ભારતમાં રહેલા યહૂદીઓની 2700 વર્ષે થશે ઘર વાપશી, 'બેની મેનાશે' માટે 240 કરોડ ખર્ચશે આ દેશ
ઈઝરાયેલ સરકારે રવિવારે ઐતિહાસિક નિર્ણય લેતાં ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં રહેનારા તમામ 580

ઈઝરાયેલ સરકારે રવિવારે ઐતિહાસિક નિર્ણય લેતાં ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં રહેનારા તમામ 5800 યહુદીઓને ઇઝરાયેલ લઈ જવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યહૂદીઓને સામાન્ય રીતે 'બેની મેનાશે'કહેવામાં આવે છે. આ "અલીયાહ" અર્થાત યહૂદી હિજરતની સૌથી મોટી પહેલોમાંની એક હશે. જે આગામી પાંચ વર્ષમાં પૂરી થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2,700 વર્ષની લાંબી રાહ જોયા બાદ આ સમુદાય પોતાના મૂળ વતનમાં પાછો ફરશે. આ એક એવી ઘટના છે જે બાઈબલની વાર્તાઓથી આધુનિક ભૂરાજનીતિ સુધી ફેલાયેલી છે.
ઇઝરાયલી યહૂદી એજન્સીએ જણાવ્યું હતું કે, સરકારે ઉત્તરપૂર્વીય ભારતમાંથી 'બેની મેનાશે' સમુદાયના સ્થળાંતરને સરળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ, વ્યાપક પહેલને મંજૂરી આપી દીધી છે. આ ઐતિહાસિક નિર્ણયથી 2030 સુધીમાં સમુદાયના આશરે 5,800 સભ્યો ઇઝરાયલમાં આવશે, જેમાંથી 1,200 સભ્યોને 2026 માં આવવા માટેની મંજૂરી આપવામાં આવશે.
આવું પ્રથમવાર હશે જ્યારે યહૂદી એજન્સી પૂર્વ-ઇમિગ્રેશન પ્રક્રિયાનું નેતૃત્વ કરશે. આ યોજનામાં ઇમિગ્રન્ટ્સની ફ્લાઇટ્સ, ધાર્મિક શિક્ષણ, રહેઠાણ, હિબ્રુ પાઠ અને અન્ય ખર્ચાઓને આવરી લેવા માટે ખાસ બજેટની જરૂર પડશે.
યહૂદી રબ્બીઓ લેશે ઈન્ટર વ્યૂ
આ પ્રસ્તાવને ઇઝરાયલના ઇમિગ્રેશન અને ઇન્ટિગ્રેશન મંત્રી ઓફિર સોફરે કેબિનેટ સમક્ષ રજૂ કર્યો હતો. ત્યારબાદ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવી હતી કે રબ્બીઓનું એક મોટું પ્રતિનિધિમંડળ આગામી દિવસોમાં ભારતની મુલાકાત લેશે અને 'બેની મેનાશે' સમુદાયના આશરે 3,000 સભ્યોનો ઇન્ટરવ્યુ લેશે. આ પ્રતિનિધિમંડળ છેલ્લા દસ વર્ષમાં સૌથી મોટું હશે અને તેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ઇમિગ્રેશન પ્રક્રિયા ધાર્મિક અને સાંસ્કૃતિક ધોરણો અનુસાર થાય.
'બેની મેનાશે' કોણ છે
'બેની મેનાશે' સમુદાય મેનાશે જાતિના વંશજો હોવાનો દાવો કરે છે, જે લગભગ 2,700 વર્ષ પહેલાં આશ્શૂર સામ્રાજ્ય દ્વારા દેશનિકાલ કરાયેલા- દસ ખોવાયેલા ઇઝરાયલી જાતિઓમાંની એક માનવામાં આવે છે. ભૂતકાળમાં તેમની યહૂદી ઓળખ વિવાદાસ્પદ રહી છે. 2005 માં, તત્કાલીન સેફાર્ડી ચીફ રબ્બી, શ્લોમો અમરે તેમને "ઇઝરાયલના વંશજો" તરીકે માન્યતા આપી હતી, જે સ્પષ્ટ કરે છે કે તેઓ યહૂદી વારસાનો અભિન્ન ભાગ છે. આ ધાર્મિક માન્યતાએ સત્તાવાર રીતે તેમના ઇઝરાયલમાં સ્થળાંતરનો માર્ગ મોકળો કર્યો હતો.
આજ સુધીમાં, સમુદાયના આશરે 2,500 સભ્યો ઇઝરાયલમાં સ્થાયી થયા છે. સ્થાનિક મીડિયા અહેવાલો એમ પણ જણાવે છે કે આ સમુદાયના ઘણા યુવાનો ઇઝરાયલ સંરક્ષણ દળો (IDF)ના લડાઇ એકમોમાં સક્રિયપણે સેવા આપી રહ્યા છે, જે એક શિસ્તબદ્ધ, સમર્પિત અને સામાજિક રીતે સંકલિત જૂથ તરીકે તેમની પ્રતિષ્ઠાને મજબૂત બનાવી રહ્યા છે.








