પાકિસ્તાનના પેશાવરમાં બોમ્બ ધડાકામાં 9 લોકોના મોત, 4 સુરક્ષાકર્મી ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્ખા પ્રાંતની રાજધાની પેશાવરમાં ગુરુવારે થયેલા બોમ્બ ધડાકામાં 9 લોકોના મોત થયા છે

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્ખા પ્રાંતની રાજધાની પેશાવરમાં ગુરુવારે થયેલા બોમ્બ ધડાકામાં 9 લોકોના મોત થયા છે. જ્યારે 4 સુરક્ષાકર્મી ઘાયલ થયા છે. પેશાવર પોલીસ ઓફિસર મિયાં સઈદે આ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે આ હુમલો પોલીસને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યો છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટક સામગ્રી પોલીસ પેટ્રોલિંગના રસ્તા ઉપર લગાવવામાં આવી હતી.
ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. પોલીસ અને સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લઈને તપાસ શરૂ કરી છે. આ વિસ્ફોટ એવા સમયે થયો જ્યારે તાજેતરના મહિનાઓમાં પેશાવર અને તેની આસપાસના વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા મોટા હુમલાઓ જોવા મળ્યા છે.
વિસ્ફોટ પછી તરત જ મોટી સંખ્યામાં સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી તેને ઘેરી લીધો. વરિષ્ઠ પોલીસ અધિક્ષક (ઓપરેશન) મસૂદ બંગશે જણાવ્યું હતું કે દળો ઘટનાની તપાસ કરીને પુરાવા મેળવી રહ્યા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
થોડા દિવસો પહેલા 30 સપ્ટેમ્બરના રોજ, બલુચિસ્તાનની રાજધાની ક્વેટામાં એક પ્રચંડ વિસ્ફોટથી ગભરાટ ફેલાયો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા અને 32 ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ ફ્રન્ટિયર કોર્પ્સ (FC) મુખ્યાલય નજીક એક જાહેર રસ્તાઓ પર થયો હતો. 8 મૃતદેહ ક્વેટાની સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા.






