મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

શીખ અને હિન્દુ સમુદાયના લોકોને વેપાર માટે અફઘાનિસ્તાને પાથરી લાલ જાજમ

અફઘાનિસ્તાનના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી અલહાજ નૂરુદ્દીન અઝીઝી ભારતના પ્રવાસે છે. ત

શીખ અને હિન્દુ સમુદાયના લોકોને વેપાર માટે અફઘાનિસ્તાને પાથરી લાલ જાજમ

અફઘાનિસ્તાનના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી અલહાજ નૂરુદ્દીન અઝીઝી ભારતના પ્રવાસે છે. તેમની મુલાકાત દરમિયાન તેમણે ભારતીય કંપનીઓને તેમના દેશ અફઘાનિસ્તાનમાં રોકાણ કરવા માટે આમંત્રિત કર્યા છે. અઝીઝીએ દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સહયોગને આગળ વધારવા માટે એક સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવાનું વચન આપ્યું.

શીખ અને હિન્દુ સમુદાયના લોકોની સક્રિય સહભાગિતાને પ્રોત્સાહન

અફઘાન મંત્રીએ અનેક ક્ષેત્રોનો ઉલ્લેખ કર્યો જ્યાં બિઝનેસ પાર્ટનરશિપ માટે મહત્ત્વની તકો છે. આમાં માઇનિંગ, કૃષિ, આરોગ્ય અને દવા, આઇટી, ઊર્જા અને વસ્ત્ર ઉદ્યોગનો સમાવેશ થાય છે. વધુમાં મંત્રી અઝીઝીએ અફઘાનિસ્તાનના શીખ અને હિન્દુ સમુદાયના લોકોની સક્રિય સહભાગિતાને પણ પ્રોત્સાહન આપ્યું. તેમણે ખાતરી આપી કે તેમનો દેશ તમામ ભાગીદારો માટે શાંતિપૂર્ણ, સમાવેશી અને વ્યાપાર માટે અનુકૂળ વાતાવરણ જાળવવા માટે પ્રતિબદ્ધ છે.

અફઘાન મંત્રીનું ભારતીય વેપારીઓને આમંત્રણ

મહત્ત્વનું છે કે અફઘાનિસ્તાનના મંત્રી અઝીઝી પાંચ દિવસની ભારત યાત્રા પર ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે નવી દિલ્હી પહોંચ્યા છે. મંત્રી અઝીઝીએ ભારતીય વેપારીઓને કહ્યું કે તેઓ અફઘાનિસ્તાન આવે અને ત્યાંની ક્ષમતા તેમજ ઉદ્યોગપતિઓ માટે તૈયાર કરાયેલા અનુકૂળ વાતાવરણનું નિરીક્ષણ કરે. તેમજ માઇનિંગ ઉદ્યોગ, કૃષિ ક્ષેત્ર, આરોગ્ય અને આઇટીમાં તકો શોધવા માટે આ ઉત્તમ સમય છે.અફઘાનિસ્તાનમાં અસંખ્ય તકો ઉપલબ્ધ છે. તેમણે નમ્રતાપૂર્વક ભારતીય વેપારીઓને પોતાના દેશમાં આવવા માટે આમંત્રણ આપ્યું.

અફઘાનિસ્તાન દ્વારા અપાતા આર્થિક પ્રોત્સાહનો

મંત્રી અઝીઝીએ દિલ્હીમાં ઉદ્યોગ મંડળ PHD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત એક સંવાદ સત્રને સંબોધિત કર્યું હતું. આ સત્ર દરમિયાન, તેમણે ભારત સરકાર દ્વારા મળી રહેલી સતત સહાયતા બદલ આભાર વ્યક્ત કર્યો.

અઝીઝીના જણાવ્યા મુજબ, અફઘાનિસ્તાન હાલમાં ઘણા નવા પ્રોત્સાહનો ઓફર કરી રહ્યું છે. આ પ્રોત્સાહનોમાં મુખ્યત્વે કાચા માલ અને મશીનરી પર માત્ર એક ટકા ડ્યૂટી, મફતમાં જમીનની ફાળવણી, ભરોસાપાત્ર વીજળીનો પુરવઠો અને નવા વ્યવસાયો માટે પ્રસ્તાવિત પાંચ વર્ષની ટેક્સમાંથી મુક્તિ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
વેપાર વધારવા માટે હવાઈ સેવાઓ શરૂ થશે

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય વેપારને વધારવા માટે તમામ જરૂરી પગલાં લેવા પર સહમતિ સધાઈ છે, જેનું વર્તમાન મૂલ્ય આશરે 1 અબજ યુએસ ડોલર જેટલું છે. આ સંદર્ભમાં ભારત સરકારે જાહેરાત કરી છે કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે હવાઈ માલવાહક સેવાઓ ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો