નીરજ ચોપરા અને અરશદ નદીમ વચ્ચે થશે મુકાબલો, જાણો ક્યાં જોઈ શકશો World Athletics Championshipની ફાઈનલ
ભારતીય ફેન્સ આજે એટલે કે 18 સપ્ટેમ્બરે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં બે વખ

ભારતીય ફેન્સ આજે એટલે કે 18 સપ્ટેમ્બરે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાને જેવલિન થ્રોની ફાઈનલમાં જોશે. નીરજે 17 સપ્ટેમ્બરે ક્વોલિફિકેશન રાઉન્ડમાં પોતાના પહેલા પ્રયાસમાં 84.85 મીટરના થ્રો સાથે ફાઈનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. ફાઈનલમાં, નીરજનો સામનો પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પાકિસ્તાની જેવલિન થ્રોઅર અરશદ નદીમ સાથે થશે.
નીરજ પહેલા થ્રોમાં ક્વોલિફાય થયો, સચિને પણ ફાઈનલમાં સ્થાન મેળવ્યું
ભારત માટે માત્ર નીરજ ચોપરા જ નહીં પરંતુ સચિન યાદવે પણ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જેવલિન થ્રોની ફાઈનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે. સચિન 83.67 મીટરના થ્રો સાથે 10મા સ્થાને રહ્યો. કુલ 12 ખેલાડીઓ ફાઈનલ માટે ક્વોલિફાય થયા, જેમાં પાકિસ્તાનનો અરશદ નદીમ પણ સામેલ છે, જેણે ક્વોલિફિકેશન રાઉન્ડમાં સારું પ્રદર્શન નહતું કર્યું. અરશદનો પહેલો થ્રો ફક્ત 76.99 મીટર હતો, પરંતુ તેણે પોતાના અંતિમ પ્રયાસમાં 85.28 મીટરનો થ્રો કરીને ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. નીરજ ચોપરાનો મુકાબલો ફક્ત અરશદ નદીમ જ નહીં પરંતુ જુલિયન વેબર સાથે પણ થશે.
ફાઈનલ કેટલા વાગ્યે શરૂ થશે, ક્યારે અને ક્યાં લાઇવ જોવા મળશે?
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જેવલિન થ્રોની ફાઈનલ 18 સપ્ટેમ્બરના રોજ યોજાશે, જે ભારતીય સમય મુજબ બપોરે 3:53 વાગ્યે શરૂ થશે. ભારતીય ફેન્સ સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી અને સ્ટાર સ્પોર્ટ્સ 2 પર ટીવી પર ફાઈનલ લાઈવ જોઈ શકે છે. આ સિવાય ફાઈનલ જિયો હોટસ્ટાર એપ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે, જેમાં લોગિન કરીને ફેન્સ જેવલિન થ્રોની ફાઈનલ જોઈ શકે છે.
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જેવલિન થ્રોની ફાઇઈનલમાં પહોંચનારા ખેલાડીઓમાં નીરજ ચોપરા, સચિન યાદવ, એન્ડરસન પીટર્સ, જુલિયન વેબર, જુલિયસ યેગો, ડેવિડ વેગનર, અરશદ નદીમ, કર્ટિસ થોમ્પસન, જેકબ વડલેઝ, કેશોર્ન વલકોટ, કેમેરોન મેકએન્ટાયર અને રૂમેશ થરંગા પાથિરેજનો સમાવેશ થાય છે.






