કિંગ કોહલીએ બનાવ્યો 'વિરાટ' રેકોર્ડ, વર્લ્ડ કપમાં આવું કારનામું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો
વિરાટ કોહલીએ વર્લ્ડ કપમાં ઈતિહાસ રચી દીધો. T20 વર્લ્ડ કપ 2024માં, કોહલીએ બાંગ્લાદેશ સામે રમતી વખતે વર્લ

વિરાટ કોહલીએ વર્લ્ડ કપમાં ઈતિહાસ રચી દીધો. T20 વર્લ્ડ કપ 2024માં, કોહલીએ બાંગ્લાદેશ સામે રમતી વખતે વર્લ્ડ કપમાં (ODI અને T20 વર્લ્ડ કપ) 3,000 રન પૂરા કર્યા હતા. કોહલી આ આંકડાને સ્પર્શનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. બાંગ્લાદેશ સામેની મેચમાં કોહલીએ 28 બોલમાં 1 ફોર અને 3 સિક્સની મદદથી 37 રન બનાવ્યા હતા.
બાંગ્લાદેશ વિરૂદ્ધ આ ઈનિંગ સાથે કોહલીએ T20 વર્લ્ડ કપમાં 1200 રનના આંકને સ્પર્શ કર્યો હતો. કોહલી T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. અત્યાર સુધી 32 મેચોની 30 ઈનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 63.52ની એવરેજ અને 129.78ની સ્ટ્રાઈક રેટથી 1207 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે 14 અડધી સદી ફટકારી છે, જેમાં તેનો હાઈએસ્ટ સ્કોર 89* રન હતો.
આ સિવાય કોહલીએ ODI વર્લ્ડ કપની 37 મેચોની 37 ઈનિંગ્સમાં 59.83ની એવરેજથી 1795 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે 5 સદી અને 12 અડધી સદી ફટકારી છે, જેમાં તેનો હાઈએસ્ટ સ્કોર 117 રન છે. 2023માં રમાયેલા ODI વર્લ્ડ કપમાં કોહલી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. કોહલીએ 11 મેચની 11 ઈનિંગ્સમાં બેટિંગ કરી અને 95.62ની એવરેજથી 765 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 3 સદી અને 6 અડધી સદી ફટકારી હતી.
T20 વર્લ્ડ કપ 2024માં અત્યાર સુધી બેટ શાંત હતું
તમને જણાવી દઈએ કે 2024 T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચ પહેલા કોહલીનું બેટ શાંત હતું. પ્રથમ ત્રણ મેચમાં તે ડબલ ફિગર પણ પાર કરી શક્યો નહોતો. ટૂર્નામેન્ટની પ્રથમ ત્રણ મેચમાં કોહલીએ આયર્લેન્ડ સામે માત્ર 01 રન અને પાકિસ્તાન સામે 04 રન બનાવ્યા હતા, જ્યારે અમેરિકા સામેની મેચમાં કોહલી ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો.
ત્યારબાદ અફઘાનિસ્તાન સામેની સુપર-8 મેચમાં 24 બોલમાં 1 છગ્ગાની મદદથી 24 રન બનાવ્યા હતા. આ પછી બાંગ્લાદેશ સામે તેણે સારી ઈનિંગ રમી અને પોતાની લય પાછી મેળવી લીધી, જેના માટે કોહલી જાણીતો છે.








