IPL 2027 પહેલા દિલ્હી કેપિટલ્સની મુશ્કેલી વધી! આ સ્ટાર ખેલાડીના રમવા પર છે સસ્પેન્સ

IPL 2027 પહેલા દિલ્હી કેપિટલ્સ (DC) ની મુશ્કેલીઓ વધી શકે છે. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે હજુ સુધી ટુર્નામેન્ટમાં રમવાનો નિર્ણય નથી લીધો. તેની પ્રાથમિકતા ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ક્રિકેટ રમવાની છે અને આવતા વર્ષનું વ્યસ્ત ટેસ્ટ શેડ્યૂલ તેના નિર્ણયમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. તેથી, દિલ્હી કેપિટલ્સે સ્ટાર્કની ઉપલબ્ધતાની રાહ જોવી પડી શકે છે.
મિચેલ સ્ટાર્કે પોતાની કારકિર્દીમાં ઘણીવાર ફ્રેન્ચાઈઝી ક્રિકેટ કરતાં ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમને પ્રાથમિકતા આપી છે. તે 2016થી 2023 સુધી IPથી દૂર રહ્યો હતો. આ દરમિયાન તેણે આરામ કરવા, માનસિક તાજગી અને પરિવાર સાથે સમય વિતાવવાને મહત્ત્વ આપ્યું હતું. સ્ટાર્ક 2024માં IPLમાં પાછો ફર્યો અને કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) માટે રમ્યો. ત્યારબાદ તે દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયો. અહેવાલો અનુસાર, તેણે IPL 2027માં દિલ્હી કેપિટલ્સ માટે રમવાનો અંતિમ નિર્ણય હજુ સુધી નથી લીધો.
સ્ટાર્કનું ધ્યાન ટેસ્ટ ક્રિકેટ પર
દિલ્હી કેપિટલ્સના હેડ મુખ્ય કોચ સૌરવ ગાંગુલીના નેતૃત્વ હેઠળ તેની ઉપલબ્ધતા પર નજર રાખવામાં આવશે. ઓસ્ટ્રેલિયા 2027માં ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની એશિઝ સિરીઝ રમવાનું છે. આ સિરીઝ 18 જૂને ટ્રેન્ટ બ્રિજ ખાતે શરૂ થવાની છે. ત્યારબાદની મેચો લોર્ડ્સ, એજબેસ્ટન, સાઉધમ્પ્ટન અને ધ ઓવલ ખાતે રમાશે.
જો ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27ની ફાઇનલમાં પહોંચે છે, તો તેના મુખ્ય ખેલાડીઓનું શેડ્યૂલ વધુ વ્યસ્ત બની શકે છે. ફાઈનલ 9થી 13 જૂન દરમિયાન ઓવલ ખાતે યોજાવાની છે. આનાથી ખેલાડીઓને એશિઝ સિરીઝની તૈયારી માટે મર્યાદિત સમય મળી શકે છે. IPL સામાન્ય રીતે ઈંગ્લેન્ડના ટેસ્ટ સમર પહેલા યોજાય છે, તેથી એશિઝ આપમેળે સ્ટાર્કને લીગમાંથી બહાર કરતું નથી. જોકે, તે પડકારજનક પાંચ ટેસ્ટ મેચની સિરીઝ પહેલા ફિટનેસ અને આરામને પ્રાથમિકતા આપવા માટે IPLથી દૂર રહેવાનું પસંદ કરી શકે છે.
મિચેલ સ્ટાર્કે અત્યાર સુધીમાં 58 IPL મેચોમાં 76 વિકેટ લીધી છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 35 રન આપીને પાંચ વિકેટ છે. 2024માં, તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે 14 મેચોમાં 17 વિકેટ લીધી હતી, જ્યારે 2025માં, તેણે દિલ્હી કેપિટલ્સ માટે 11 મેચોમાં 14 વિકેટ લીધી હતી. IPL 2026માં, સ્ટાર્કે દિલ્હી માટે છ મેચોમાં 11 વિકેટ લીધી હતી. જેમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 40 રન આપીને ચાર વિકેટ હતી. અહેવાલો અનુસાર, IPLમાંથી તેની કુલ કમાણી 77.65 કરોડ રૂપિયા છે, જેમાં 2026 સિઝન માટે 11.75 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.








