T-20 વિશ્વકપ: ટીમ ઈન્ડિયાએ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવીને લીધો બદલો, 10 વર્ષ પછી ફાઈનલમાં
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024માં ધમાકેદાર દેખાવ કર્યો છે અને ફાઇ

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024માં ધમાકેદાર દેખાવ કર્યો છે અને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમે ગુરુવારે (27 જૂન) સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડની ટીમને 68 રને હરાવ્યું હતું. આ સાથે 2 વર્ષ જૂનો બદલો લઈ લીધો છે.
ભારતની શાનદાર બોલિંગ સામે ઈંગ્લેન્ડની ટીમ 103 રન પર ઓલઆઉટ
ભારતની શાનદાર બોલિંગ સામે ઈંગ્લેન્ડની ટીમ 103 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ઈન્ડિયાએ આ મેચ 68 રને જીતીને સેમિફાઈનલ પોતાના નામે કરી હતી. જીતની સાથે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી ગઈ છે અને શનિવારે 29 જૂને બાર્બાડોસમાં દ.આફ્રિકા સામે ટકરાશે.
કુલદીપ યાદવ અને અક્ષર પટેલે 3-3 વિકેટ ઝડપી
ભારતીય સ્પિન બોલરોએ અંગ્રેજોને કોઈ તક આપી ન હતી. હેરી બ્રુકે 25, કેપ્ટન જોસ બટલરે 23, જોફ્રા આર્ચરે 21 અને લિયામ લિવિંગસ્ટોને 11 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. બીજી તરફ સ્પિનર કુલદીપ યાદવ અને અક્ષર પટેલે 3-3 વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહને 2 સફળતા મળી.
કેપ્ટન રોહિત શર્માની 36 બોલમાં ફિફ્ટી
મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 7 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 36 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તેણે 39 બોલમાં 57 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 2 સિક્સર અને 6 ફોર ફટકારી હતી. જ્યારે સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 47 રન બનાવ્યા હતા.
આ સિવાય હાર્દિક પંડ્યાએ 13 બોલમાં 23 રનની ઇનિંગ રમી હતી. અંતમાં રવિન્દ્ર જાડેજાએ 9 બોલમાં અણનમ 17 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે રીસ ટોપલી, જોફ્રા આર્ચર, સેમ કુરાન અને આદિલ રશીદે 1-1 વિકેટ લીધી હતી.
અક્ષર પટેલ મેન ઓફ ધ મેચ
ભારત તરફથી અક્ષર પટેલે શાનદાર પ્રદર્શન કરતા પહેલા બેટિંગમાં પણ જ્યારે જરૂર હતી ત્યારે મહત્ત્વના 10 રન જોડ્યા હતા. જ્યારે બોલિંગમાં પણ બટલર, મોઈન અલી અને બેયરસ્ટોની મહત્વની 3 વિકેટો ઝડપી હતી. જેના પરિણામે અક્ષરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે રોમાંચક જંગ
T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં જ્યારે પણ ભારત અને ઈંગ્લેન્ડની ટીમો આમને-સામને આવી છે ત્યારે બંને વચ્ચે રોમાંચક જંગ જોવા મળ્યો છે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 24 T20 મેચ રમાઈ છે, જેમાં ભારતે 13 અને ઈંગ્લેન્ડે 11 મેચ જીતી છે.
ટી-20 વર્લ્ડ કપના ઈતિહાસમાં બંને ટીમો વચ્ચેના મુકાબલાના આંકડા જોઈએ તો તેમાં પણ ભારત અને ઈંગ્લેન્ડ બંને ટીમો સમાન દેખાય છે. T20 વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 5 મેચ રમાઈ છે, જેમાં ભારતે 3 મેચ જીતી છે અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે.
ભારત Vs ઈંગ્લેન્ડ સામ-સામે
કુલ T20 મેચઃ 24
ભારત જીત્યું: 13
ઇંગ્લેન્ડ જીત્યું: 11
T20 વર્લ્ડ કપમાં હેડટૂ હેડ
કુલ T20 મેચો: 5
ભારત જીત્યું: 3
ઇંગ્લેન્ડ જીત્યું: 2
ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડની ટીમ
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહ.
ઈંગ્લેન્ડની ટીમ: ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર/કેપ્ટન), જોની બેરસ્ટો, હેરી બ્રુક, મોઈન અલી, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરાન, ક્રિસ જોર્ડન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને રીસ ટોપલી.








