મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

સનરાઈઝર્સ હૈદરાબાદની જીતને કારણે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ આ ટીમ, CSKને પણ થયું નુકસાન

IPL 2024ની 57મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે લખનૌ સુપર જાયન્ટ્સ ટીમને 10 વિકેટથ

સનરાઈઝર્સ હૈદરાબાદની જીતને કારણે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ આ ટીમ, CSKને પણ થયું નુકસાન

IPL 2024ની 57મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે લખનૌ સુપર જાયન્ટ્સ ટીમને 10 વિકેટથી હરાવી છે. આ મેચમાં લખનૌએ હૈદરાબાદને જીતવા માટે 166 રનનો ટાર્ગેટ આપ્યો હતો. SRH એ અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડની શાનદાર ઈનિંગ્સની મદદથી આ ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી લીધો હતો. હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ 75 રન અને હેડે 89 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓએ પોતાની તોફાની બેટિંગથી 9.4 ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કર્યો હતો. હૈદરાબાદની જીતની સાથે જ એક ટીમ IPL 2024માં પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આ સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સને પણ નુકસાન થયું છે.

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ IPL 2024માં પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ટીમે વર્તમાન સિઝનમાં અત્યાર સુધી 12 મેચ રમી છે, જેમાં ટીમ માત્ર ચાર મેચ જીતી શકી છે. ટીમને 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈના 8 પોઈન્ટ છે અને તે પોઈન્ટ્સ ટેબલમાં પર 9મા સ્થાને છે. ટીમની નેટ રન રેટ -0.212 છે. મુંબઈ ઈન્ડિયન્સની બે મેચ બાકી છે, જે તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમવાની છે. જો મુંબઈની ટીમ આ મેચો જીતી જાય તો પણ તેના માત્ર 12 પોઈન્ટ જ રહેશે.

મુંબઈ ઈન્ડિયન્સ માત્ર 12 પોઈન્ટ સુધી પહોંચી શકશે

પોઈન્ટ્સ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ, કેકેઆર અને સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલાથી જ 12થી વધુ પોઈન્ટ ધરાવે છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સના 12-12 પોઈન્ટ છે. દિલ્હી અને લખનૌની ટીમ વચ્ચે 14મી મેના રોજ મેચ રમાશે. આ મેચ પછી બેમાંથી એક ટીમના 14 પોઈન્ટ થવાના છે. જ્યારે મુંબઈની ટીમ મહત્તમ 12 પોઈન્ટ સુધી જ પહોંચી શકે છે. આ રીતે, તેની પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

નંબર વન પર છે આ ટીમ

પોઈન્ટ્સ ટેબલમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ પહેલા સ્થાને છે. ટીમના 11 મેચમાં 16 પોઈન્ટ્સ છે. KKRની નેટ રન રેટ +1.453 છે. જ્યારે રાજસ્થાન રોયલ્સની ટીમ બીજા સ્થાને છે. ટીમે 11 મેચ રમી છે, જેમાંથી તેણે 8માં જીત મેળવી છે. તેના પણ 16 પોઈન્ટ્સ છે. પરંતુ રાજસ્થાનની નેટ રન નેટ KKR કરતા ઓછી છે. રાજસ્થાન રોયલ્સની નેટ રન રેટ +0.476 છે.

CSKને નુકસાન થયું

સનરાઈઝર્સ હૈદરાબાદે જીત નોંધાવતાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને પોઈન્ટ્સ ટેબલમાં એક સ્થાનનું નુકસાન થયું છે. આ સિઝનમાં ચેન્નાઈએ 11 મેચ રમી છે, જેમાંથી તેણે 6માં જીત મેળવી છે. ટીમના 12 પોઈન્ટ્સ છે અને તેની નેટ રન રેટ +0.700 છે. SRHની જીત બાદ CSK ચોથા સ્થાને પહોંચી ગઈ છે.

આ સમાચાર શેર કરો