મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

દુનિયામાં પ્રથમ વખત બનશે 'ડ્રોન વૉલ', રશિયાથી ડરેલા 27 દેશોનો નિર્ણય

વિશ્વભરમાં હવે યુદ્ધની પદ્ધતિઓ બદલાઈ રહી છે. એક સમયે તોપ, બંદૂકો અને ટેન્કોથી જે યુદ્ધ થતાં હતા ત

દુનિયામાં પ્રથમ વખત બનશે 'ડ્રોન વૉલ', રશિયાથી ડરેલા 27 દેશોનો નિર્ણય

વિશ્વભરમાં હવે યુદ્ધની પદ્ધતિઓ બદલાઈ રહી છે. એક સમયે તોપ, બંદૂકો અને ટેન્કોથી જે યુદ્ધ થતાં હતા તેનું સ્થાન હવે 'ડ્રોન' એ લઈ લીધું છે. ઈરાન, રશિયા અને તૂર્કિયે જેવા દેશોએ ડ્રોનના ઉપયોગમાં આગળ વધી ગયા છે. રશિયાએ તો યુક્રેન સામેના યુદ્ધમાં પરંપરાગત હથિયારો કરતાં ડ્રોનથી વધુ સફળતા હંસલ કરી છે. ખાસ વાત એ છે કે, ડ્રોન યુદ્ધ ઓછું ખર્ચાળ છે અને ટારગેટ પર સીધો હુમલો કરીને સફળતાની વધુ તક રહેલી છે. બીજી તરફ તેનાથી થતા નુકસાનની ચિંતાઓ પણ વધી ગઈ છે. ત્યારે હવે રશિયાથી ગભરાયેલા યુરોપમાં ડ્રોનનો એવો ભય છે કે, યુરોપિયન યુનિયને આજે ડેનમાર્કમાં 'ડ્રોન વૉલ' બનાવવા અંગે ચર્ચા કરવા માટે એક બેઠક બોલાવી છે. યુરોપિયન યુનિયનના 27 દેશોના નેતા 'ડ્રોન વૉલ' બનાવવા પર મહોર લગાવવાની તૈયારીમાં છે. આ 'ડ્રોન વૉલ' રશિયા તરફથી વધતા ખતરાના જવાબમાં યુરોપની પોતાની સુરક્ષાને મજબૂત બનાવવાના પ્રયાસોનો એક ભાગ છે.

પોલેન્ડના આકાશમાં રશિયન ડ્રોન દેખાયા હતા

યુરોપિયન યુનિયન માટે ચિંતાની બાબત એ છે કે, થોડા દિવસ પહેલા જ પોલેન્ડના આકાશમાં રશિયન ડ્રોન જોવા મળ્યા હતા. પોલેન્ડ નાટો દેશ છે, છતાં ત્યાં રશિયન ડ્રોન જોવાથી ખળભળાટ મચી ગયો છે. આ ઉપરાંત એસ્ટોનિયા અને રોમાનિયાએ પણ તેમના આકાશમાં રશિયન ડ્રોન દેખાયા હોવાની ફરિયાદ કરી છે. આ ઘટનાઓ સપ્ટેમ્બરની જ છે. ત્યારબાદ રશિયાની સરહદે આવેલા બલ્ગેરિયા, એસ્ટોનિયા, હંગેરી, લાતવિયા, લિથુઆનિયા, રોમાનિયા, પોલેન્ડ, સ્લોવાકિયા, ડેનમાર્ક અને ફિનલેન્ડ જેવા દેશોએ વાટાઘાટો કરી. આ જ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે આપણે  'ડ્રોન વૉલ' તૈયાર કરવી પડશે. હવે સવાલ એ છે કે આ 'ડ્રોન વૉલ' શું હશે અને તે કેવી હશે.

એન્ટી-ડ્રોન ટેકનોલોજી

જે  'ડ્રોન વૉલ'ની વાત કરવામાં આવી રહી છે તે, એન્ટી-ડ્રોન ટેકનોલોજીનું તહેનાત થવું છે. આવી ટેકનોલોજીથી ડ્રોનની એન્ટ્રી પર સિસ્ટમ તાત્કાલિક એલર્ટ થશે અને યોગ્ય જવાબ આપશે. આનાથી યુરોપિયન યુનિયનના કોઈપણ ભાગમાં રશિયન અથવા અન્ય દેશના ડ્રોનને તાત્કાલિક ઈન્ટરસેપ્ટ કરવામાં મદદ મળશે. આના હેઠળ રડાર, જામર અને સેન્સરનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત યુરોપિયન યુનિયનના તમામ સભ્ય દેશો વચ્ચે ડેટા શેરિંગ પર સહમતિ થશે. તેના હેઠળ તમામ દેશ એક-બીજાને જણાવશે કે, ડ્રોન એન્ટ્રી કરી રહ્યું છે અથવા તેની સ્થિતિ શું છે. 

ડ્રોનનો જવાબ મિસાઈલથી ન આપી શકાય

નાટોના મહાસચિવ માર્ક રુટનું કહેવું છે કે, આપણે આપણા આકાશને સુરક્ષિત રાખવું પડશે. તેના માટે 'ડ્રોન વૉલ' આપણી જરૂરીયાત છે. અમે મિસાઈલો પર અબજો ડોલર ન ખર્ચી શકીએ. ડ્રોનનો જવાબ મિસાઈલથી ન આપી શકાય. તેથી અમે ડ્રોન વૉલના પ્રસ્તાવ પર ચર્ચા કરી રહ્યા છીએ. તેના માટે ખર્ચ પણ ઓછો થશે. હાલમાં, તે સ્પષ્ટ નથી કે વાસ્તવમાં ડ્રોન વૉલ કેવી દેખાશે, તે ક્યારે પૂર્ણ થશે અને તેનો ખર્ચ કેટલો થશે. આ વૉલને તૈયાર કરવા માટે યુક્રેનના અનુભવોનો પણ ઉપયોગ કરવામાં આવી શકે છે, જે હાલમાં રશિયન ડ્રોનનો મુકાબલો કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો