મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ક્રિકેટ ઈતિહાસની આ 7 ટેસ્ટ, જે એક પણ બોલ ફેંક્યા વગર પૂરી થઈ, હવે અફઘાન ટીમ પર છવાયા મુશ્કેલીના વાદળો

અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ 9 સપ્ટેમ્બરથી ગ્રેટર નોઈડામાં

ક્રિકેટ ઈતિહાસની આ 7 ટેસ્ટ, જે એક પણ બોલ ફેંક્યા વગર પૂરી થઈ, હવે અફઘાન ટીમ પર છવાયા મુશ્કેલીના વાદળો

અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ 9 સપ્ટેમ્બરથી ગ્રેટર નોઈડામાં રમાવાની હતી. પરંતુ વરસાદ, ભીનું આઉટફિલ્ડ અને નબળી વ્યવસ્થાને કારણે પહેલા 3 દિવસ સુધી એક પણ બોલ ફેંકી શકાયો ન હતો. મેચના ત્રણ દિવસ દરમિયાન ટોસ પણ થઈ શક્યો ન હતો. હવે આ મેચ રદ્દ થવાનો ખતરો છે. જો આ મેચ કોઈપણ બોલ ફેંક્યા વિના રદ થઈ જશે તો આ મેચનું નામ ઈતિહાસમાં નોંધાઈ જશે. ક્રિકેટ ઈતિહાસની આ 8મી ટેસ્ટ મેચ હશે જે કોઈપણ બોલ ફેંક્યા વગર રદ થઈ જશે.

આ પહેલા 7 મેચ એવી બની જે એકપણ બોલ ફેંક્યા વિના રદ કરવામાં આવી હતી. આવો પહેલો કિસ્સો 1890માં પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની ઓલ્ડ ટ્રેફોર્ડ ટેસ્ટ મેચ રદ કરવામાં આવી હતી. જ્યારે આ જ રીતની છેલ્લી અને 7મી ટેસ્ટ મેચ 1998માં રદ કરવામાં આવી હતી. આવો જાણીએ આ તમામ 7 ટેસ્ટ મેચો વિશે...

ક્રિકેટ ઈતિહાસની આ 7 મેચ એક પણ બોલ ફેંક્યા વગર રદ્દ થઈ ગઈ...

1. આ પહેલી ઘટના 1890માં પ્રકાશમાં આવી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ રદ કરવામાં આવી હતી. આ મેચ ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે યોજાવાની હતી, પરંતુ સતત વરસાદને કારણે મેચ રમાઈ શકી ન હતી અને એકપણ બોલ ફેંકાયા વિના મેચ રદ કરવી પડી હતી. બંને ટીમો વચ્ચે રમાયેલી સીરિઝની આ ત્રીજી ટેસ્ટ મેચ હતી.

2. બીજો કિસ્સો 1938માં આવ્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ માન્ચેસ્ટરમાં રમાવાની હતી. પરંતુ આ પણ વરસાદનો શિકાર બની હતી. આ મેચ પણ એકપણ બોલ ફેંક્યા વિના રદ કરવી પડી હતી.

3. 1970-71ની એશિઝ સીરિઝ દરમિયાન, એક પણ બોલ ફેંક્યા વિના મેચ રદ કરી દેવી પડી હતી. આ દરમિયાન ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મેલબોર્નમાં સીરિઝણીની ત્રીજી મેચ રમાવાની હતી, પરંતુ ભારે વરસાદને કારણે પાંચ દિવસ સુધી મેચ રમાઈ શકી ન હતી. વરસાદ ઉપરાંત અન્ય કારણોસર પણ મેચ રદ્દ કરવી પડી હતી.

4. પાકિસ્તાનની ટીમે ફેબ્રુઆરી 1989માં ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કર્યો હતો. ત્યારબાદ સીરિઝની પહેલી ટેસ્ટ 3 ફેબ્રુઆરીથી ડ્યુનેડિનમાં રમાવાની હતી, પરંતુ અહીં પણ વરસાદ વિલન બન્યો. પહેલા ત્રણ દિવસની રમત વરસાદને કારણે ધોવાઈ ગયા બાદ એકપણ બોલ ફેંકાયા વિના મેચ રદ્દ કરવામાં આવી હતી. મેચમાં ટોસ પણ થયો ન હતો.

5. માર્ચ 1990માં વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરિઝ યોજાઈ હતી. આ દરમિયાન, સીરિઝની બીજી ટેસ્ટ મેચ જ્યોર્જટાઉન, ગુઆનામાં રમવાની હતી, પરંતુ આ મેચ પણ ઈન્દ્રદેવના રોષનો ભોગ બની હતી. વરસાદના કારણે આ મેચ રદ્દ કરવી પડી હતી. મેચમાં ટોસ પણ થઈ શક્યો નહોતો.

6. 1998માં ઝિમ્બાબ્વેની ટીમ પાકિસ્તાનના પ્રવાસે આવી હતી. ત્યારપછી સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ 17મી ડિસેમ્બરથી ફૈસલાબાદમાં રમવાની હતી, પરંતુ સતત પાંચ દિવસ સુધી એવો વરસાદ પડ્યો કે એકપણ બોલ ફેંકાયા વિના મેચ રદ્દ કરવી પડી.

7. 1998માં જ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસે ગઈ હતી. તે સમય દરમિયાન, 18 ડિસેમ્બરે ડ્યુનેડિન ટેસ્ટથી સીરિઝની શરૂઆત થવાની હતી, પરંતુ વરસાદે આખી રમત બગાડી નાખી. સતત વરસાદના કારણે શરૂઆતના ત્રણ દિવસ સુધી રમત રમાઈ શકી ન હતી. આ પછી, આ મેચ પણ ટોસ વિના રદ કરવામાં આવી હતી. ટેસ્ટ ક્રિકેટમાં આ છેલ્લી મેચ હતી, જેમાં એકપણ બોલ ફેંકાયા વિના જ મેચ રદ કરી દેવી પડી હતી.

આ સમાચાર શેર કરો