સિક્સર કિંગ ઈન્ડિયા! T20 ઈન્ટરનેશનલમાં 2,000 સિક્સ ફટકારનાર બીજી ટીમ બની

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે પાંચ મેચની T20 સિરીઝ રમી રહી છે, જેની ચોથી મેચ 14 ઓક્ટોબરના રોજ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા 24 રનથી હારી ગઈ હતી, જેના કારણે સિરીઝ 2-2થી બરાબર થઈ ગઈ છે. મેચ હારવા છતાં, ટીમ ઈન્ડિયાએ T20Iમાં અગાઉ ફક્ત વેસ્ટ ઈન્ડિઝે જ હાંસલ કરેલી સિદ્ધિ હાંસલ કરી હતી. ટીમ ઈન્ડિયા T20Iમાં પ્રભુત્વ ધરાવે છે અને હવે તે 2,000 કે તેથી વધુ સિક્સ મારનારી બીજી ટીમ બની ગઈ છે.
ટીમ ઈન્ડિયાએ 297 મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી
ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં 297 T20I મેચ રમી છે, જેમાં કુલ 45,713 રન બનાવ્યા છે અને 2,010 સિક્સ ફટકારી છે. ટીમ ઈન્ડિયા પહેલા ફક્ત વેસ્ટ ઈન્ડિઝે જ T20Iમાં 2,000 કે તેથી વધુ સિક્સ મારવાનો સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે અત્યાર સુધીમાં 259 મેચ રમી છે અને તે મેચોમાં 2,026 છગ્ગા ફટકાર્યા છે. તેથી, ટીમ ઈન્ડિયા પાસે આ યાદીમાં ટોચના સ્થાને પહોંચવાની સારી તક છે. આ યાદીમાં ત્રીજા સ્થાને ન્યુઝીલેન્ડ છે, જેણે અત્યાર સુધીમાં 267 T20I મેચ રમી છે અને 1,585 છગ્ગા ફટકાર્યા છે.
T20I મેચોમાં સૌથી વધુ છગ્ગા મારનારી ટીમો
- વેસ્ટ ઈન્ડિઝ - 2,026 છગ્ગા
- ભારત - 2,010 છગ્ગા
- ન્યુઝીલેન્ડ - 1,585 છગ્ગા
- પાકિસ્તાન - 1,507 છગ્ગા
- સાઉથ આફ્રિકા - 1,407 છગ્ગા
ટીમ ઈન્ડિયાએ 4,000 ચોગ્ગાનો આંકડોપણ પાર કર્યો
વેસ્ટ ઈન્ડિઝ સામેની ચોથી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ માત્ર 2,000 છગ્ગાનો આંકડો જ નહીં પરંતુ 4,000 ચોગ્ગાનો આંકડો પણ પાર કર્યો છે. ટીમ ઈન્ડિયા હવે T20I મેચોમાં 4,000 કે તેથી વધુ ચોગ્ગા મારનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ યાદીમાં પાકિસ્તાન બીજા ક્રમે છે, જેણે અત્યાર સુધીમાં T20I મેચોમાં 3,722 ચોગ્ગા ફટકાર્યા છે.






