

ચીનના ઉત્તરપૂર્વીય પ્રાંત જિલિનમાં જન્મેલા, લિયુ જિયાનચાઓએ બેઇજિંગ ફોરેન સ્ટડીઝ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં સ્નાતક થયા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે વિદેશ મંત્રાલયમાં અનુવાદક તરીકે પોતાનું પહેલું પદ સંભાળ્યું.

લિયુએ બ્રિટનમાં ચીની મિશનમાં અને બાદમાં ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સમાં રાજદૂત તરીકે સેવા આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા તરીકે, તેઓ તેમના સ્પષ્ટ અને ક્યારેક રમૂજી જવાબો માટે જાણીતા હતા અને તેમને ચીની હિતોના મજબૂત હિમાયતી પણ માનવામાં આવતા હતા.

આ ઘટનાએ ચીનની આંતરિક અને બાહ્ય રાજનીતિમાં નવો વળાંક લાવ્યો છે, અને આગામી દિવસોમાં આ મામલે વધુ માહિતી મળવાની શક્યતા છે. લિયુ જિયાનચાઓની અટકાયતથી ચીનના રાજકીય નેતૃત્વમાં ફેરફારોની શક્યતાઓ પણ ચર્ચામાં આવી છે.

આ સમાચાર શેર કરો