વિરાટ કોહલીએ ગુસ્સે થઈને ઓસ્ટ્રેલિયન ખેલાડીને ઇન્સ્ટાગ્રામ પર કર્યો હતો બ્લોક, પછી IPLના કારણે થઈ મિત્રતા
વિરાટ કોહલીને ગુસ્સો આવે તો તે કંઈ પણ કરી શકે છે. આ ઉદાહરણ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે

વિરાટ કોહલીને ગુસ્સો આવે તો તે કંઈ પણ કરી શકે છે. આ ઉદાહરણ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે આપ્યું છે. મેક્સવેલે કહ્યું કે, કોહલી એક વખત તેના પર ગુસ્સે થઈ ગયો હતો અને તેણે તેને ઇન્સ્ટાગ્રામ પરથી બ્લોક પણ કરી દીધો હતો. જો કે, હવે બંને ખૂબ સારા મિત્રો છે અને બંને RCB તરફથી IPLમાં સાથે રમે છે.
કોહલીએ જ મેક્સવેલને RCBમાં લાવવાની વાત કરી હતી. મેક્સવેલે પોતાના પુસ્તકમાં કહ્યું છે કે, વર્ષ 2020માં પંજાબ કિંગ્સના ખરાબ પ્રદર્શન બાદ તે ટીમ છોડશે તે નિશ્ચિત હતું, પરંતુ તે સમયે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલા કોહલીએ મેક્સવેલને કહ્યું હતું કે, જો તે ઓક્શનમાં જશે તો RCB તેના માટે બીડ કરી શકે છે.
મેક્સવેલને ઇન્સ્ટાગ્રામ પર કર્યો હતો બ્લોક
મેક્સવેલે એક પોડકાસ્ટ પર કહ્યું, "જ્યારે હું RCBમાં આવ્યો ત્યારે વિરાટ પહેલો વ્યક્તિ હતો જેણે મને મેસેજ કર્યો હતો. જ્યારે હું IPLમાં પ્રી-સિઝન ટ્રેનિંગ કેમ્પમાં આવ્યો ત્યારે મેં કોહલીને ઇન્સ્ટાગ્રામ પર શોધ્યો, પરંતુ તેનું એકાઉન્ટ ન મળ્યું. ત્યારે કોઈએ મને કહ્યું કે જો કોહલીનું એકાઉન્ટ નથી મળી રહ્યું તો તેનો અર્થ એ છે કે તેણે તમને બ્લોક કરી દીધા છે."
મેક્સવેલે આગળ કહ્યું, "આ પછી હું કોહલી પાસે ગયો અને પૂછ્યું, શું તમે મને ઇન્સ્ટાગ્રામ પર બ્લોક કર્યો છે? કોહલીએ કહ્યું હા, કદાચ કારણ કે તમે ટેસ્ટ મેચમાં મારી મજાક ઉડાવી હતી. પછી મેં કહ્યું ઓકે, હવે મને અનબ્લોક કરો. આ પછી અમે સારા મિત્રો બની ગયા."
ટેસ્ટ મેચમાં શું થયું હતું?
વર્ષ 2017માં ઓસ્ટ્રેલિયાની ટીમ ટેસ્ટ સિરીઝ રમવા માટે ભારત આવી હતી. ત્રીજી ટેસ્ટ મેચ રાંચીમાં રમાઈ હતી. મેચના પહેલા દિવસે ફિલ્ડિંગ કરતી વખતે કોહલીને ખભામાં ઈજા થઈ હતી. બે દિવસ બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ ફિલ્ડિંગ કરવા મેદાનમાં આવી ત્યારે મેક્સવેલ ખભો પકડીને કોહલીની મજાક ઉડાવી રહ્યો હતો.








