બાંગ્લાદેશમાં ચાલી રહેલા તણાવો વચ્ચે પત્રકારોએ વર્ણવી આપવીતી! જાણો શું કહ્યું
બાંગ્લાદેશમાં ફેબ્રુઆરી 2026માં રાષ્ટ્રીય ચૂંટણીઓ યોજાવાની છે, પરંતુ તે પહેલાં

બાંગ્લાદેશમાં ફેબ્રુઆરી 2026માં રાષ્ટ્રીય ચૂંટણીઓ યોજાવાની છે, પરંતુ તે પહેલાં પણ દેશમાં ભયનું વાતાવરણ છે. બાંગ્લાદેશી પત્રકારોને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ઢાકામાં, પત્રકારોને એક મીડિયા હાઉસમાં કેદ કરવામાં આવ્યા હતા અને તેમને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
19 ડિસેમ્બરના રોજ, બાંગ્લાદેશમાં ટોળાએ પ્રથમ આલો અને ધ ડેઇલી સ્ટારના કાર્યાલયો પર હુમલો કર્યો. હુમલાખોરોએ ઇમારતમાં તોડફોડ કરી અને આગ લગાવી દીધી, જેમાં બે ડઝનથી વધુ મીડિયા કર્મચારીઓ અંદર ફસાઈ ગયા.
બાંગ્લાદેશમાં પત્રકારોને જીવતા સળગાવવાનો પ્રયાસ
ધ ડેઇલી સ્ટારના એક વરિષ્ઠ પત્રકારે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું, "અમે વિચાર્યું ન હતું કે અમે તે રાત્રે બચી શકીશું. મને નથી લાગતું કે અમે આ દુર્દશામાંથી બહાર આવ્યા છીએ; આગ ફક્ત શરૂઆત છે."
સ્ટાફ સભ્યો કહે છે કે ઇમારતો સંપૂર્ણપણે ધુમાડાથી ભરેલી હતી, જેના કારણે તેમને છત પર ભાગી જવાની ફરજ પડી હતી.
"હુનલો પત્રકારોને જીવતા સળગાવી દેવાના ઈરાદાથી કરાયો હતો"
ફાયર ફાઇટર અને સેનાના જવાનોએ હુમલામાંથી આશરે 28 લોકોને બચાવ્યા, જેમાંથી મોટાભાગના પત્રકારો હતા. ઘટના પછી પ્રેસ સ્વતંત્રતા સંગઠનોએ જણાવ્યું હતું કે ટોળું પત્રકારોને જીવતા સળગાવી દેવાનો ઇરાદો ધરાવતું હોય તેવું લાગતું હતું. તેમણે ઈમરજન્સી ટીમોને બચાવ કામગીરી હાથ ધરતા પણ અટકાવ્યા. જોકે, બધાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પોસ્ટ પર રાખવામાં આવે છે નજર
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રકાશનોના એક પત્રકારે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે આ લોકો અમારી સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર નજર રાખી રહ્યા છે જેથી નક્કી કરી શકાય કે અમે કોના પક્ષને ટેકો આપીએ છીએ. ખાસ કરીને જો તમે લઘુમતી જૂથના છો અને ઉદાર દ્રષ્ટિકોણથી લખો છો, તો તમને નિશાન બનાવી શકાય છે.








