T20 વર્લ્ડ કપ 2007ની ફાઈનલનો હીરો 12 વર્ષે ધોનીને મળ્યો, કરી આ ભાવુક પોસ્ટ
વર્ષ 2007ની T20 વર્લ્ડ કપની ફાઈનલનો હીરો રહેલા જોગીન્દર શર્માએ ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની સાથ

વર્ષ 2007ની T20 વર્લ્ડ કપની ફાઈનલનો હીરો રહેલા જોગીન્દર શર્માએ ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની સાથે મુલાકાત કરી હતી. બંને ખેલાડીઓ 12 વર્ષે મળતાં ખુશખુશાલ જોવા મળ્યા હતા. જોગીન્દર શર્માએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ મુલાકાતની કેટલીક ઝલક શેર કરી છે. તેણે ધોની સાથેની મુલાકાત અંગે કહ્યું કે, 12 વર્ષે મળ્યાની ખુશી કંઈક અલગ છે. જોગીન્દરે 'એ યાર સુન યારી તેરી' સોંગ સાથે પોસ્ટને કેપ્શન આપ્યું, ઘણા લાંબા સમય પછી ધોનીને મળીને આનંદ થયો. લગભગ 12 વર્ષ પછી આજે તમને મળવાનો કંઈક અલગ જ આનંદ હતો.
જોગીન્દર શર્માએ 2007 T20 વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ધોનીએ ફાઈનલની છેલ્લી ઓવર જોગીન્દર શર્માને આપીને એક જુગાડ ખેલ્યો હતો. પરંતુ જોગીન્દર ધોનીની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો હતો. માહીએ જોગીન્દરને છેલ્લી ઓવર આપવી એ નિર્ણાયક નિર્ણય સાબિત થયો, જોગીન્દર શર્માએ મિસ્બાહ ઉલ હકની વિકેટ લઈને ભારતને પહેલો T20 વર્લ્ડકપ જીતાડ્યો હતો.
વર્ષ 2007ની T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં જીતવા માટે 12 રનની જરૂર હતી અને ક્રિઝ પર મિસ્બાહ ઉલ હક શાનદાર ફોર્મમાં હાજર હતો. એ સમયે કેપ્ટન કુલ ધોનીએ અનુભવી બોલરને પસંદ કરવાને બદલે ઓછા અનુભવી બોલર જોગીન્દર શર્માને જવાબદારી સોંપી. ધોનીએ જોગિંદરને બોલિંગ સોંપતા જ સ્ટેડિટમમાં હાજર લોકો સહિત ક્રિકેટ જોનારા બધા આશ્ચર્યચકિત થયા. પરંતુ ધોનીને પોતાની વ્યૂહ નીતિ પર પૂરો ભરોસો હતો.
જોગીન્દરે વાઈડ બોલથી ઓવરની શરૂઆત કરતા તણાવ વધી ગયો. બીજો ડોટબોલ રહ્યો. ત્રીજા બોલે મિસ્બાહે સિક્સર ફટકારતા પાકિસ્તાનના હાથમાં જીત પહોંચી ગઈ હતી. આ સમયે માત્ર 4 બોલમાં 6 રનની જરૂરિયાત હતી. ભારત પર ખૂબ જ દબાણ છતાં ધોની શાંત રહ્યો અને જોગિન્દરને ધ્યાન કેન્દ્રિત કરવા પ્રોત્સાહિત કર્યો.
જોગીન્દરની ઓવરના ચોથા બોલ પર મિસ્બાહે ફાઇન લેગ પર જોખમી સ્કૂપ શોટ રમવાનો પ્રયાસ કર્યો. બોલ હવામાં રહ્યો અને શોર્ટ ફાઈન લેગ પર ઉભેલા શ્રીસંતે ધીરજતાપૂર્વક કેચ ઝડપી લીધો. મિસ્બાહ આઉટ થયો અને ભારતે પહેલો T20 વર્લ્ડ કપ પાંચ રનથી જીતી લીધો.








