મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

શું ભારત ચાર સ્પિનરો સાથે ઈંગ્લેન્ડ સામે સેમિફાઈનલમાં ઉતરશે? જાણો કેપ્ટન રોહિતે શું કહ્યું

T20 વર્લ્ડ કપ 2024ની બંને સેમિફાઇનલ મેચ 27 જૂને રમાશે. પહેલ

શું ભારત ચાર સ્પિનરો સાથે ઈંગ્લેન્ડ સામે સેમિફાઈનલમાં ઉતરશે? જાણો કેપ્ટન રોહિતે શું કહ્યું

T20 વર્લ્ડ કપ 2024ની બંને સેમિફાઇનલ મેચ 27 જૂને રમાશે. પહેલી સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને અફઘાનિસ્તાનના પડકારનો સામનો કરવો પડશે. આ મેચ ત્રિનિદાદમાં રમાશે. આ દરમિયાન બીજી સેમિફાઇનલમાં ટીમ ઈન્ડિયાનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે થશે. આ મેચ ગુયાનામાં રમાશે. આ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કપ્તાન રોહિત શર્માએ કહ્યું હતું કે, તેમની ટીમ ઈંગ્લેન્ડ સામે હાઈ-પ્રેશર ટી20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં શાંત રહેવા અને વસ્તુઓને સરળ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સાથે જ તેણે સ્વીકાર્યું કે ટીમને ભૂતકાળમાં ડર સાથે સંઘર્ષ કરવો પડ્યો. રોહિતે મેચમાં ચાર સ્પિનરો સાથે રમવાની વાત પણ કરી હતી.

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પાસેથી બદલો લેશે

ભારતીય ટીમ એડિલેડ ઓવલ ખાતે 2022ની સેમિફાઇનલમાં 10 વિકેટથી મળેલી કારમી હારનો બદલો લેવા ઈંગ્લેન્ડ સામે મેદાનમાં ઉતરશે. જ્યારે રોહિતને પૂછવામાં આવ્યું કે, શું તેની ટીમને વિશ્વ ખિતાબ માટે નિષ્ફળતાના ડર અને પાછલા પ્રયાસોમાં ખરાબ નસીબના કારણે હારનો સામનો કરવો પડ્યો, તો તેણે કહ્યું, 'તે બંનેમાં થોડું રહ્યું છે.' તેણે કહ્યું, 'અમે તેને સામાન્ય મેચની જેમ લેવા માગીએ છીએ. અમે તેને સેમિફાઇનલ હોવાની વાત કરવા માગતા નથી. અમે એકબીજાની કંપનીનો આનંદ માણી રહ્યા છીએ અને અમારે તે ચાલુ રાખવું પડશે. આ નોકઆઉટ મેચ છે. જો તમે વધારે વિચારશો તો તેનો કોઈ ફાયદો નથી. મુંબઈના 37 વર્ષીય ખેલાડીએ કહ્યું કે, તે અપેક્ષા રાખે છે કે તેના સાથી ખેલાડીઓ ગુરુવારે સ્માર્ટ ક્રિકેટ રમશે.

'ટીમમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી'

રોહિતે કહ્યું કે, 'સાચું કહું તો 2022 પછી બહુ બદલાવ આવ્યો નથી. અમે T20 અને ODIમાં ખુલ્લા મનથી રમવાનો પ્રયાસ કર્યો છે. તે બધું આખી ટૂર્નામેન્ટ દરમિયાન પડકારરૂપ રહેલ પરિસ્થિતિઓ પર નિર્ભર કરે છે. અમે સમજદાર ક્રિકેટ ટીમ બનવા માગીએ છીએ. મેં અંગત રીતે મારા માટે અને ખેલાડીઓ માટે પણ વસ્તુઓ સરળ રાખી છે. અમે ભૂમિકામાં સ્પષ્ટતા સાથે સારું પ્રદર્શન કર્યું છે અને ખેલાડીઓ પર વિશ્વાસ રાખ્યો છે કે તેઓ મેદાન પર સારા નિર્ણયો લેશે.’

'દરેક વ્યક્તિ તેમની ભૂમિકા જાણે છે'

રોહિતે કહ્યું, ‘દરેક વ્યક્તિ જાણે છે કે, તેણે પોતાનું કામ પૂરું કરવાનું છે. અમને 2022થી 2024 સુધીના ફેરફારોની જરૂર નથી. તેણે ઓસ્ટ્રેલિયા સામે સુપર 8 તબક્કાની મહત્ત્વપૂર્ણ મેચમાં 41 બોલમાં 92 રનની તોફાની ઇનિંગ રમીને ટીમનું નેતૃત્વ કર્યું હતું. કેપ્ટને કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં તેના માટે જે કારગર રહ્યું તે શાંત રહેવાનું છે.’

'ક્યારેક તમે તમારો ગુસ્સો ગુમાવી શકો છો'

તેણે કહ્યું, ‘શાંત અને સંયમિત રહેવું મહત્ત્વપૂર્ણ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં શાંત રહેવું મારા માટે કારગર રહ્યું છે. ક્યારેક તમે તમારો ગુસ્સો પણ ગુમાવી શકો છો. તમે જે ઇચ્છો તે કરવા દેવા માટે હું ખુશ છું. પરંતુ જો તેનાથી ટીમને નુકસાન થશે તો હું તે થવા નહીં દઉં. ભારતીય ક્રિકેટ ટીમ હંમેશા દબાણમાં રહે છે. મોટાભાગના ખેલાડીઓ તેનાથી ટેવાયેલા છે.’

ચાર સ્પિનરો અંગે રોહિતનું નિવેદન

કેરેબિયન મેદાનની વિકેટો સ્પિન બોલિંગ માટે અનુકૂળ છે, પરંતુ રોહિતે ટીમમાં ચાર સ્પિનરો હશે કે નહીં તે અંગે કોઈ પ્રતિબદ્ધતા દર્શાવી નથી. કાંડાના સ્પિનરો કુલદીપ યાદવ અને અક્ષર પટેલે વેસ્ટ ઈન્ડિઝ લેગ ઓફ ધ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે કહ્યું, 'અમે પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરીશું અને પછી ચાર સ્પિનરો અંગે નિર્ણય લઈશું.'

આ સમાચાર શેર કરો