મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

આ દેશોમાં માઈનસ તાપમાનમાં પણ બાળકોને ઘરની બહાર ખુલ્લામાં સુવાડવામાં આવે છે, જાણો કેમ?

Viral Post: ડેનમાર્કના સંગીતકાર અમાલી બ્રુને ઈન્સ્ટાગ્રામ પર તેના ચાર મહિનાના બાળકને આકરી

આ દેશોમાં માઈનસ તાપમાનમાં પણ બાળકોને ઘરની બહાર ખુલ્લામાં સુવાડવામાં આવે છે, જાણો કેમ?

Viral Post: ડેનમાર્કના સંગીતકાર અમાલી બ્રુને ઈન્સ્ટાગ્રામ પર તેના ચાર મહિનાના બાળકને આકરી ઠંડીમાં લઈને પોતે ટહેલતી હોય તેવી પોસ્ટ મુકતાં જ ઈન્ટરનેટ પર ચર્ચા ફાટી નીકળી છે કે આવું કરવું કેટલું યોગ્ય છે. બ્રુને જણાવ્યું હતું કે, 'મારો પુત્ર મટેભાગે બહાર ખુલ્લામાં જ સૂએ છે.' જો કે, નોર્ડિક દેશોમાં જ્યાં આકરી ઠંડી પડે છે ત્યાં બાળકોને બહાર ખુલ્લામાં સૂવડાવવાનો રિવાજ સામાન્ય છે. ત્યાં તો કોઈ રેસ્ટોરાંમાં જવાનું હોય કે નાનું કામ પતાવવું હોય તો સંતાનને ઘરની બહાર પારણાંમાં ખુલ્લુ સૂવાડીને જવાનું વલણ સામાન્ય છે.

ઠંડી તાજી હવામાં રહેવાથી બાળકોને સારી ઊંઘ આવે

ડેન્માર્ક, ફિનલેન્ડ, નોર્વે અને સ્વિડન જેવા નોર્ડિક દેશોમાં આકરી ઠંડીમાં ઘરની બહાર ખુલ્લા આસમાન નીચે બાળકો એકલાં સૂતા હોય તે દૃશ્ય સામાન્ય છે. આ દેશોમાં ઠંડી માઈનસમાં જતી રહે ત્યારે માતા-પિતા તેમના બાળકોને પારણામાં ઘરની બહાર મુકી દે છે. આની પાછળનો તર્ક એ છે કે ઠંડી તાજી હવામાં રહેવાથી બાળકોને સારી ઊંઘ આવે છે. ફિનલેન્ડ અને ડેનમાર્કમાં આ પ્રથા સામાન્ય છે. અહીં તાપમાન માઈનસ સોળ ડિગ્રી સુધી ઘટી જાય ત્યારે માતાપિતા તેમને બહાર સૂવડાવે છે. 

સંતાનોને બહાર ખૂલ્લામાંસુવડાવવા વિષે યુએસમાં જ્યોર્જિયા રાજ્યના શહેર એટલાન્ટા શહેરમાં બાળરોગ નિષ્ણાત ડૉ. જેનિફર શૂએ જણાવ્યું હતું કે 'આ બાળકો પર નજર રાખવી જોઈએ. જો માતા પિતા પાસે ન હોય તો તેમને ખબર નહીં પડે કે તેમના સંતાનો સાથે શું થઈ રહ્યું છે. માતા-પિતાએ બાળકોનું ધ્યાન રાખવું જોઈએ કેમ કે જો ઠંડી વધી જાય અને તેની અસર બાળકો પર પડે તો તેના પર ધ્યાન આપી જરૂરી પગલાં લઈ શકાય. જો કે, નોર્ડિક દેશોમાં બાળકોને બને એટલો સમય ઘરની બહાર ગાળવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે.' 

ડૉ. જેનિફર શૂએના જણાવ્યાનુસાર, ખરાબ મોસમ જેવી કોઈ ચીજ હોતી નથી, માત્ર પહેરેલાં કપડાં ખરાબ હોય છે. નાના બાળકોએ યોગ્ય કપડાં પહેર્યા હોય તો તેમને ગમે તે સમયે ઘરની બહાર જવા દેવામાં આવે છે. ડેનમાર્ક અને સ્વિડનની ઘણી શાળાઓમાં ફોરેસ્ટ સ્કૂલ મોડેલનું પાલન કરવામાં આવે છે. આ મોડેલમાં બહારના વાતાવરણનો ક્લાસ રૂમ તરીકે ઉપયોગ કરવા પર ભાર મુકવામાં આવે છે. આ દેશોના રહેવાસીઓનું માનવું છે કે આખો ઇલાકો એક ઠંડો પ્રદેશ છે જ્યાં આખું વર્ષ બરફવર્ષા જેવો માહોલ હોય છે. આવા માહોલમાં બાળકોને નાની વયથી જ આવા વાતાવરણની ટેવ પાડવા માટે તેમને દરરોજ થોડો સમય બહાર ખુલ્લામાં મુકવા જરૂરી છે.

આ સમાચાર શેર કરો